ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.18 એપ્રિલને સોમવારે ગુજકેટની કસોટી લેવાનું આયોજન કરાયું છે જેમાં ભાવનગર જિલ્લામાંથી 4948 મળી ગુજરાત રાજ્યમાં કુલ 1,07,694 વિદ્યાર્થીઓ ગુજકેટની આ કસોટી આપવાના છે.
આજથી બરાબર 10 વર્ષ પૂર્વે ધો.11-12 સાયન્સમાં એ ગ્રુપનો દબદબો હતો અને એ ગ્રુપમાં એક દશકા પૂર્વે 76,489 વિદ્યાર્થીઓ હતા તે આ વર્ષે 39,760 થઇ ગયા છે એટલે 10 વર્ષમાં એ ગ્રુપમાં કુલ 36,729 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. જેની સીધી અસર ડિગ્રી ઇજનેરી કોલેજની બેઠક પર પડી છે અને બે વર્ષથી રાજ્યમાં 32 હજાર જેટલી બેઠકો ડિગ્રી ઇજનેરી કોલેજોમાં ખાલી રહી જાય છે. ઇજનેરીમાં ડિગ્રી બાદ પર્યાપ્ત રોજગારી સર્જન ન થતા થયો એ ગ્રુપમાં સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે.
તા.18 એપ્રિલને સોમવારે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 4948 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ભાવનગરમાં આ પરીક્ષા માટે કુલ 24 સેન્ટર અને 250 બ્લોક રાખવામાં આવ્યાં છે. ગુજકેટની પરીક્ષામાં ભાવનગરમાં આ વર્ષે કુલ 4948 પરીક્ષાર્થી નોંધાયા છે અને તે પૈકી ગુજરાતી માધ્યમના 4105 તેમ અંગ્રેજી માધ્યમના 843 વિદ્યાર્થીઓ છે. જ્યારે એ ગ્રુપના 1223 તેમજ બી ગ્રુપના 3725 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ કસોટીમાં કુલ 3339 વિદ્યાર્થીઓ અને 1609 વિદ્યાર્થિનીઓ કસોટી આપશે.
2012ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કુલ 1,12,973 વિદ્યાર્થીઓ હતા જેમાં એ ગ્રુપમાં 76,489 અને બી ગ્રુપમાં 35,012 વિદ્યાર્થીઓ હતા જ્યારે આ વર્ષે રાજ્યમાં એ ગ્રુપમાં 39,760 અને બી ગ્રુપમાં 67,223 વિદ્યાર્થીઓ છે. આમ, એક દશકામાં પરિવર્તનની લહેરમાં એ ગ્રુપમાં જેટલા વિદ્યાર્થીઓ હતા લગભગ તેટલા વિદ્યાર્થીઓ બી ગ્રુપમાં આવી ગયા છે. 2017માં ગુજકેટ માટે ભાવનગર જિલ્લામાં કુલ 4,330 પરીક્ષાર્થીઓ હતા. જ્યારે સમગ્ર રાજ્યની વાત કરીએ તો ગ્રુપ એમાં 67,135, ગ્રુપ બીમાં 66,215 અને ગ્રુપ એબીમાં 430 પરીક્ષાર્થીઓ મળીને કુલ 1,33,820 પરીક્ષાર્થીઓ ગુજકેટમાં નોંધાયા હતા.
ગુજકેટમાં સવારે 9.30થી સાંજના 4.05 વાગ્યા સુધીમાં ત્રણ પેપરો ભાવનગર સહિતના તમામ જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે લેવામાં આવશે.પરીક્ષાનો અભ્યાસક્રમ વિજ્ઞાનપ્રવાહ ધો.12ના અભ્યાસક્રમને આધારિત રહેશે તેમ ડીઇઓ કચેરીના રાજુભાઇ ભટ્ટે જણાવ્યું હતુ.
એ ગ્રુપમાં ઘટાડો
વર્ષ | એ ગ્રુપ |
2022 | 39,760 વિદ્યાર્થીઓ |
2017 | 67,135 વિદ્યાર્થીઓ |
2012 | 76,489 વિદ્યાર્થીઓ |
બી ગ્રુપમાં વધારો
વર્ષ | બી ગ્રુપ |
2022 | 67,223 વિદ્યાર્થીઓ |
2017 | 66,215 વિદ્યાર્થીઓ |
2012 | 35,012 વિદ્યાર્થીઓ |
એ ગ્રુપમાં બેઠકો વધાર્યા બાદ રોજગારી ન વધી
આજથી 10-12 વર્ષ પૂર્વે રાજ્યમાં એકાએક ડિગ્રી ઇજનેરીનો કોલેજોમાં વધારો થવા લાગ્યો હતો અને એ ગ્રુપમાં ધસારો પણ તે સમયે બી ગ્રુપથી બમણો હતો. પણ આ એક પ્રકારે ફુગાવો સાબિત થયો અને જેટલી દર વર્ષે રાજ્યમાં ડિગ્રી આપવામાં આવે છે તેટલી એ ગ્રુપના વિદ્યાર્થીઓને ઇજનેરી ફિલ્ડમાં રોજગારી મળતી નથી તે વાસ્તવિકતા . રોજગારીની મુશ્કેલી અને સ્થાનિક સ્તરે રોજગારીનો અભાવ એ મુખ્ય પ્રશ્નો હોય એ ગ્રપેમાં દર વર્ષે સંખ્યા ઘટતી જાય છે. તેમાં હવે આ વર્ષે તો બેઝિક ગણિત આવતા એ ગ્રુપને હજી વધુ ફટકો પડશે અને બી ગ્રુપમાં સંખ્યા વધશે. - મનહર રાઠોડ, સંચાલક મંડળ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.