અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડની ક્ષમતા બમણી કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે, અને આ શ્રેણીમાં યુરોપીયન યુનિયનની માન્યતા અલંગને મળી શકે તેના માટેની ખુટતી તમામ કડીઓ એકત્ર કરવામાં આવી રહી છે. અલંંગમાં જોખમી કચરાના સંચાલન માટેની નવી ટ્રીટમેન્ટ સ્ટોરેજ એન્ડ ડીસ્પોઝલ ફેસિલિટી (ટીએસડીએફ) બનાવવામાં આવી રહી છે, જે આગામી 40 વર્ષ સુધી અવિરતપણે અત્યાધુનિક ઉપકરણોથી ચાલી શકે તેમ છે.
કામદાર તાલીમ સંકુલ અને લેબર હાઉસિંગ કોલોનીની નજીક 27 હેક્ટર જમીન પર નવી ટીએસડીએફ સાઇટ બનાવવામાં આવી રહી છે. અને તેના માટેની જમીન અધિગ્રહણની કામગીરી અંતિમ તબક્કામાં છે. ચાલુ વર્ષે જ આ સાઇટ બનાવવાની કામગીરી શરૂ કરાવવા માટે વડાપ્રધાન કાર્યાલય દ્વારા નિયુક્ત હાઇ પાવર કમિટિ સતત કાર્યરત છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હયાત ટીએસડીએફ સાઇટ અને ઇન્સિનેટરનું પણ અપગ્રેડેશન કરાવવામાં આવી રહ્યું છે અને આગામી 4 વર્ષ સુધી આ સાઇટ પૂર્ણ ક્ષમતાથી કાર્ય કરી શકે તેમ છે. નવી ટીએસડીએફ સાઇટ માટેના તમામ ઉપકરણો આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબના આધૂનિક ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
યુરોપીયન યુનિયનની માન્યતા મેળવવા માટે મુખ્ય બે બાબતો બાધારૂપ થઇ રહી હતી, તેમાંથી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની કામગીરી પણ શરૂ છે, અને ટીએસડીએફની અત્યાધૂનિક લેન્ડફિલ સાઇટ, ઇન્સિનેટર સહિતની સુવિધાઓ 27 હેક્ટર જમીન પર બનાવવામાં આવી રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા હવે કેન્દ્ર સરકાર EUની માન્યતા પ્રાપ્ત કરાવવા માટે જડપી પગલા ભરી રહી છે.
બમણી ક્ષમતાથી 40 વર્ષ ચાલે તેવી વિશાળ સાઇટ
વડાપ્રધાનું સ્વપ્ન સમાન અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડની ક્ષમતા બમણી કરવાનું છે, અને અલંગને યુરોપીયન યુનિયનની માન્યતા અપાવવાની દિશામાં જડપી, શ્રેણીબધ્ધ પગલા લેવાઇ રહ્યા છે. જરૂરી પર્યાવરણીય મંજૂરીઓ લીધા બાદ અલંગમાં ટીએસડીએફ સાઇટ બનાવવામાં આવશે, જે બમણી ક્ષમતાથી 40 વર્ષ સુધી આરામથી ચાલે તેટલી વિશાળ છે. આધૂનિક ઉપકરણોથી આ સાઇટને સંપન્ન બનાવાશે. > અતુલ શર્મા, વરિષ્ઠ અધિકારી, પર્યાવરણ સેલ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર.
નવી સાઇટથી અલંગના ઉદ્યોગને શું ફાયદો?
અલંગમાં જોખમી કચરાના સંચાલન માટેની નવી સાઇટ બનાવવામાં આવી રહી છે. આ નવી સાઇટ પ્રમાણે આધૂનિક ઉપકરણોથી બમણી ક્ષમતા સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. યુરોપીયન યુનિયને અગાઉ અલંગમાં કરેલા ઓડિટમાં ટીએસડીએફ સાઇટ અંગે ટકોર કરી હતી, હવે વિશાળ સાઇટ બનાવવામાં આવી રહી છે. તેનાથી અલંગને યુરોપીયન યુનિયનની માન્યતા મળશે, અને જહાજનો જથ્થો અવિરત ચાલુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.