મતદાન જાગૃતિ:ભાવનગર શહેરમાં વિશાળ બાઈક રેલી યોજાઈ, 700થી વધુ લોકો જોડાયા

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભાવનગર શહેરમાં મતદાન જાગૃતિ હેઠળ આજરોજ વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખ દ્વારા લીલીઝંડી ફરકાવીને આ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

શહેરના જુદા જુદા માર્ગો પર ફરી
આ બાઇક રેલી ભાવનગર શહેરના જશોનાથ સર્કલથી શરૂ કરી ભીડભંજન મહાદેવ, કાળાનાળા સર્કલ, સંત કવરામ ચોક, વાઘાવાડી રોડ, કાળિયાબીડ પાણીની ટાંકી, જવેલ્સ સર્કલ, નિલમબાગ ચોક, ભાવનગર બસ સ્ટેશન, પાનવાડી ચોક થઈ જશોનાથ સર્કલ ખાતે પરત ફરી હતી.

10 કિલોમીટર લાંબી બાઇક રેલીનું આયોજન
આ તકે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખે જણાવ્યું હતું કે, 1 લી ડિસેમ્બરનાં રોજ ભાવનગર ખાતે મતદાન થનાર છે. ત્યારે વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન કરવા અંગે જાગૃતિ આવે એ હેતુથી 10 કિલોમીટર લાંબી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાનનાં આ મહાયજ્ઞમાં સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. જોડાઈને વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રયત્ન કરે એવી અપીલ કરી છે.

રેલીમાં મતદાન જાગૃતિના સૂત્રો
આ રેલીમાં મતદાન જાગૃતિના સૂત્રો “મારો મત મારી જવાબદારી”, “પહેલી તારીખે પહેલું કામ મારુ અને તમારું મતદાન” પ્લેકાર્ડ બનાવી 700થી વધુ બાઇક રેલીમાં જોડાયા હતા. આ તકે મ્યુનિસિપલ કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, સ્વીપ નોડલ એસ. કે. વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...