જૂની અદાવતમાં હત્યા:ભાવનગરના નોંધણવદર ગામમાં એક શખ્સે વૃદ્ધાની હત્યા નિપજાવી, આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોને ઈન્કાર

ભાવનગર14 દિવસ પહેલા
  • પાલિતાણા રૂરલ પોલીસે શખસ વિરૂદ્ધ હત્યાનો ગુન્હો નોંધ્યો

પાલિતાણાના નોંધણવદર ગામે ચારેક વર્ષ પૂર્વેની પોલીસ ફરિયાદની દાઝ રાખી શખસે ગામમાં જ રહેતાં વૃદ્ધાને ઢીકાપાટુનો માર મારીને મોતને ઘાટ ઉતારી હત્યા નિપજાવી દેતાં નાના એવા ગામમાં ભારે ચકચાર મચી છે. જે સંદર્ભે આજરોજ સર ટી હોસ્પિટલ ખાતે સમાજના અગ્રણી એકઠા થઈ જ્યાં સુધી આરોપી પકડવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકાર ઇન્કાર કર્યો હતો.

પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાયો
બનાવ અંગે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન તાબેના નોંધણવદર ગામે રહેતાં કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલે તેની વિરૂદ્ધ ચારેક વર્ષ અગાઉ નોંધાયેલી ફરિયાદની દાઝ રાખી આ જ ગામે રહેતાં 70 વર્ષીય વૃદ્ધાને ઢીકાપાટુંનો અસહ્ય માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઈજા પામેલાં વૃદ્ધાનું સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં
બનાવની જાણ થતાં જ પાલિતાણા રૂરલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે પાલિતાણાની હોસ્પિટલ ખસેડ્યો હતી અને મૃતક વૃદ્ધાના પુત્રની ફરિયાદના આધારે ઉક્ત શખસ વિરૂદ્ધ હત્યાનો ગુન્હો નોંધ્યો હતો. પેનલ પીએમ માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, હોસ્પિટલ ખાતે સમાજના આગેવાનો એકઠા થઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જ્યાં સુધી આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

ત્રણ અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરાઈ
આ અંગે ભાવનગર એસપી ડો.રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાના બનાવમાં હત્યાનો ગુન્હો નોંધી ત્રણ અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડવા ટીમો રવાના કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...