તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેઢિયાળ તંત્ર:ભાવનગર મામલતદાર કચેરીનો પર્દાફાશઃ અરજદારોની વિગતો સાથેના આધાર ફોર્મનો ઢગલો કચરામાંથી મળ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કચરામાંથી મળેલો અરજદારોની અરજીઓનો ઢગલો - Divya Bhaskar
કચરામાંથી મળેલો અરજદારોની અરજીઓનો ઢગલો
  • સાયબર ક્રાઈમ અને ડેટા ચોરી કરાતા ફ્રોડના અસંખ્ય કિસ્સા વચ્ચે બેદરકારી

સાયબર ક્રાઇમ અને લોકોની વિગતો મેળવી છેતરપિંડી થતી હોવાના વારંવારના કિસ્સાઓ છતાં ખુદ સરકારી તંત્ર જ તે બાબતે ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે અને શહેરના વિદ્યાનગર ખાતે આવેલી ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જાહેરમાં કચરામાં અરજદારોની સંપૂર્ણ વિગત સાથેના આધાર નોંધણી અને સુધારા ફોર્મ રેઢિયાળ ની જેમ ફેંકી દેવામાં આવ્યા છે. જાહેરમાં પડેલા ફોર્મના ઢગલા છતાં મામલતદાર કચેરીના અધિકારી કર્મચારીઓને તે દેખાતા નથી. અનેક વખત ડેટા ચોરવા અને ડેટાનો ગેર ઉપયોગ કરી ફ્રોડ કરવાના બનાવો બનતા હોય છે. ત્યારે ખુદ સરકારી તંત્ર જ લોકોના ડેટાને માત્ર ગેરવલ્લે જ નહીં પરંતુ કચરામાં નાખી દેતા હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે.

શહેરના વિદ્યાનગર ખાતે આવેલા ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જાહેરમાં કચરાની જેમ આધારકાર્ડની નોંધણી અને સુધારા માટે અરજદારો દ્વારા ભરાયેલા ફોર્મ ફેંકી દેવામાં આવ્યા છે. અરજદારોએ ફોર્મ નામ, એડ્રેસ, સંપર્ક નંબર, આધાર નંબર,સિગ્નેચર સહિતની તમામ વિગતો ભરેલી હોય છે. ત્યારે અરજદારોની સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મ જે સરકારી રેકોર્ડમાં રાખવાનું હોય છે તે કચરાની જેમ જાહેરમાં ફેંકી દેવામાં આવ્યા છે. ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં એક, બે, કે ત્રણ નહીં પરંતુ આધાર નોંધણી સુધારા ફોર્મનો ઢગલો પડયો છે.

મામલતદાર કચેરીમાં જ અરજદારોની સંપૂર્ણ વિગતો સાથેના ભરાયેલા ફોર્મનો જાહેરમાં ઢગલો હોવા છતાં અધિકારીઓને પણ તે દેખાતા નથી. અરજદારોની સંપૂર્ણ વિગતો જાહેરમાં રઝળતી હોવા સામે ભવિષ્યમાં પણ આવી ગંભીર બેદરકારી દાખવવામાં ન આવે તે માટે તંત્રએ કડકાઈ રાખવી અતિ આવશ્યક બન્યું છે. અગાઉ પણ અનેક વખત આવા કિસ્સાઓ બહાર આવ્યા છે પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી.

ભાવનગર તાલુકાના છે ફોર્મ, કચેરીના સિક્કા પણ છે
આધારકાર્ડમાં સુધારા વધારા અને નવી નોંધણી માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ફોર્મમાં અરજદારે તમામ વિગતો ભરવાની હોય છે. જાહેરમાં કચરાની જેમ ફેંકી દેવાયેલા ફોર્મ અકવાડા, સોડવદરા, ભુંભલી, નવામાઢિયા, કોળીયાક, નવારતનપર અને ભૂતેશ્વર સહિતના અનેક ગામોના અરજદારોના છે. આ ફોર્મમાં ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના સિક્કાઓ પણ મારવામાં આવ્યા છે અને સંબંધિતની સહી પણ છે જેથી તંત્ર દ્વારા આ અંગે પગલા ભરવા લાંબી તપાસની જરૂર પણ નહીં પડે.

ફોર્મ રેકોર્ડમાં રાખવાના હોય, પગલા લેવાશે
આધાર નોંધણી અને સુધારા માટેના અરજદારોના ફોર્મ રેકોર્ડમાં જ રાખવાના હોય છે. કચેરીના કમ્પાઉન્ડમાં ફેંકાયેલા ફોર્મ બાબતે કોઈ જાણકારી નથી. આધાર કાર્ડની આઉટસોર્સિંગ દ્વારા કરાતી કામગીરીમાં કદાચ બેદરકારી દાખવી હશે. જે માટે તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવાશે. > એમ.એચ.જાસપુરીયા, મામલતદાર ભાવનગર ગ્રામ્ય

અન્ય સમાચારો પણ છે...