મતદારોના અંતિમ આંકડા:1000 પુરૂષ મતદારે 939 મહિલા મતદાર પણ વિધાનસભામાં માત્ર 1 બેઠકમાં પ્રતિનિધિત્વ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષમાં મહિલા મતદારોની સંખ્યા વધી પણ પ્રતિનિધિત્વ ઘટ્યું
  • 2012માં ભાવનગર જિલ્લામાં ત્રણ મહિલા વિધાનસભામાં ગયેલા, 2017માં માત્ર એક મહિલાને જીતીને વિધાનસભામાં જવાની તક મળી

રાજ્યમાં મતદારોના અંતિમ આંકડા પ્રકાશિત કરવામાં આવ્યાં છે જેમાં એક નોંધપાત્ર પરિવર્તન એ છે કે છેલ્લાં 5 વર્ષમાં જે આંકડા જાહેર થયા તે મુજબ જિલ્લામાં જે સાત વિધાનસભા બેઠકો આવેલી છે તેમાં પુરૂષોની તુલનામાં મહિલા મતદારોની સંખ્યા વધુ વધી છે. જે નોંધપાત્ર પરિવર્તન છે. 2017ની મતદાર યાદીની તુલનામાં આ 2022ની જે યાદી જાહેર થઇ તેમાં 5 વર્ષમાં પુરુષ મતદારોમાં 94,850નો વધારોનોંધાયો જ્યારે મહિલા મતદારોમાં 1,09,077નો વધારો થયો છે. તો મહિલા મતદારોની પ્રતિ 1000 પુરૂષે સરેરાશ 2017માં 916 હતી તે વધીને હવે 939 થઇ ગઇ છે.

પણ તેની સામે એક વાસ્તવિકતા એ છે કે મહિલા મતદારોની જાગૃતિ વધે અને સંખ્યા પણ 5 વર્ષમાં વધી પણ ભાવનગર જિલ્લાની જે 7 વિધાનસભા બેઠકો છે તેમાં માત્ર એક મહિલાને વિધાનસભામાં પ્રતિનીધિત્વની તક ગત 2017ની ચૂંટણીમાં મળી હતી. તો 2012ની ચુંટણીમાં ભાવનગર જિલ્લામાંથી ત્રણ મહિલા ઉમેદવારો જીતીને વિધાનસભામાં ગયા હતા. તેમાં 2017માં ઘટાડો થયો હતો.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાંથી એક માત્ર મહિલા ઉમેદવાર તરીકે ભાવનગર પૂર્વ વિધાનસભા મતક્ષેત્ર જ્યાં બે મહિલા ઉમેદવારો વચ્ચે સીધો જંગ હતો તેમાં ભાજપના વિભાવરીબહેન દવેનો વિજય થતા સમગ્ર ભાવનગર જિલ્લામાંથી એક માત્ર મહિલા ઉમેદવાર તરીકે વિધાનસભામાં ગયા હતા. આ પૂર્વે ઇ.સ.2012ના વર્ષમાં ચૂંટણી યોજાયેલી તેમાં ભાવનગર જિલ્લામાં ભાવનગર પૂર્વ વિધાનસભામાં વિભાવરીબેન દવે (ભાજપ), તળાજા વિધાનસભામાંથી ડો.ભારતીબેન શિયાળ (ભાજપ) અને મહુવા વિધાનસભા મતક્ષેત્રમાંથી ભાવનાબેન મકવાણા (ભાજપ) વિજયી થયા હતા.

ભાવનગર જિલ્લાની 7 બેઠકો માટે પુરુષ મતદારોની કુલ સંખ્યા 9,44,526 છે જે અગાઉ 2017માં 8,49,676 હતી એટલે કે પુરુષ મતદારોમાં આ 7 બેઠકોમાં 94,850નો વધારો નોંધાયો છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 2017માં કુલ 7,78,249 હતી તે વધીને હવે 8,87,326 થઇ ગઇ છે. એટલે કે તેમાં 1,09,077નો વધારો થયો છે. એટલે કે ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકોમાં પુરૂષ મતદારોની તુલનામાં મહિલા મતદારો 14,227 વધ્યા છે. હવે આ વખતે કેટલી મહિલા ઉમેદવારોને મુખ્ય રાજકીય પક્ષો ટિકિટ આપે છે અને તેમાં કેટલા જીતીને વિધાનસભામાં જાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...