પ્લાન્ટના સ્થાને પ્લાન્ટેશન:ભાવનગરમાં મીઠી વિરડી ન્યૂક્લિયર પ્લાન્ટની જગ્યામાં 700 વૃક્ષો વવાયાં, નાના તળાવનું નિર્માણ પણ કર્યુ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યજનોએ જમીન બચાવી 4 એકરમાં વૃક્ષો વાવ્યા

એક સમયે ચકચારી બનેલા ભાવનગર જિલ્લાના જસપરા મીઠીવીરડીના 6000 મેગાવોટના સૂચિત ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં જતી જમીનને આ વિસ્તારના ગ્રામ્યજનોએ બચાવીને તેના સ્થાને 4 એકર જમીનમાં 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ સાથે નાના તળાવનું નિર્માણ કર્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં મીઠીવીરડી ગામે વર્ષ 2007માં સરકારની જાહેરાત અનુસાર સ્થપાનાર સૂચિત 6000 મે.વો.ના અણુ વીજળી પ્લાન્ટને લાંબા સંઘર્ષ બાદ વર્ષ-2017માં રદ કરાવ્યો હતો.

જીવ સૃષ્ટિના હિતમાં અને ખાસ કરીને વિસ્તારના અસરગ્રસ્ત ગામોના હિતમાં મીઠીવીરડી સંઘર્ષ સમિતિએ વિસ્તારના ગામોમાં પ્રકૃતિ સુરક્ષા અને રચનાત્મક કામો પણ કરી રહી છે. સૂચિત પ્લાન્ટની જમીનમાં પ્લાન્ટના સ્થાને સમુદાયના સહયોગથી 4 એકરમાં જુલાઇ-2020માં અંદાજે 700 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. અને તેની સાર સંભાળ માટે તાર ફેંસિંગ સહિત પાણીની ટાંકી બનાવીને પિયતની વ્યવસ્થા પણ કરવામાં આવી.

સમયાંતરે સરકારની મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગેરેન્ટી સ્કીમ(MNREGA) હેઠળ આવરી લઈને લાંબાગાળા માટે પ્લાન્ટેશનની સાર સંભાળ અને પિયત માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી. પિયત માટે વધુ સરળ અને લાંબાગાળાની સગવડને ધ્યાને લઈને પ્લાન્ટેશન વિસ્તારમાં જ હિતેચ્છુઓ અને સમુદાયના સહયોગથી નાનું તળાવ બનાવીને પિયતની સગવડ ઊભી કરવામાં માટે કામ હાથ ધરવામાં આવ્યું.

જૈવિક વિવિધતાઅ ધરાવતા વૃક્ષોનું વાવેતર
6000 મેગા વોટ અણુ વીજ પ્લાન્ટની જમીનમાં કરવામાં આવેલ પ્લાન્ટેશનમાં આવનારી પેઢીને પ્રકૃતિ શિક્ષણનું નિદર્શન પૂરું પાડી શકાય તે હેતુથી કાળજી પૂર્વક ઔષધિય પાકો સહિત પક્ષીઓના ખોરાકને ધ્યાનમાં લઈને વિવિધતા ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. - શક્તિસિંહ ગોહિલ, પૂર્વ સરપંચ, જસપરા

અન્ય સમાચારો પણ છે...