વિશ્વાસથી વિકાસ યાત્રા:ભાવનગરના મહુવા ખાતે રૂ.25 કરોડના કુલ 221 કામોનું સાંસદ ડો. ભારતીબેન શિયાળના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે વિકાસની એક નૂતન તરાહ તરાસી છે- સાંસદ

રાજ્યની 20 વર્ષની વિકાસ યાત્રાથી સમાજના અંતિમ છેવાડાના માનવીને લાભ થયો છે. ત્યારે આ 20 વર્ષની વિકાસ યાત્રાની વાત લઈને રાજ્યભરમાં શરૂ થયેલાં 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે ભાવનગરના મહુવા ખાતે સાંસદ ડો. ભારતીબેન શિયાળે રૂ.25 કરોડના કુલ-221 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

સમાજના અંતિમ છેવાડે બેઠેલાં લોકોના જીવન ધોરણમાં સુધારો
મહુવાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં એક નૂતન વિકાસની તરાહ તરાસી છે. આપણાં દેશનું વિકાસ મોડલ આજે ફક્ત દેશમાં નહીં પણ વિદેશમાં પણ નોંધ લેવી પડે તે પ્રકારે દેશમાં વિકાસ થયો છે. સમાજના અંતિમ છેવાડે બેઠેલાં લોકોના જીવન ધોરણમાં સુધારો આવે તેવી વિકાસયાત્રા તેમના નેતૃત્વમાં સમગ્ર દેશભરમાં અને ગુજરાતમાં ચાલી રહી છે.

3 કરોડથી વધુ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર
મહિલાઓ, બાળકો, યુવાનો, ખેડૂતો, શ્રમજીવીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ બનાવી તેમના જીવન ધોરણમાં સુધારો આવે અને તેઓ વિકાસની મુખ્યધારામાં આવે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. 3 કરોડથી વધુ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. દેશની 9 કરોડ મહિલાઓને ઉજ્જવલા ગેસનો લાભ મળ્યો છે. તે સાથે મહિલાઓને આત્મસન્માન અને ગૌરવ પણ મળ્યું છે. દેશમાં પાણી, રસ્તા, ગટર, ગાર્ડન સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

દેશના 80 કરોડ લોકોને ઘરે અનાજ પહોંચાડ્યું
તેમણે વધુમાં ઉમેર્યું કે, લોકોનો વિશ્વાસ ન મળે ત્યાં સુધી વિકાસ ન થઈ શકે. ભારત જેવો વિવિધતા ધરાવતો દેશ એકતા વગર અને જાગૃતિ વગર આગળ ન વધી શકે. આ માટેનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુપેરે કરી બતાવ્યું છે. કોરોના કાળમાં જાગૃતિને કારણે આપણે કોરોનાને મ્હાત આપી શક્યા છીએ. તે તેનું સૌથી મોટું જ્વલંત ઉદાહરણ છે. તેમ જણાવી તેમણે કહ્યું કે, વડાપ્રધાને દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવીને લોકોને બે ડોઝ આપી દીધા છે. કોરોના કાળમાં વિશેષ પેકેજ પણ આપ્યું હતું. દેશના 80 કરોડ લોકોને ઘરે અનાજ પહોંચાડીને તેમને ભૂખ્યા સુવા દીધા નથી. કોરોનાની રસી આપણાં દેશમાં બનતી નહોતી તેને બનાવવાની શરૂઆત કરીને 'આત્મનિર્ભર ભારત'માટેનું પણ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

ભારતની નોંધ સમગ્ર વિશ્વભરમાં લેવાઈ
આગામી દિવસોમાં વડાપ્રધાનની ભાવનગર મુલાકાત સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભાવનગર ખાતે વિશ્વનું સૌથી મોટું સી.એન.જી. ટર્મિનલ આકાર પામવા જઈ રહ્યું છે. વડાપ્રધાને ભારતની આંતરિક સાથે બાહ્ય સુરક્ષા માટે પણ મજબૂત કદમ ઉઠાવ્યાં છે. જેને લીધે આજે ભારતની નોંધ સમગ્ર વિશ્વભરમાં આદર સાથે લેવામાં આવી રહી છે. આ‌ અવસરે '20 વિશ્વાસની વિકાસ ગાથા' દર્શાવતી માહિતી ખાતાની ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી મહેશ વસાવાએ આભાર વિધિ કરી હતી.

વિવિધ અધિકારીઓ હાજર રહ્યાં
આ પ્રસંગે મહુવા નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન મકવાણા, પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ, ડી.વાય.એસ.પી.મિહિર બારૈયા, મામલતદાર એન.એસ. પારિતોષ, નગરપાલિકાના સભ્યો, સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ અને મહુવાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...