અનાવરણ:ઘરે ઘરેથી તાંબુ-પિત્તળ એકત્ર કરીને બનાવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું આજે થશે અનાવરણ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં અનુસુચિત જાતિની દિકરીઓના હસ્તે અનાવરણ સમાજ માટે ઉદાહરણરૂપ
  • ​​​​​​​બોરડીગેટ થી સંત ​​​​​​​રોહિદાસજીનગર​​​​​​​ અનુસુચિત વિસ્તારમાં ઘરે ઘરે વાસણો એકઠા કરી 450 કિગ્રાની પ્રતિમા બનાવી

મહાન પુરૂષોની અનેક પ્રતિમાઓ તંત્ર અને પ્રજાજનોએ બનાવી હશે પરંતુ ભાવનગરમાં અનુસુચિત જાતિના ઘરે ઘરેથી તાંબા, પિતળ અને કાંસાના વાસણો એકઠા કરી 450 કિલોગ્રામ વજનની 6.5 ફુટ ઉંચાઈની ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નિર્માણ કર્યું અને આવતીકાલ તા.14ના રોજ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે બોરડીગેટ ખાતે અનાવરણ કરવામાં આવશે. બંધારણના ઘડવૈયાની પ્રતિમાનું એક હજારથી વધુ અનુસુચિત જાતિના પરિવારોએ ઘડતર કર્યું છે.

ભાવનગર શહેરનો બોરડીગેટ થી સંત રોહિદાસજીનગર એવો વિસ્તાર છે કે જ્યાં 15000થી વધુ લોકો અનુસુચિત સમાજના એક સાથે સાકળથી જોડાયેલા રહે છે. જે કદાચિત રાજ્યભરમાં ભાવનગરમાં હશે. તે સમાજના લોકોના આગેવાનોને ત્રણ વર્ષ પૂર્વે બાબાસાહેબ આંબેડકરની પંચધાતુની પ્રતિમાના નિર્માણનો વિચાર આવ્યો અને તેમાં સમાજના દરેક લોકો ભાગીદાર બને તેવા હેતુસર તે સંદેશો સમાજમાં મુક્યો અને બોરડીગેટ, પંકજ સોસાયટી, વીર મેઘનગર, સંત રોહીદાસજી નગર, કાનાનગર અને મહાત્મા ગાંધી કોલોની સહિતના અનુસુચિત જાતિ વિસ્તારમાં ઘરે ઘરે જઈ તાંબા પિત્તળ અને કાંસાના વાસણો ભેગા કર્યા હતા. અને તેમાંથી 450 કિલોગ્રામની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પંચધાતુની પ્રતિમા બનાવવામાં આવી હતી. રૂ. 4.51 લાખના ખર્ચે 6.5 ફુટ ઉંચાઇની બનાવેલી પ્રતિમાને ઉત્તર કૃષ્ણનગર બોરડીગેટ ખાતે અનાવરણનું આયોજન કરાયું છે.

આવતીકાલ તારીખ 14 ને ગુરુવારે રાત્રે 8 કલાકે અનુસૂચિત સમાજની દીકરીઓના હસ્તે અનાવરણ કરવામાં આવશે. દીકરીઓના હસ્તે અનાવરણ પણ એક સમાજ માટે ઉદાહરણરૂપ છે.ડોક્ટર આંબેડકરની પ્રતિમાના નિર્માણ માટે અનુસૂચિત જાતિના દરેક પરિવારજનો જોડાય તે હેતુસર વિચાર મુકતા ગરીબના ઘરમાંથી પણ સામે ચાલીને સક્ષમતા મુજબ વાસણો આપ્યા હતા. જે ભાવનગર માટે પણ ગૌરવપ્રદ છે. ડો. આંબેડકરની પ્રતિમા ફરતે સમિતિ દ્વારા પાંચ CCTV કેમેરા મુકવામાં આવ્યા છે.

ગરીબ વિધવાનું ઘર તારવ્યું તો સામે ચાલીને અનુદાન કર્યું
ડો.આંબેડકરની પ્રતિમા માટે અનુસૂચિત વિસ્તારોમાં ઘરે ઘરેથી તાંબા,પીતળ અને કાંસાના વાસણો ભેગા કરવામાં આવતા હતા તે દરમિયાન મેઘનગરમાં રહેતા દિપ્તીબેન હરેશભાઈ બોરીચા જે આર્થિક રીતે પછાત હોવા સાથે વિધવા હોવાથી ત્રણ સંતાનોનું ભરણપોષણ કરી રહ્યા છે જેથી સમાજના આગેવાનો દ્વારા તેમની પરિસ્થિતિને લઇ તેમના ઘરેથી વાસણ કે અનુદાન લેવું યોગ્ય ના લાગ્યુ અને તે ઘરને તારવ્યું. જેથી દિપ્તીબેન ઘરની બહાર નીકળી બાબાસાહેબની પ્રતિમા માટે પોતાની લાગણી વ્યક્ત કરી વાસણો પણ આપ્યા અને યથાશક્તિ અનુદાન પણ આપ્યું.

અન્ય સમાચારો પણ છે...