કોલ ફેક્ટરી વિકરાળ આગની ચપેટમાં:તગડી પાસે કોલસાની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી, ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • સૂકા લાકડાની સાથે કોલસો અને વેસ્ટ હોવાથી આગ વધુ વિકરાળ બની હતી
  • ભાવનગર ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલી એક કોલ ફેક્ટરીમાં એકાએક આગ ફાટી નીકળતાં ભાવનગરથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો. જેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

ગઈકાલે મંગળવારે મોડી સાંજે ભાવનગર શહેર સ્થિત ફાયરબ્રિગેડ કચેરીએ કોલ આવ્યો હતો કે ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલી ભાવેશ ધનજી રાઠોડની માલિકીની કોલ ફેક્ટરીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે. આથી ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી.

આ ફેક્ટરીમાં સૂકાં લાકડાની સાથે કોલસાનો મોટો જથ્થો મોજૂદ હોવાથી એ ઉપરાંત વેસ્ટ પ્લાસ્ટિક પણ હોવાથી ગણતરીના સમયમાં આગ વધુ ને વધુ વિકરાળ બની હતી. જેથી ફાયરબ્રિગેડના અધિકારીઓએ વધુ લાઈબંબા સાથે અગ્નિશામક દળના વધુ જવાનોને સ્થળ પર બોલાવી આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે બે કિલોમીટર દૂરથી આગના ચમકારા સાથે ધૂમાડો નજરે પડતો હતો. જેને પગલે સ્થળ પર આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં એકઠાં થયાં હતાં. આ બનાવની જાણ વરતેજ પોલીસ તથા પીજીવીસીએલને થતાં એ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. અંતે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...