ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વિદેશી દારૂ, બિયર, ગાંજો, પોષ ડોડા જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા બૂટલેગરો બેફામ વધ્યા છે જ્યારે તેમાંથી ભાવનગર જિલ્લો બાકાત રહી શક્યો નથી. ભાવનગર જિલ્લામાં વિદેશી દારૂ તથા બિયરના બૂટલેગરોનો રાફડો ફાટ્યો હોય તેમ છેલ્લા બે વર્ષમાં દારૂ, બિયર, લીલો ગાંજો, સુકો ગાંજો અને પોષ ડોડા જેવા નશીલા પીણાનો મસમોટો જથ્થો પકડાયો છે. આમ દિવસેને દિવસે ગુજરાત રાજ્યમાં વિકાસની સાથોસાથ બુટલેગરોનો પણ વિકાસ થવા પામ્યો છે.
નશીલા પદાર્થોનું વેચાણ કરતા બૂટલેગરો બેફામ વધ્યા
ખરેખર વિકાસની વ્યાખ્યા એ છે કે લોકોના ખિસ્સા એટલે કે ગજવામાં પૈસા વધે અને વિકાસ થાય પણ ભાવનગરમાં તો ગાંજાનો વિકાસ થયો છે.વિધાનસભામાં ચર્ચા દરમિયાન સરકાર તરફથી જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો ભાવનગર શહેર જિલ્લાની વાત કરીએ તો તેમાં 2021 ની સરખામણીએ 2022માં ગાંજાના વાવેતરમાં 89.27 ટકાનો માતબર વધારો નોંધાયો છે તેમ વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નોનો સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન 3.02 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડાયો છે.
ગાંજાના વાવેતરમાં 2022માં ખુબજ વધારો
જ્યારે દેશી દારૂ તથા બિયરની વાત કરીએ તો ક્રમશ: 14.81 લાખ અને 15.28 લાખનો કબજે કરાયો છે. જ્યારે 2021 ની સરખામણીએ 2022 માં ગાંજાના વાવેતરમાં 1813 કિ.ગ્રામનો માત્ર એક જ વર્ષમાં વધારો નોંધાયો છે. જ્યારે 2021 માં પોષડોડા પાઉડરનો 1.17 લાખનો જથ્થો પકડાયો હતો. ભાવનગર જિલ્લામાં 2021માં 2 લાખની કિંમતનો જથ્થો ઝડપાયો હતો જે 2022 માં 89.27 ટકા જેટલા માતબર વધારા સાથે માત્ર એક જ વર્ષમાં 94.27 લાખ જેટલો માતબર જથ્થો મળી આવ્યો હતો. આમ ગાંજાના વાવેતરમાં 2022માં ખુબજ વધારો નોંધવા પામ્યો છે.
જ્યારે છેલ્લા બે વર્ષમાં નશાકારક પદાર્થના જથ્થા સાથે 10,740 જેટલા શખ્સોને ઝડપી લેવાયા છે જ્યારે 6 જેટલા શખ્સો હજુ બે વર્ષથી ફરાર છે જે પોલીસની પકડની બહાર ફરી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં દિવસેને દિવસે દારૂના બૂટલેગરોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ બેફામ બનીને નશાકારક પદાર્થો વિદેશી તથા દેશી દારૂ, બિયર તથા ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ કરતા અચકાતા નથી. જેને અટકાવવા માટે પોલીસ દ્વારા પ્રયત્ન પણ કરાય છે. જો કે, આજના યુવાધનને નશાકારક પદાર્થથી દુર રાખવા તથા તેને આ ગુનામાં સંડોવાતા રોકવા માટે વિધાનસભામાં જવાબો માંગવામાં આવ્યા હતા.
2021-22માં પકડાયેલ નશાકારક જથ્થો | |
વિદેશી દારૂ | 90,830 નંગ બોટલ |
બિયર | 14,998 નંગ ટીન |
દેશી દારૂ | 67,024 લીટર |
ગાંજો | 1854.998 કિ.ગ્રા. |
પોષડોડા | 85.40 કિ.ગ્રા |
આગામી દિવસોમાં કડક કાર્યવાહી શરૂ કરાશે
આજનું યુવાધનમાં નશીલા પદાર્થનું સેવન વધી રહ્યું છે ત્યારે સમાજની સુરક્ષા માટે જુદી જુદી કાર્યવાહી હેઠળ નશીલા પદાર્થના વાવેતર તથા સેવન કરનારા યુવાધનને સેવનથી રોકવા તથા ગુનામાં સંડોવાયેલા શખ્સો ઉપર કડક કાર્યવાહી કરી આવા ગુના કરવાથી દુર રહે તે માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે છે અને હજુ પણ આગામી દિવસોમાં આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને છાવરવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી શરૂ રાખી સમાજને આ દુષણથી દુર રાખવાના પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવશે. - એસ.બી. ભ રવાડ, પી.આઈ.એસ.ઓ.જી., ભાવનગર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.