આરોગ્ય વિશેષ:ઝાડા ઉલટીના 71, શરદી ઉધરસના 200થી વધુ દર્દી

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી બાદ શહેરમાં બે સપ્તાહથી પ્રસરેલી બેવડી ઋતુના પ્રભાવથી વાયરલ રોગચાળો વધ્યો

દિવાળીના તહેવારો બાદ રોગચાળાએ માથુ ઊંચક્યું છે. તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. દવાખાનાઓમાં કેસ બારીએ લોકોએ લાંબી લાઇન લગાવી છે. ભાવનગર શહેરમાં દિવાળી બાદ આરોગ્ય કેન્દ્રોમાં ઝાડા ઉલટીના 80 અને શરદી ઉધરસના 200થી વધુ કેસ નોંધાયા છે.

શિયાળો શરૂ થતા પહેલા જ રોગચાળો શરૂ થઈ ગયો છે. ખાસ કરીને શરદી, તાવ તથા ઉધરસના કેસ વધી રહ્યા છે. દિવાળીનો તહેવાર પૂરો થઈ ગયો છે. આ વખતે ભાવનગરમાં કોરોનાના કેસ તળીયે હોવાથી દરેક પરિવારે ધામધૂમથી દિવાળી અને નવા વર્ષની ઉજવણી ઉમંગભેર કરી છે. પણ હવે દિવાળીના તહેવાર બાદ રોગચાળાએ માથું ઊચક્યું છે. તાવ, શરદી, ઉધરસ સાથે ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા છે.

આ ઉપરાંત ભાવનગર શહેરમાં હાલ મોડી રાત્રે-વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરના ગરમી તો ક્યારેક વરસાદ જેવી અલગ અલગ સિઝન અનુભવાઇ રહી છે. આવી ડબલ સિઝનને લીધે છેલ્લા બે સપ્તાહમાં જ વાયરલ ફિવર,(શરદી-ખાંસીના કેસમાં 20 ટકા સુધીનોવધારો થયો છે. બેવડી ઋતુમાં ઈમ્યુનિટી ઘટી જતાં વાયરલ ફિવર વધતો જોવા મળે છેે. વાઈરલ ફીવર હવા અને પાણીના માધ્યમથી ફેલાતુ વાઈરલ ઇન્ફેક્શન છે. તેમાંય બપોરે ઉનાળા જેવી ગરમી, અને રાત્રે શિયાળા જેવી ઠંડી હોય ત્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડે છે, અને વાયરલ ફીવર થવાની શક્યતા વધી જાય છે. વાયરલ ફિવર કે ખાંસી-શરદી જેવા રોગના લક્ષણો દેખાય તો તેનો તરત ઉપચાર શરૂ કરી દેવો જોઈએ અને સાવચેતીના પગલાં રૂપે સારવાર શરૂ કરી દેવી જોઈએ.

દિવાળી બાદ 20 ટકા દર્દીઓ વધ્યા
દિવાળીની રજાઓમાં દર્દીઓની સંખ્યા ઘટી હતી. પણ હવે વાઇરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં જેટલા દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે. તેની સામે હાલ 20 ટકાથી વધુ દર્દીઓ વાઇરલ ઈન્ફેક્શન અને તાવની સારવાર માટે આવી રહ્યા છે. તેમાં એક તો દિવાળીનું પ્રદૂષણ તેમજ લાઇફ સ્ટાઇલ જવાબદાર છે. આ ઈન્ફેક્શનથી બચવા માટે લોકોએ હાલ તીખુ, તળેલુ તેમજ બહારનું ખાવાનું ટાળવું જોઈએ.> ડો.રાજીવ ઓઝા, એમ.ડી. ફિઝિશિયન

મોટાભાગના દર્દીઓમાં ગળાનુ ઇન્ફેક્શન
સરકારી અને ખાનગી ક્લિનીકો અને હોસ્પિટલોમાં શરદી-ખાંસી અને તાવ સહિતના વાઇરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આરોગ્ય કેન્દ્રોની ઓપીડીમાં દર્દીઓનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દિવાળી બાદ ગળાના ઈન્ફેકશનના કેસમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...