તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડકાઈ:બિલ્ડીંગ યુઝ પરમીશન નહીં લીધેલી 8 હોસ્પિટલને 5 દી’ પછી લાગશે સીલ

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુપ્રીમની સુચના બાદ કોર્પોરેશન એક્શનમાં, હોસ્પિટલ બાદ શૈક્ષણિક સંસ્થાનો વારો
 • હોસ્પિટલોમાં સારવારમાં દાખલ દર્દીઓને અન્ય શિફ્ટ કરવા પાંચ દિવસની મહેતલ

ફાયર સેફ્ટી અને બી.યુ.પરમીશન સંદર્ભે કોર્ટ ગંભીર બનતા સરકારે પણ તે તરફ ધ્યાન કેન્દ્રીય કર્યું છે અને વારંવાર બી.યુ.પરમીશન અને ફાયર એન.ઓ.સી.નહીં ધરાવતી મિલકતો સામે નોટીસોની કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે હવે નોટીસોથી પણ આગળ વધી બિલ્ડીંગ યુઝ પરમીશન નહીં ધરાવતી 8 હોસ્પિટલોને પાંચ દિવસમાં સીલ મારવાની ટાઉન ડેવલોપમેન્ટ વિભાગે હોસ્પિટલમાં જ જાહેર નોટીસ ચીપકાવી દીધી છે. પાંચ દિવસમાં હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરવા અને નવા કોઈ દર્દી નહી લેવા નોટીસમાં સુચના આપવામાં આવતા હોસ્પિટલના સંચાલકોમાં ભારે દોડધામ મચી છે.

કોર્ટ અને સરકારની સુચના અાવે એટલે કોર્પોરેશન દોડા દોડ કરી ફાયર સેફ્ટીના NOC અને બિલ્ડીંગ યુઝ પરમીશન ના હોય તેવી મિલકતોને નોટીસ આપી સંતોષ માનતા હતાં પરંતુ હવે સરકાર પણ તેમાં બાંધછોડ કરવા માગતી નથી જેથી કમિશનરની સુચના થી આજથી જ શહેરમાં પ્રથમ તબક્કે જે હોસ્પિટલના બિલ્ડીંગનું બી.યુ.પરમીશન ના લીધું હોય તેવી મિલકતોને સીલ મારવા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગે શસ્ત્રો સજ્જ કરી દીધા છે અને તેની પૂર્વ તૈયારી રૂપે આજે બિલ્ડીંગનું જ કમ્પ્લીશન લીધુ ના હોય તેવા 8 હોસ્પિટલને જાહેર નોટીસ ચિપકાવી પાંચ દિવસની મહેતલ અાપી છે.

જેમાં પાંચ દિવસમાં જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેતા હોય તેવા દર્દીઓને અન્યત્ર ખસેડી નવા દર્દીઓને એડમીટ નહીં કરવા નોટીસ આપી છે. જાહેર નોટીસમાં સ્પષ્ટપણે પાંચ દિવસ પછી હોસ્પિટલને સીલ મારવાની જ સુચના અપાયેલી છે. હોસ્પિટલો સામે કાર્યવાહી થયા બાદ શૈક્ષણિક સંસ્થાઓ કે જેઓએ બી.યુ.પરમીશન લીધુ ના હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કઈ હોસ્પિટલોને સીલની નોટીસ ?

 • લાખાણી હોસ્પિટલ, દરબારી કોઠાર સામે.
 • મધુદીપ હોસ્પિટલ, પીલગાર્ડન સામે, પાનવાડી.
 • અક્ષરદીપ આંખની હોસ્પિટલ,બહુમાળી ભવન પાસે.
 • બૈજુ ચિલ્ડ્રન હોસ્પિટલ તથા મહાવીર જનરલ હોસ્પિટલ.
 • જોગદીયા હોસ્પિટલ, બોરડીગેટ.
 • અહમદ નુર વસઈવાલા સાર્વજનિક હોસ્પિટલ, શિશુવિહારથી રૂવાપરી રોડ.
 • જેરામગીરી આંખની હોસ્પિટલ, શિવમ પ્રસુતિગ્રૃહ એન્ડ જનરલ હોસ્પિટલ, રૂપાલી સોસાયટી, રામમંત્ર મંદિર સામે.
 • સદવિચાર જનરલ હોસ્પિટલ, લીલા સર્કલ, આલેખ કોમ્પલેક્ષ, સિદસર રોડ.

232 બી.યુ.પરમીશન વગરની બિલ્ડીંગો
કોર્પોરેશન પાસે વર્ષ 2009 પહેલાનો બી.યુ.પરમીશન લીધા ના હોય તેવી મિલકતોનો ડેટા નથી. પરંતુ 2009 પછી બી.યુ.પરમીશન મેળવ્યું ના હોય તેવી ટાઉન ડેવલોપમેન્ટ હસ્તકની 144 અને ટાઉન પ્લાનિંગ વિભાગ હસ્તકની 88 મળી કુલ 232 મિલકતોના બી.યુ.પરમીશન જ નથી. વર્ષ 2009 પૂર્વેની બી.યુ.પરમીશન વગરની મિલકતોનો સર્વે શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...