વિશ્વશાંતિ માટે પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં 10 વર્ષની બાલિકા સહિત 9 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રમઝાન મહિના દરમિયાન રોઝા રાખી અલ્લાહની બંદગી કરી હતી. મુસ્લિમ સમાજ માટે પવિત્ર રમઝાન માસનું ખૂબ જ મહત્વ હોય છે. આ મહિનાને મુસ્લિમ ધર્મમાં પાક અને પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જો આ મહિના દરમિયાન સાચી શ્રધ્ધાથી બંદગી કરવામાં આવે તો રોજા રાખનારની ઇચ્છાને પયંગબર પૂરી કરે છે.
પાલિતાણાની શાળાના શિક્ષક નાથા ચાવડાની પ્રેરણાં અને પ્રયત્નોને કારણે નાના બાળકોમાં પણ રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું આવું સિંચન થઇ રહ્યું છે. એક પ્રયોગશીલ શિક્ષક હોવાં સાથે બાળકોમાં સર્જનાત્મકતા કેળવાય તે સાથે બાળકોમાં સારા નાગરિક અને એક રાષ્ટ્રભક્ત બનવાના સંસ્કારોનું સિંચન થઇ રહ્યું છે. જેના કારણે શાળાના નાના બાળકોમાં પણ વિશ્વ કલ્યાણની ભાવના જાગૃત થઇ રહી છે.
અત્યારે વિશ્વમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. દૂનિયાના કોઇને કોઇ ખૂણે અશાંતિ ફેલાયેલી છે, ત્યારે વિશ્વમાં શાંતિ ફેલાય અને અમનનો સંદેશો ફેલાય તેવાં શુભ આશયથી પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના 10 વર્ષની બાલિકા સહિતના 9 વિદ્યાર્થીઓએ રોજા રાખી બંદગી કરી હતી.
આ રોજા રાખવાં માટેની પ્રેરણા શાળાના પ્રયોગશીલ શિક્ષક નાથાભાઇ ચાવડાએ પૂરી પાડી હતી. આ બાળ રોજેદારોનું સન્માન કરવાં માટે તમામ બાળકોને તેમના માનવજાતના કલ્યાણ માટેના કાર્યને સન્માનવાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. કે જેથી અન્ય બાળકોને પણ તેમાંથી પ્રેરણા મળે.
ઉલ્લેખનીય છે કે, રોજા રાખવાં મોટા અને સમજદાર વ્યક્તિઓ માટે પણ મુશ્કેલ હોય છે. કારણ કે, તેમાં સવારથી માંડીને સાંજ સુધી ખાવાનું તો ઠીક પણ પાણી પણ પીવાનું હોતું નથી. અત્યારે જે ગરમી પડી રહી છે તે વખતે એક કલાક પણ આપણે પાણી ન પીએ તો શું હાલત થાય છે તે આપણને સમજાય તેમ છે. તેવાં સમયે ભૂલકાં એવાં બાળકો દ્વારા વિશ્વ સમસ્તના કલ્યાણની ભાવના સાથે રોજા રાખવાનું કાર્ય મુશ્કેલ તો નથી, પરંતુ સરળ પણ નથી.
આ બાળકોના આવાં કાર્યને તુષાર ટ્રેડિંગ દ્વારા ભોજન કરાવીને અને સમસ્ત મહાજન, મુંબઇ દ્વારા બાળકોને સ્ટેશનરી અને શાળાના શિક્ષક દ્વારા બાળકોને મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં. બાળકોને સન્માનવાના આ કાર્યક્રમમાં શાળાના અન્ય બાળકોને ધર્મગુરુ કૌસરબાપુ તેમજ આબીદબાપુ તેમજ મૌલાના દ્વારા રોજાનું મહત્વ અને બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં એક સકારાત્મકતાનો સંદેશ જાય અને બાળકો પોતાના રાષ્ટ્ર નિર્માણમાં જોડાઇને રાષ્ટ્રની એકતા બની રહે તેવાં સંસ્કાર નાનપણથી જ કેળવાય તેવાં આશયથી આ બાળકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. આપણે ઇચ્છીએ કે, અહિંસાની ભૂમિ એવી પાલિતાણાની ધરતી પરથી ઉઠેલી વિશ્વ સમસ્તની કલ્યાણની ભાવનાની રોશની સમગ્ર વિશ્વને અજવાળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.