ચિંતા:પાલિતાણાના ડુંગરપુર ગામે 8 પશુઓના મોત નિપજતા પશુપાલકોમાં ફફડાટ

ભાવનગર,પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ ગત સપ્તાહમાં તળાજા પંથકમાં સાત ભેંસના મોત થયા હતા ત્યાં ફરી
  • ડુંગરપુર ગામે 3 ભેંસ,1 વાછરડી અને 4 મરઘીના મોતની ઘટના

હજુ ગત સપ્તાહમાં તળાજાના વાલર ગામે થાઇલેરીયા રોગના કારણે સાત ભેસના મોત નિપજયા હતા ત્યાં આજે પાલિતાણા પંથકમાં કોઇ અગમ્ય કારણોસર ત્રણ ભેસ તેમજ ચાર મરઘીના મોતની ઘટના બનતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે.

પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલકો પાલતુ પશુ રાખીને જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે તાલુકાના ડુંગરપુર ગામે ત્રણ થી ચાર પશુઓના મોત નિપજ્યા છે. ડુંગરપુર ગામે ત્રણ ભેંસો તેમજ એક વાછરડી અને ચાર મરઘીના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ડુંગરપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા પશુપાલકોની દૂધ આપતી ભેંસોના મોત નિપજતા ગમગીની ફેલાઇ છે જેમાં સમા ઈસાકભાઈ નુરુભાઈ ડુંગરપુરની 3 ભેંસો અને 1 વાછરડી તેમજ ચાર મરઘીના મોત નીપજ્યા અને 3 ભેંસો બિમાર છે તેમની બાજુમાં રહેતા મદીનાબેન દિનુભાઈ સમાની 8 ગાયો બીમાર અને દૂધ દેતી બંધ થઈ ગઇ છે તેમજ મજનભાઈ નનકાભાઈ સમાની 18 ભેંસો બીમાર છે.

ગામમાં 250 પશુઓનું રસીકરણ કરાયું છે
ડુંગરપુર ગામે એકજ પરિવારની 3 ભેંસ,1 વાછરડી અને 4 જેટલી મરઘીના મોત થયા છે.આ પશુઓ એક જ પરિવારના છે અને પશુઓને ખાવામાં કોઇ પદાર્થ આવી ગયો હોય અને આમ બન્યું હોય.કોઇ રોગચાળો નથી.આઠ દિવસથી આ પશુઓ બિમાર હતા અમારા ધ્યાનમાં આવતા ગામમાં ટીમ મોકલાય હતી.મૃતક પશુના પી.એમ.કરાયા છે,સેમ્પલ લીધા છે અને લેબોરેટરીમાં મોકલાયા છે એકાદ દિવસમાં રિપોર્ટ આવે ખરેખર મોતનું કારણ જાણવા મળે.ગામમાં આ બનાવાથી 250 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.> કલ્પેશ બારૈયા, નાયબ પશુપાલન નિયામક,જિલ્લા પંચાયત,ભાવનગર

ખોળમાં ઝેરી પદાર્થ આવી ગયાની આશંકા
આ ગાયો અને ભેંસો બીમાર થવાનું કારણ પશુપાલકો જણાવી રહ્યા છે કે ખોળ બિયારણ ખવડાવતા આમ થયું હોવાનું જણાવી રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે આ ખોળમાં કંઈક ઝેરી પદાર્થો આવી જતા પશુઓના મોત અને બીમાર પડ્યા છેહાલ ભેંસોના મોત નિપજતા પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...