‘વાવડી’ની સ્કૂલની જ્ઞાનની ‘નાવડી’:હાવર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ફિલીંગ અપાવતી વાવડી ગામની ગ્રીનરીથી ઘેરાયેલી સ્માર્ટ સ્કૂલ

ભાવનગર13 દિવસ પહેલા
  • સ્કૂલની અંદરની દિવાલો બાળકોને ટ્રાફિક નિયમથી લઈ યોગ સહિતનું જ્ઞાન આપે છે

સામાન્ય રીતે આપણે ગામડાની કોઇ સ્કૂલમાં જઇએ તો સામાન્ય ઓરડાં, નળીયાવાળી છત, થોડાઘણાં વિદ્યાર્થીઓ અને વેરાન એવું મેદાન એવાં દ્રશ્યો સામાન્ય રીતે મનમાં અંકિત થાય. પરંતુ આજે આપણે એક એવી સ્કૂલની વાત કરવી છે કે જે સ્માર્ટ સ્કૂલ તો છે જ પરંતુ ગ્રીન પણ છે. રાજ્યમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવાં માટે દરેક તાલુકામાં 2-2 સ્કૂલો સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. તેમાંની જ એક સ્માર્ટ સ્કૂલ ભાવનગરનાં ઘોઘા તાલુકામાં આવેલ વાવડી ગામની છે જે સ્માર્ટ તો છે ઉપરાંત ગ્રીન પણ છે.

હાવર્ડ કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જેવી ફિલીંગ
‘વાવડી’ ગામની સ્કૂલની જ્ઞાનની ‘નાવડી’માં બેસીને ગ્રામ્ય વિસ્તારના બાળકો શહેરને ટક્કર મારે તેવી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં સ્કૂલ પ્રવેશોત્સવની શરૂઆત થવાં જઇ રહી છે, ત્યારે આપણે એવી આગવી અને અનોખી સ્કૂલની વાત કરવી છે કે, સ્કૂલના પટાંગણમાં પ્રવેશ કર્યા બાદ તમને હાવર્ડ કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આવ્યાં હોય તેવી ફિલીંગ આવ્યા વગર ન રહે તેવું લીલુંછમ્મ મેદાન, સમગ્ર પરિસરમાં એક તળખલું પણ કચરો જોવાં ન મળે તેવું સ્વચ્છ વાતાવરણ તમને આહલાદક અનુભૂતી કરાવે તેવું છે. આ સ્કૂલમાં આવીને બાળકને જે શિક્ષણનો માહોલ મળે છે તે જોતાં જો તે ન ભણે તો તે વિદ્યાર્થીનો વાંક ગણાય એવી મુલાકાત લેવાં જેવી આ સ્કૂલ છે.

વિદ્યાર્થીઓને ભારતીય યોગ વિશેની સમજ અપાય છે
વિદ્યાર્થીઓને ભારતીય યોગ વિશેની સમજ અપાય છે

બગીચામાં પાણીમાં રહેતાં પ્રાણીઓના ચિત્રો
માત્ર સ્કૂલ કહેવું તેના માટે નાનું પડે તે રીતે સમગ્ર કેમ્પસને શિક્ષા- દિક્ષાના વાતાવરણની સજ્જ કરવામાં આવેલું છે. સ્કૂલમાં કચરાં ટોપલીમાં જ બાળકો કચરો નાંખે તેવાં સંસ્કાર કેળવવામાં આવ્યાં છે. સ્કૂલની દિવાલ પર વિવિધ રમતોના ચિત્રો દોરવામાં આવ્યાં છે. જેથી બાળકોમાં રમત-ગમત પ્રત્યે અનુરાગ જન્મે. સ્કૂલની અંદરની દિવાલ પર વિવિધ યોગમુદ્રાની નિશાનીઓ દોરેલી છે જેથી વિદ્યાર્થીઓને ભારતીય યોગ વિશેની સમજ મળે. સ્કૂલની વચ્ચોવચ્ચ લીલોછમ્મ બગીચો છે. આ બગીચામાં સુશોભન માટે ગોઠવેલાં પથ્થર પર દેડકાં જેવાં પાણીમાં રહેતાં પ્રાણીઓના ચિત્રો દોરેલાં છે. જેથી બાળકોને જોઇને પાણીમાં રહેતાં જળચરો વિશેની આપોઆપ સમજ આવી જાય.

સ્કૂલની વચ્ચોવચ્ચ લીલોછમ્મ બગીચો
સ્કૂલની વચ્ચોવચ્ચ લીલોછમ્મ બગીચો

અહીં બાળકો રમતાં-રમતાં મુળાક્ષરોનું જ્ઞાન મેળવી શકે છે
સ્કૂલમાં અન્ય દિવાલોને અડીને નિસરણી બનાવવામાં આવી છે કે, જેથી બાળકો રિસેષના સમયમાં સ્કૂલમાં જ રમત રમી શકે. સ્કૂલમાં એમ્ફી થિયેટર છે જેના પર એ.બી.સી.ડી. અને અન્ય મૂળાક્ષરો લખેલાં છે જેથી બાળકો રમતાં-રમતાં મુળાક્ષરોનું જ્ઞાન મેળવી શકે. સ્કૂલમાં પીવાના પાણીની પરબની એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે કે, તેમના દ્વારા ઢોળાયેલ પાણી સીધું બગીચામાં ફુલઝાડને જાય. આ માટે પાણીની પરબથી નીચેના ભાગમાં વનસ્પતિ બગીચો બનાવવામાં આવ્યો છે. જ્યાં વિવિધ ફુલઝાડ તેમનાં નામ અને વૈજ્ઞાનિક નામ, વિવિધ વનસ્પતિથી કયા ખનીજો શરીરને મળે છે. કયા ખનીજથી શરીરને શું લાભ થાય છે તેના વિગતવાર માહિતી ચિત્ર સાથે દર્શાવેલી છે.

બાળકોમાં રહેલી સંગીત અને કલાને બહાર લાવવાનો પ્રયાસ​​​​​​​
સ્કૂલના ક્લાસરૂમના દરવાજા પર મોટું, પતલું, ડોરેમોન વગેરે જેવાં કાર્ટુન ચિત્રો દોરેલાં છે જેથી નાના બાળકોને મજા આવે. દરેક વર્ગની દિવાલ પર ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, શહીદ ભગતસિંહ જેવાં ચિત્રો દોરેલાં છે જેથી બાળકોને આપણાં રાષ્ટ્રનાયકો વિશેની જાણકારી મળી રહે. દરરોજ સવારની પ્રાર્થના માટે પણ માઇક, ઓડિયો સાથેનાં આધુનિક સાધનો સાથે ખંજરી, ઢોલક, મંજીરા છે જેના વાદન સાથે સ્કૂલની શરૂઆત થાય છે. આ દ્વારા બાળકોમાં રહેલી સંગીત અને કલાની શક્તિને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

સ્કૂલમાં બગીચો બનાવવામાં આવ્યો
સ્કૂલમાં બગીચો બનાવવામાં આવ્યો

વર્ગખંડની દિવાલો કંઇને કંઇ જ્ઞાન પીરસતી માહિતીથી ભરપૂર
સ્કૂલમાં બાળકો માટે લખવાનાં ડેસ્ક છે. બધાં વર્ગખંડો ચોખ્ખા અને સ્વચ્છ છે. દરેક વર્ગખંડની દિવાલો પર નજર કરો તો કંઇને કંઇ જ્ઞાન પીરસતી માહિતીથી ભરપૂર છે. વિજ્ઞાનના વર્ગખંડમાં જઇએ તો વિજ્ઞાનના મોડલ, ગણિતના મોડલ, ગણતરીની સમજણ આપે તેવાં હાથથી બનાવેલાં મોડલ જોવાં મળે છે. સ્કૂલમાં પ્રોજેક્ટર સાથેના રૂમ તો છે જ પરંતે બાળકોને વધુ સમજણ આપવાં પ્રોજેક્ટરની વિરૂધ્ધ દિશામાં કાળા પાટીયાની વ્યવસ્થા છે કે જેથી બાળકોને વધુ વિસ્તારથી લખીને સમજાવી શકાય.

પાઇપમાં ફુલછોડ વાવીને વર્ટિકલ ગાર્ડન બનાવાયું
સ્કૂલની સીડીમાં આપણે જાડા અને પાતળાં દેખાઇએ તેવાં અંતર્ગોળ અને બહિર્ગોળ કાચ લગાવેલાં છે જેથી આ વિજ્ઞાનના આ નિયમો બાળકો ગમ્મત કરતાં- કરતાં શીખી શકે. સ્કૂલમાં પીવાના કૂલરની પણ સગવડ છે. આ કુલરમાંથી વેડફાયેલું પાણી સ્કૂલમાં વાવેલાં છોડવાઓમાં જાય તેવી વ્યવસ્થા કરેલી છે. તેથી એકપણ પાણીનાં ટીંપાનો બગાડ ન થાય અને તેનો પૂરેપૂરો ઉપયોગ થાય. સ્કૂલની દિવાલો પર પાઇપમાં ફુલછોડ વાવીને હાલમાં પ્રખ્યાત બની રહેલાં વર્ટિકલ ગાર્ડનનો ખ્યાલ પણ વિકસીત કરવામાં આવ્યો છે. સ્કૂલની છત પર પણ પાણીની બોટલમાં મની પ્લાન્ટ લગાવીને ત્યાં પણ હરિયાળી લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યાં છે.

બાળકની સુરક્ષાની પૂરતી કાળજી રાખવામાં આવી છે
સ્કૂલના દરેક વર્ગખંડ પર શિક્ષકનું નામ લખેલું છે જેથી ખબર પડે કે કયા વર્ગખંડમાં કોણ શિક્ષક છે. સ્કૂલના પહેલાં માળે દિવાલની વચ્ચોવચ્ચ લોખંડની પાઇપ લગાવવામાં આવી છે કે જેથી કોઇ બાળક પાળી પર બેસવાથી પડી ન જાય. આમ, બાળકની સુરક્ષાની પણ પૂરતી કાળજી રાખવામાં આવી છે. સ્કૂલમાં આવેલાં મોટા ઝાડના થડ પર સિહ, વાઘ, સસલું વગેરે પ્રાણીઓના ચિત્રો દોરેલાં છે જેથી બાળકો આ પ્રાણીઓ વિશે વગર વાંચે ચિત્રથી જ તેના વિશેની ઓળખ કરી શકે. સ્કૂલમાં બાળકો પોતાની નિયમિત ઉંચાઇ માપી શકે તેવાં ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે કે જેથી બાળકો તેમની રમત-રમતમાં પોતાની ઉંચાઇ માપી શકે તેમજ ટ્રાફિકના નિયમોનું ચિત્ર પણ દિવાલ પર દોરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ ટ્રાફિક વિશેની જાણકારી સ્કૂલમાંથી શીખી શકે.

સ્કૂલમાં મધ્યાહન ભોજની પણ સુવિધા
સ્કૂલમાં મધ્યાહન ભોજની પણ સુવિધા

સ્કૂલમાં મધ્યાહન ભોજન શેડની પણ સુવિધા
બાળકો તેમના પગરખા પણ બહાર મૂકીને જઇ શકે તે માટેના શૂ રેક પણ મૂકવામાં આવ્યાં છે. સ્કૂલમાં મધ્યાહન ભોજન યોજનાનો શેડ પણ સુંદર તૈયાર કરવામાં આવેલો છે. સ્કૂલનાં આચાર્યની ઓફિસમાં પણ દરેક વિષય માટેનાં અને દરેક વર્ગ શિક્ષકો માટેનાં અલગ કબાટની વ્યવસ્થા છે જેથી જે વસ્તુની જરૂરિયાત હોય તે તુરંત શોધી શકાય. સ્કૂલને મળેલાં એવોર્ડ પણ વિવિધ કબાટોમાં તેની માહિતી સાથે પ્રદર્શિત કરવામાં આવેલાં છે.

ભાવનગર જિલ્લામાં ન હોય તેવી સ્માર્ટ સ્કૂલ વાવડી જેવાં નાના ગામમાં
આ અંગે વાવડી ગામના સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ જણાવે છે કે, રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ કરીને સમગ્ર ભાવનગર જિલ્લામાં ન હોય તેવી સ્માર્ટ સ્કૂલ વાવડી જેવાં નાના ગામમાં બનાવવામાં આવી છે. જિલ્લાનાં અધિકારીઓ પણ ઉત્સાહી છે જેના કારણે આ શક્ય બન્યું છે. સ્કૂલના શિક્ષકો પણ ઉત્સાહી છે જેના કારણે આ બધું શક્ય બન્યું છે.

વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના ખ્યાલ સાથે સ્કૂલમાં ગ્રીન બગીચો, કીચન ગાર્ડન
સ્કૂલના આચાર્ય હિતેષભાઇ જાદવ આ અંગે જણાવે છે કે, મારી સ્કૂલ સ્માર્ટ સાથે ગ્રીન તો છે જ પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના ખ્યાલ સાથે સ્કૂલમાં ગ્રીન બગીચો, કીચન ગાર્ડન છે. આજનો સમય છે તે સ્પર્ધાત્મકતાનો છે તેને લઇને સ્કૂલના બાળકો સાંપ્રત પ્રશ્નો વિશે સમજ કેળવે તે માટે વાંચનાલય, ડીજીટલ ક્લાસની સગવડ પણ આ સ્કૂલમાં ઉભી કરવામાં આવી છે. સ્કૂલમાં 16 વર્ષ આચાર્ય રહીને આ સ્કૂલને સ્માર્ટ બનાવવામાં મહત્વનો ફાળો આપનાર પૂર્વ આચાર્ય વિજયસિંહ ગોહિલ તેમની નિવૃત્તિ બાદ પણ તેમની માનદ સેવા આ સ્કૂલમાં આપી રહ્યાં છે.

સ્કૂલના નિર્માણમાં ગામ લોકોનો પણ સાથ અને સહકાર
સ્કૂલના નિર્માણમાં ગામ લોકોનો પણ સાથ અને સહકાર

ગામ લોકોના સાથ સહકારથી આ સ્કૂલ સમગ્ર જિલ્લામાં અવ્વલ
તેમણે આ અંગે કહ્યું કે, અગાઉ આ સ્કૂલ નળીયાવાળી હતી. પરંતુ સરકારની સહાયથી સમયાંતરે નવાં ઓરડા બનાવી અને ગામ લોકોના સાથ સહકારથી આ સ્કૂલ આજે સમગ્ર જિલ્લામાં અવ્વલ પ્રકારની સ્કૂલ બની છે. ગુજરાત પણ આધુનિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગ્રામીણ સ્તરે પણ રાજ્ય સરકાર દ્વારા આવી અદભૂત સ્કૂલઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં શિક્ષણ મેળવીને ગુજરાતનું યુવા ધન વિશ્વ સામે સ્પર્ધા કરવાં માટે સક્ષમ બનવાનું છે તેમાં કોઇ શંકા નથી.

અન્ય સમાચારો પણ છે...