મહેબુબ કુરેશી
ગુજરાત સરકાર દ્વારા જળમાર્ગ થકી પરિવહનને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ઘોઘાથી દક્ષિણ ગુજરાતના બંદર માટેની રો-રો ફેરી સર્વિસનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ટેકનિકલ રિપોર્ટ ઘોઘા-સુવાલી(હજીરા) વચ્ચે ફેરીનો હોવા છતા પરંતુ માત્ર ભ્રષ્ટાચારના હેતુથી ઘોઘા-દહેજ વચ્ચે પ્રોજેક્ટની રચના કરવામાં આવી હતી. ઘોઘાથી હજીરાની ફેરી સર્વિસ સફળ નિવડે તો ભાવનગર સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર બની શકે તેમ છે અને તેને રોકવા માટે પ્રોજેક્ટને અવળે પાટે ચડાવવા માટે ચોક્કસ પોલિટિકલ લોબી દ્વારા જીએમબીના અધિકારીઓના મેળાપીપણા સાથે પ્રોજેક્ટ ટલ્લે ચડાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ.
આવી બાબતોને કારણે ભાવનગરનો વિકાસ 10 વર્ષ પાછો ઠેલાઇ ગયો છે, ત્યારે ભ્રષ્ટાચારમાં સામેલ તમામ અધિકારીઓ સામે કડક પગલા ભરી અને હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયધિશોની કમિટી પાસે તપાસ કરાવવાની માંગ ઉઠી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા પ્રોજેક્ટ રો-પેક્સ ફેરી સર્વિસની ઇન્ટરનેશનલ નામાંકિત કન્સલટન્ટના વિસ્તૃત પ્રોજેક્ટ રીપોર્ટમાં સ્થળ પસંદગીમાં ઘોઘા-હજીરા(સુવાલી)નો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. છતા બાદમાં દહેજ ખાતે પ્રોજેક્ટ શિફ્ટ કરાવાયો અને દહેજમાં જહાજને પર્યાપ્ત પાણીનો ડ્રાફ્ટ મળવાની સતત સમસ્યા સર્જાતા આ સ્થળ બાદમાં પડતું મુકવું પડ્યું.
ખોટી સ્થળ પસંદગીને કારણે મૂળ 95 કરોડમાં સંપન્ન થવાનો પ્રોજેક્ટની કિંમત 800 કરોડ થઇ હતી, અને 10 વર્ષ પ્રોજેક્ટ અને ભાવનગર જિલ્લાનો વિકાસ ટલ્લે ચડ્યો હતો.ગુજરાત સરકારના પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તા.28.9.2007ના પત્રમાં જણાવવામાં આવ્યુ હતુકે, લંડનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કન્સલટન્સી મે.બ્રેકેટ રેન્કીન એન્ડ પાર્ટનરશિપ દ્વારા ઘોઘા, દહેજ, સુવાલી(હજીરા), પિપાવાવ, જાફરાબાદના રૂટ પર ખંભાતના અખાતમાં જળમાર્ગે રો-રો ફેરી ચલાવવા અભ્યાસ કરવામાં આવ્યો હતો.
જે પૈકી ઘોઘા-હજીરા(સુવાલી) જળમાર્ગે રો-રો ફેરી ચલાવવાની ભલામણ અગ્રતાક્રમે કરવામાં આવી હતી. અને તે સમયે ઘોઘા-હજીરા વચ્ચેના પ્રોજેક્ટમાં બર્થિંગ, એપ્રોચ જેટી, લિન્ક સ્પાન, બેંકશિટ, ડોલ્ફીન, અપ્રોચ બંડ, ટ્રાન્ઝીશન સ્લેબ, નેવિગેશન વસ્તુઓ, પેસેન્જર માટે શેલ્ટર, ડ્રેજીંગ, સિવિલ વર્ક, બિલ્ડિંગ વર્ક, આનુષંગિક સગવડતાઓ, મરિન ઇન્વેસ્ટિગેશન, હાઇડ્રોગ્રાફી સર્વે સહિતનો ખર્ચ ઘોઘા-હજીરા બંને માટે રૂપિયા 95 કરોડ આંકવામાં આવ્યો હતો.ગુજરાત સરકારના પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના પત્ર મુજબ વર્ષ 2007માં રો-પેક્સ ફેરી પ્રોજેક્ટની કિંમત 95 કરોડ હતી.
27.10.2010ના પત્ર મુજબ પ્રોજેક્ટની કિંમત 171 કરોડ કરાઇ. તા.28.6.2017ના પત્ર મુજબ પ્રોજેક્ટની કિંમત 615 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. અને પ્રોજેક્ટ સંપૂર્ણપણે ચાલુ થયો ત્યારે તેની અંદાજીત કિંમત 800 કરોડ થઇ હતી. આમ, વર્ષ 2007માં ઇન્ટરનેશનલ કન્સલટન્ટે સૂચવેલા ઘોઘા-સુવાલી (હજીરા) રો-પેક્સ ફેરી પ્રોજેક્ટને દહેજ ખાતે ફેરવી અને દહેજ નિષ્ફળ ગયા બાદ પુન: હજીરા ખાતે ફેરી સર્વિસ શરૂ કરવવામાં અંદાજે 700 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થયો છે, પરંતુ તેના માટે જવાબદારોનો વાળ પણ વાંકો થયો નથી.
એક્સપર્ટ ઓપીનિયન : દહેજ નર્મદા નદીના મુખ પાસે છે, કાંપની સમસ્યા કાયમી રહે
દહેજ નજીક નર્મદા નદીનો કાંપ દર વર્ષે ઢસડાઇને દરિયામાં આવે છે, તેથી દરિયામાં કાંપ જમા થવાની સમસ્યા સામાન્ય અને વર્ષો જૂની છે. ઉપરાંત દહેજમાં હાઇ ટાઇડ 10 મીટરની રહે છે, તેટલું પાણી આવ-જા થાય છે તેથી પણ શિલ્ટેશનની સમસ્યા જોવા મળે છે. - રાજેશ વર્મા, અદાણી ડ્રેજીંગના સીનિયર મેનેજર
વિગતો ચકાસી જવાબદારો સામે કાર્યવાહી કરાશે
હું જીએમબીમાં ઇન્ચાર્જ છું. ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટમાં જે કોઇ ગેરરીતિઓ થઇ હશે તેના અંગે યોગ્ય તપાસ કરાવીશું અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. - આર.બી.બારડ, ઇન્ચાર્જ વાઇસ ચેરમેન, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.