ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામની સીમમાં આવેલ એક રહેણાંકી મકાનમાં આજથી દોઢ મહિના પહેલાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે રીઢા તસ્કરને નારી ચોકડી પાસેથી મુદ્દામાલ સાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
સમગ્ર બનાવ અંગે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર આજથી દોઢેક માસ પહેલાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં હણોલ ગામની સીમમાં રહેતાં એક ખેડૂતે ઘરફોડ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોય જે અન્વયે એલસીબીની ટીમ શહેરના નારી ચોકડી પાસે પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન એક શખ્સ શંકાસ્પદ સ્થિતિમાં જણાતાં તેને અટકમાં લઈ તેનું નામ- સરનામું સાથે તેના કબ્જામાં રહેલા મુદ્દામાલની તરતપાસ હાથ ધરી હતી.
અટક કરાયેલ શખ્સે પોતાનું નામ પિન્ટુ રામદાસ ભીલ ઉ.વ.38 રે.મૂળ વતન ધોળી કોતરડી ગામ તા.નસવાડી જિ.છોટાઉદેપુર હાલ પલસાણ ગામ તા.હળવદ જિ.મોરબી જેમાં પલસાણ ગામે રહેતા જનક રણછોડ વિઠ્ઠલપરા ની વાડીએ પત્ની રમીલા સાથે રહી ખેત મજૂરી કરતો હોવાનું જણાવેલ હતું. આ શખ્સના કબ્જા માથી રોકડા રૂપિયા 2,05,000 તથા એલઈડી ટીવી સેટઅપ બોક્સ મોબાઈલ અને કપડાં ભરેલ થેલો મળી કુલ રૂ.2,11,050 નો મુદ્દામાલ મળી આવતા આ અંગે પુછપરછ કરતાં શખ્સ સંતોષકારક જવાબ ન આપી શક્યો ન હતો. તેને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ હાથ ધરતાં તેણે જણાવ્યું હતું કે આજથી દોઢ માસ પહેલાં હણોલ ગામની સીમમાં આવેલ રહેણાંકી બંધ મકાનમાં તેની પત્ની રમીલાએ સાથે મળી આ મુદ્દામાલની ચોરી કરી હતી આ આરોપીનો રાજ્યમાં ક્રાઈમ રેકોર્ડ તપાસતાં આ આરોપી વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 379,114 મુજબ અગાઉ પણ ગુનો નોંધાયો હોવાનું ખુલ્યું હતું આથી એલસીબી એ આરોપીને પાલીતાણા રૂરલ પોલીસને હવાલે કરી તેની પત્ની ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.