સમસ્યા:વળીયાની ચાલી 11માંથી 8 પરિવારોએ હિજરત કરી, રહીશોએ ચાલીમાં સીસીટીવી મુકાવ્યા બાદ થોડી શાંતિ થઈ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂમાફિયાઓ દ્વારા જગ્યા ખાલી કરવા માટે ધમકી, ખોટા કેસમાં ફીટ કરી દેવાની પેરવી થતી

શહેરની વળીયાની ચાલીની કરોડોની જમીન પર ભૂમાફિયાએ ડોળો માંડ્યો છે અહીં રહેતા રહીશોને ઘર ખાલી વિવિધ પ્રકાની ધમકીઓ મળે છે. રહીશોના જણાવ્યા પ્રમાણે તેમની પડખે એવા લોકોને મકાન ભાડે આપ્યું જે વારંવાર ખોટી ફરિયાદો કરે અને પોલીસ અમને પકડીને હેરાન કરતી હતી અને એટ્રોસિટીના કેસમાં સંડોવી દેવાની ધમકી આપી હતી.

અહીંના રહીશો દ્વારા કલેક્ટરને કરવામાં આવેલી અરજીમાં દિલીપસિંહ ભરતસિંહ રાણા, ભયલુભા ઉર્ફે મહેન્દ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ વાળા, વિક્રમસિંહ પરમાર દ્વારા જગ્યા ખાલી કરવાની ધમકી આપ્યાની અને હેરાનગતિની ફરિયાદ થઈ છે. આવી હેરાનગતિના લીધે ચાલવા‌ળા બધાએ ભેગા થઈને ચાલમાં સીસીટીવી કેમરા મુક્યા બાદ કનડગત ઓછી થઈ હતી. અહીં પહેલા કુલ 11 પરિવારો રહેતા પરંતું આવી હેરાનગતિના લીધે અથવા તો માલિક સાથે સમજુતી કરી હિજરત કરી છે.

આ જગ્યા સાથે લાગણીથી જોડાઈ છે
આ જગ્યા સાથે લાગણીથી જોડાયેલો છું, અહીં રહેતા દરેક પરિવાર ઘરના સભ્યોની જેમ રહીએ છીએ. આ લોકોએ કંઈ બાકી નથી રાખ્યું શું કહેવું તમને ઉપરવાળો બધુ જુએ છે. આ લોકોએ મેં અહીં નાનું એવું ઔષધવન બનાવેલું હતું આ લોકોએ તહેસ-નહેસ કરી નાખ્યું. ઘરમાં બેસી શકાય તેવી પણ સ્થિતિ નહોતી. - શ્રીકાંતભાઈ ભટ્ટ, મનન ભટ્ટના પિતા

મારું ઘર પણ તોડવા આવ્યા હતા
લીગલ મેટર હોવા છતાં ખાલી કરવા માટે દબાણ કરવામાં આવે છે. મારું ઘર પણ તોડવા આવ્યા હતાં પરંતુ મેં તેના પર સ્ટે લાવી દીધો હતો બાકી આ લોકોએ પહેલીવાર તો જેસીબીથી એન્ટ્રી કરી હતી. - રાજેશભાઈ શાહ, રહીશ

નિવૃત્ત નેવી સૈનિકના ટ્વીટ બાદ તપાસના આદેશ
શહેરમાં જેલ રોડ પાસે આવેલી વળિયાની ચાલીમાં કેટલાંક લોકોએ લેન્ડ ગ્રેબિંગ કરી પોતાનું મકાન પાડી નાખ્યું હોવાની તસવીર સાથે મનન ભટ્ટ નામના નિવૃત્ત આર્મીમેને PMOને ટેગ કરીને ટ્વીટ કરતા અને નેવીના ઉચ્ચ અધિકારીઓ મારફત દિલ્લી ખાતે ફરિયાદ કરતા દોડધામ મચી હતી. જોકે આ બનાવ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અન્યોના પડી ગયેલા મકાન સાથે ખોટી રીતે તસવીર ટ્વીટ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને ટ્વીટ કરનારે પણ પોતે કરેલી FIRમાં રૂ. 3,000નું નુંકસાન અજાણ્યા શખ્સોએ કર્યું હોવાનું જણાવેલ છે. જ્યારે અન્ય જે મકાન પડ્યા છે. તે મકાન માલિકના કાયદેસરના કબ્જા ભોગવટાના છે. જે મામલે નિલમબાગ પોલીસમાં ફરિયાદ થઈ છે.

અરજદાર ખોટા છે
અરજદાર ખોટા છે, તેમની બાજુના જે જર્જરિત ખાલી મકાનો હતા તે પાડ્યા છે અને તેમાં તેના ઘરના એક-બે નળિયા તુટ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે. - રવિન્દ્ર પટેલ, એસ.પી. ભાવનગર

અન્ય સમાચારો પણ છે...