ભાવનગર સહિત રાજ્યભરમાં ડુપ્લિકેટ અને ચાઈનીઝ દોરા મોટા પાયે ઘુસાડાયા હોવાથી જથ્થાબંધ દોરાના વેપારીઓને પણ માર પડ્યો છે. ભાવનગરમાં અનેક વિસ્તારોમાં ડુપ્લીકેટ દોરા અડધા ભાવે વેચાણ કરતા લોકોને પણ ગુણવત્તા વગરની દોરી મળે છે અને ઓરીજનલ દોરા વેચતા વેપારીઓ નવરા બેઠા છે.
લોકો સસ્તા ભાવે ડુપ્લિકેટ દોરા ખરીદતા વ્યાજે નાણા લાવી લાખો રૂપિયાનો ખરીદેલો માલ પડ્યો રહ્યો છે. કોરોના કાળના માઠા દિવસો બાદ આ વર્ષે ઉતરાયણ પર્વમાં પતંગ દોરાના વેપારીઓને ધંધામાં કમાવાની ઉજળી આશા હતી. પરંતુ તે આશા પર ડુપ્લીકેટ અને ચાઈનીઝ દોરાએ પાણી ફેરવી નાખ્યું છે.
બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ દોરા
ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ અને કડકાઈ છતાં ભાવનગર જિલ્લા સહિત રાજ્યભરના અનેક મહાનગરોમાં પણ ચાઈનીઝ તેમજ ડુપ્લિકેટ દોરા મોટા જથ્થામાં ઘુસાડવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી ડુપ્લીકેટ દોરા મોટા પ્રમાણમાં સપ્લાય થયા છે. બ્રાન્ડેડ કંપનીના નામે તેના જેવા જ માર્કાવાળા લેબલ લગાવેલા દોરા સસ્તા ભાવે વેચાણ કરવામાં આવી રહ્યા છે.
9 તારને બદલે દોરામાં માત્ર 2 તાર
ઓરીજનલ કરતા તેની ગુણવત્તામાં મોટો તફાવત છે. 9 તારને બદલે ડુપ્લીકેટ દોરામાં માત્ર 2 તારના દોરા પધરાવી દેવામાં આવે છે. ગ્રાહકો બ્રાન્ડેડ કંપનીના દોરા ઓછા ભાવે મળતા તેના તરફ ધસારો વધ્યો છે. જેના કારણે ઓરીજનલ દોરા વેચતા વેપારીઓ રાતા પાણીએ રોઇ રહ્યા છે. મોટાભાગના વેપારીઓ પાસે લાખો રૂપિયાનો માલ પડ્યો રહ્યો છે. જથ્થાબંધ વેપારીઓ તો વ્યાજે નાણા લઈ લાખો રૂપિયાનો માલ લીધેલો છે તેઓ પર મોટી આફત સર્જાઈ છે.
ડુપ્લીકેટ દોરાનું ધુમ વેચાણ
ભાવનગર શહેર ઉપરાંત ખાસ કરીને બોટાદ, સિહોર, ગારીયાધાર, ઉમરાળા સહિતના તાલુકામાં પણ ડુપ્લીકેટ દોરાનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓ દ્વારા જે તે કંપનીઓને પણ જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ડુપ્લીકેટ દોરા વેચનારાઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી.આ રીતે મકરસંક્રાંતિની ઉજવણીને હવે ગણતરિના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાવનગરના અનેક વિસ્તારોમાં નકલી દોરાઓનું વેચાણ વધી ગયુ છે અને બેરોકટોક છેતરપિંડી આચરી રહ્યા છે.
ડુપ્લિકેટ અને ચાઈનીઝ દોરાનો આક્રોશ
આ વર્ષે બજારમાં ચાઈનીઝ અને ડુપ્લીકેટ દોરાનું પ્રમાણ વધતાં દસ પંદર દિવસ પૂર્વે અમદાવાદ ખાતે પતંગ દોરાના જથ્થાબંધ વેપારીઓની બેઠક મળી હતી જેમાં ભાવનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, નડિયાદ, આણંદ, રાજકોટ સહિતના શહેરોમાંથી પણ વેપારીઓ હાજર રહ્યા હતા અને ડુપ્લીકેટ તેમજ ચાઈનીઝ દોરીના વેચાણનો રોષ ઠાલાલવ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર ખાતે ગૃહ મંત્રીને પણ રજૂઆત માટે મળ્યા હતા.
સસ્તા ડુપ્લિકેટ દોરાને કારણે લાખોનો ઓરીજનલ દોરાનો માલ પડ્યો રહ્યો
આ વર્ષે ભાવનગર ઉપરાંત રાજ્યભરમાં ડુપ્લીકેટ અને ચાઈનીઝ દોરાનું વેચાણ વધ્યું છે. ડુપ્લીકેટ વેચાતા દોરા ઓરીજનલના અડધાથી પણ ઓછા ભાવે વેચાવવાને કારણે લોકો અજાણતામાં ડુપ્લીકેટ ખરીદી રહ્યા છે. જેથી ઓરીજનલ દોરા વેચતા વેપારીઓનો માલ પડ્યો રહ્યો છે. વેપારીઓનો લાખો રૂપિયાના ખરીદેલા 50 થી 60 ટકા માલ પડ્યો રહ્યો છે. > અમરભાઈ તુલસાણી, દોરાના જથ્થાબંધ વેપારી
ઓરીજનલ અને ડુપ્લીકેટ રીલના ભાવમાં મોટો તફાવત | |||
કંપની | વાર | અસલીનો ભાવ | નકલીનો ભાવ |
બાજીગર | 5000 | 470 | 380 |
બાજીગર | 2500 | 260 | 150 |
બાજીગર | 1000 | 150 | 70 |
એકે 56 | 2500 | 350 | 200 |
મહાસાકળ | 1000 | 280 | 150 |
ચેલેન્જ | 2500 | 250 | 150 |
અગ્નિ | 5000 | 480 | 300 |
પાંડા | 1000 | 110 | 50 |
ગેંડા | 2500 | 360 | 200 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.