ચૂંટણી ચક્કર:કેબિનેટ મંત્રી અને પૂર્વ રાજ્ય મંત્રી બંને કરોડપતિ, પૂર્વના ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર પાસે પોતાનું મકાન પણ નથી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શીવાભાઈ ગોહિલ અને કેશુભાઈ નાકરાણી પાસે પણ સવા થી દોઢ કરોડની મિલકત
  • પરસોતમ સોલંકી પાસે જંગમ અને સ્થાવર મળી કુલ રૂ.41.78 કરોડની સંપત્તિ, તેમના પત્ની પણ કરોડપતિ

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ગઈકાલે તમામ રાજકીય પક્ષ અને અપક્ષ દ્વારા નામાંકન પત્રો ભર્યા હતા જેમાં તેઓ દ્વારા પોતાની અત થી ઇતિ સુધીની વિગતો દર્શાવી હતી. ખાસ કરીને તમામ ઉમેદવારોમાં પૂર્વ મંત્રી પરસોતમભાઈ સોલંકી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી આર્થિક રીતે ઘણા સધ્ધર છે. તેમજ પરસોતમભાઈ સોલંકી તો કરોડપતિ છે જ સાથોસાથ તેમના પત્ની પણ કરોડપતિ છે. જ્યારે ભાવનગર પૂર્વના ભાજપના અને કોંગ્રેસના બન્ને ઉમેદવાર પાસે તો પોતાના નામનું ઘર પણ નથી.

વિધાનસભાની ચૂંટણી માટે ભરેલા નામાંકન પત્રમાં દર્શાવેલી એફીડેવિડ મુજબ ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવારો અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પાસે સ્થાવર અને જંગમ મિલકત મળી કુલ રૂ.11.10 કરોડ છે. ભાવનગર જિલ્લાની ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરેલા પૂર્વ મંત્રી અને કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમભાઈ સોલંકીએ ઇન્કમટેક્સમાં રિટર્ન ફાઈલ કરેલ આવક મુજબ છેલ્લા પાંચ વર્ષમાં અઢી ગણી આવક વધી છે. વર્ષ 2017-18 માં રૂ.22,01,049 હતા જે વર્ષ 2021 22 માં રૂ.58,80,006 થવા પામી છે.

પરસોતમભાઈ પર ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર પ્રતિબંધિત ધારાની કલમ મુજબ તેમજ મુંબઈમાં છેતરપિંડીનો કેસ દાખલ થયેલો છે. તેઓ પાસે જંગમ મિલકત રૂ.6,94,40,256 અને સ્થાવર મિલકત રૂ.34,84,19,420 છે સાથો સાથ તેમના પત્ની ફાલ્ગુનીબેનની પણ દર્શાવેલી મિલકતો કરોડો રૂપિયાની છે. ફાલ્ગુનીબેનની જંગલ મિલકત રૂ.2,67,56,316 જ્યારે સ્થાવર મિલકત રૂ. 8,93,04,505 ની છે.

ગારીયાધાર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીની સ્થાવર મિલકત રૂ.53,69,600 અને જંગમ મિલકત રૂ.77,32,585 છે. અને કોંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડાની જંગમ મિલકત રૂ.55,61,951 તેમજ સ્થાવર મિલકત રૂ.33,09,820 જ્યારે આપના ઉમેદવાર સુધીર વાઘાણીની જંગમ મિલકત રૂ.3,41,292 અને સ્થાવર મિલકત રૂ.12,00,000 છે.

મહુવામાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ કળસરિયાની જંગલ મિલકત રૂ.3,34,734 અને સ્થાવર મિલકત રૂ.6,10,000 છે. જ્યારે ભાજપના ઉમેદવાર શીવાભાઈ ગોહિલ પાસે જંગમ મિલકત રૂ.95,92,798 અને સ્થાવર મિલકત રૂ.67,00,000 દર્શાવેલી છે. પરંતુ ભાવનગર પૂર્વ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સેજલબેન રાજીવભાઈ પંડ્યા અને કોંગ્રેસના ઉમેદવાર બળદેવભાઈ સોલંકી બંને પાસે પોતાના નામનું મકાન પણ નથી.

તળાજા બેઠકમાંથી કોંગ્રેસના કનુભાઈ બારૈયા પાસે રૂ.20,35,410 જંગમ અને 85 લાખની સ્થાવર મિલકત છે. જ્યારે ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણ પાસે રૂ.19,46,222ની જંગમ તેમજ રૂ.13,90,000ની સ્થાવર મિલકત દર્શાવી છે.

પૂર્વમાં ભાજપના ઉમેદવાર કોચિંગ તો કોંગ્રેસના પ્રાઇવેટ નોકરી
ભાવનગર પૂર્વ વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો નામાંકન પત્રના એફિડેવિટમાં દર્શાવ્યા મુજબ આર્થિક રીતે સાધારણ છે. ભાજપના ઉમેદવાર સેજલબેન પંડ્યા અને તેમના પતિ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા બંનેના નામની કોઈ કૃષિ, બિન કૃષિ, વાણિજ્ય કે રહેણાંક કોઈપણ જાતની મિલકત નથી કે આર્થિક જવાબદારી પણ નથી વાહનમાં પણ માત્ર ટુ વ્હીલર છે. ભાજપના ઉમેદવાર કોચિંગ કરે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પાસે પણ તેમના નામની કોઈ મિલકત નથી. તેઓ પ્રાઇવેટ નોકરી કરે છે. તેઓ પાસે પણ ટુ વ્હીલર જ છે.

કોંગ્રેસના કે.કે.ગોહિલ પર ધાકધમકીની ફરિયાદ
ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરેલ કે.કે.ગોહિલ પણ કરોડપતિ છે. તેઓ પાસે જંગમ અને સ્થાવર મળી કુલ રૂ.9,81,64,133 ની મિલકત છે. તેઓ પર વરતેજ પોલીસ સ્ટેશન અને સી ડિવિઝન પોલીસમાં જમીન ખાલી કરાવવા માટે જાનથી મારી નાખવાની ધમકી સહિતની આઈ.પી.સી.506(2), 114, 383 મુજબની ફરિયાદો થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...