કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.આ બાબતે આજે સવારે પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ રૂબરૂ અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ટેલીફોનિક જાણકારી મેળવી વહીવટી તંત્રનું માર્ગદર્શન કર્યું છે. કોરોના સામે સંરક્ષણ ઉપાયરૂપે જિલ્લામાં 96.5 ટકા પહેલો ડોઝ તેમજ 104.4 % બીજો કોરોનાનો ડોઝ નાગરિકોને આપી દેવામાં આવ્યો છે.
જેને લઇને લોકોમાં કોરોના સામે એન્ટીબોડી ડેવલોપ થઈ છે.છતાં, કોરોનાને ગંભીરતાથી લેવાની જરૂર છે અને બિનજરૂરી રીતે લોકો બહારના નીકળે, ભીડ ભેગી ન થાય તે જરૂરી છે.જિલ્લામાં 32 ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. આ રથ જે-તે સ્થળ પર જઈને સ્થળ પર જ નિદાન- સારવાર આપશે.
કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિગ, ફરજિયાત માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો વ્યક્તિગત હિતમાં તેમજ સમાજ હિતમાં જરૂરી છે. આ માટે વખતોવખત રાજ્ય સરકાર તેમજ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે તેનું પાલન કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતુ કે જિલ્લાના યુવાન બાળકોને પણ કોરોના સામે સુરક્ષિત કરી શકાય તે માટે જિલ્લાના 15થી 18 વર્ષની ઉંમરના કિશોર- કિશોરીઓને કોરોનાની રસીથી સંરક્ષિત કરવામાં આવ્યાં છે. હજુ પણ રસીકરણની કામગીરી ચાલું છે જેથી તમામ બાળકોને આવરી લઇ શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.