તપાસ:અલંગમાં જહાજોની સંખ્યા ઘટી જતા વડાપ્રધાન કાર્યાલય દ્વારા સર્વે હાથ ધરાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેન્દ્ર, રાજ્ય સરકારના પ્રશ્નો, પોલીસી, ડેવલોપમેન્ટ અંગે પૃચ્છા
  • અલંગના પ્રશ્નો, સુવિધાઓ અંગે પણ ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસ

અલંગ શિપબ્રેકિંગ યાર્ડને લગતા વિવિધ પ્રશ્નો, પોલીસી લેવલના પ્રશ્નો, ડેવલોપમેન્ટ, ખુટતી સુવિધાઓ, જહાજ ઓછા કેમ આવી રહ્યા છે તેના સહિતની માહિતીઓ એકત્ર કરવા માટે વડાપ્રધાન કાર્યાલયમાંથી જનરલ સર્વે કરવા માટે એક પ્રતિનિધિ મંડળ અલંગમાં આવ્યુ હતુ.

અલંગને સંબંધિત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના જુદા જુદા વિભાગને લગતી કામગીરી અને કાર્યવાહી દરમિયાન જો કોઇ સમસ્યાઓ નડી રહી હોય તો તેની વિગતો પણ એકત્ર કરવામાં આવી હતી. ઉપરાંત અલંગ શિપબ્રેકિંગ વ્યવસાયને વેગ આપવામાં નડી રહેલી સમસ્યાઓની વિગતોનો પણ તાગ મેળવ્યો હતો. શિપબ્રેકિંગ પોલીસી અંગે જો કોઇ સમસ્યાઓ નડી રહી હોય તો તેના અંગે પણ માહિતીઓ એકત્ર કરવામાં આવી હતી.

યુરોપીયન યુનિયનની માન્યતા મેળવવા માટે જે બાબતો નડી રહી છે તેના અંગે પણ મુલાકાતી પ્રતિનિધિ મંડળે માહિતીઓ એકત્ર કરી હતી, અને ઇ.યુ.ની માન્યતા જડપથી અલંગને અપાવવા માટે કેન્દ્ર સરકાર પણ કાર્યરત હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. ઉપરાંત વર્ષ 2022-23 દરમિયાન અલંગમાં જહાજની આવક તળીયે બેસી ગઇ છે, તેના અંગે પણ વિગતો એકત્ર કરવામાં આવી હતી.

જહાજ ઓછા આવવાના મુખ્ય કારણો જાણવામાં આવ્યા હતા. સરકારી વિભાગોની વ્યવસાયને કનડગત અંગે પણ વિગતો જાણવામાં આવી હતી. નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જહાજની સંખ્યા સતત ઘટી રહી હોવાની બાબતથી કરવેરાની આવક પર પણ ગંભિર અસર પહોંચી રહી છે, તેથી બાબતની ગંભિરતાને સમજીને સર્વે કરાયો છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા જહાજ સંબંધિત કાર્યવાહીમાં મુશ્કેલીઓ છે કે કેમ?, કોઇપણ કર્મચારી, અધિકારી અયોગ્ય માંગણી કરી રહ્યા હોય તે તમામ બાબતોની નોંધ લેવામાં આવી છે.

વડાપ્રધાન કાર્યાલયનું પ્રતિનિધિ મંડળ મોટાભાગના સરકારી વિભાગોને અંધારામાં રાખીને અલંગ પહોંચી ગયુ હતુ, અને વિગતો એકત્ર કરી હતી. જો કે, પીએમઓ દ્વારા અચાનક લેવામાં આવેલી મુલાકાતને કારણે અલંગ સંબંધિત સરકારી વિભાગો દોડતા થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...