પ્રત્યક્ષ શિક્ષણ:ધોરણ 6થી 8માં જિલ્લામાં 80% શહેરમાં 51% હાજરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરની તુલનામાં ગ્રામ્ય કક્ષાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની વધુ હાજરી નોંધાતી થઇ
  • 13 દિવસમાં હાજરીમાં નોંધપાત્ર વધારો થયો

ભાવનગર શહેર અને જિલ્લામાં ગત તા.2 સપ્ટેમ્બરથી ધો.6થી ધો.8ની પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો દોઢેક વર્ષના લાંબા સમયગાળા બાદ આરંભ થયો તેના પ્રથમ દિવસે તો 35 ટકા જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા બાદ હવે 15મી સપ્ટેમ્બર આવતા સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને ગ્રામ્ય કક્ષાએ તો સરકારી પ્રાથમિક શાળાઓમાં હાજરી 80 ટકા થઇ ગઇ છે જ્યારે શહેરમાં મ્યુ. કોર્પો.ની શાળાઓમાં હાજરી 51 ટકાને આંબી છે. આમ, જિલ્લા શિક્ષણ સમિતિની શાળાઓમાં હાજરીમાં સારો એવો વધારો થયો છે. કોરોના પણ શાંત થયો સાથે તહેવારોની સિઝન પણ પૂર્ણ થયા બાદ હાજરી વધી છે.

ભાવનગર શહેરમાં ધો.6થી ધો.8ની શાળાઓમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થીઓ અને બેસાડીને શિક્ષણકાર્ય શરૂ કરાયું છે. શહેરની મોટાભાગની સ્કૂલોમાં 51 ટકાની હાજરી થવા લાગી છે. શાસનાધિકારી યોગેશભાઇ ભટ્ટે જણાવ્યું હતુ કે શહેરમાં 55 મ્યુ. શાળાઓ છે તેમાં કુલ 9075 વિદ્યાર્થીઓ પૈકી 4650 વિદ્યાર્થીઓની હાજરી નિયમિત થઇ ગઇ છે. જે 51 ટકા થાય છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં જિ.પં. શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં હવે 80 ટકા હાજરી થઇ છે. મિતાબહેન દૂધરેજીયાના જણાવ્યા મુજબ હવે શાળાઓમાં 75થી 80 ટકા હાજરી અમે જ્યારે ચેકિંગ કરીએ ત્યારે જોવા મળે છે.

બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ દોઢેક વર્ષ ઘરે રહ્યા બાદ હવે શાળા તરફ આકર્ષયા છે. મિત્રો સાથે વર્ગમાં પ્રત્યક્ષ શિક્ષણનો આનંદ માણતા થયા છે. આથી જ રોજબરોજ હાજરી વધતી જાય છે. ઘણા વાલીઓએ આરંભે થોભો અને રાહ જુઓની નીતિ અપવાની હતી પણ હવે સબ સલામત લાગતા વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા થઇ ગયા છે. હજી પણ શાળાઓમાં કોરોનાની ગાઇડલાઇનનુ઼ ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે. વર્ગ ખંડ સુધી વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

જ્યાં પ્રવેશ કરે એટલે થર્મલ ગનથી ચેકિંગ કર્યા બાદ સેનેટાઇઝ કરીને વર્ગમાં પ્રવેશ અપાય છે.વાલીઓને અગાઉથી જ પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવવામાં આવ્યુ તેનું પાલન પણ થાય છે. જેથી એકબીજાના પાણીનો ઉપયોગ તેઓ ના કરે. રિસેસ દરમિયાન પણ ભેગા ના થવું અને સ્કૂલ છૂટે ત્યારે પણ ભેગા ના થાય એની તકેદારી રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...