ચૂંટણી સંગ્રામ:જિલ્લાની 244 ગ્રામપંચાયતોમાં 68.56 % મતદાન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિહોર તાલુકાના ધ્રુપકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક વયોવૃધ્ધ મતદાતાને મતદાન મથક સુધી મતદાન કરવા લઇ જવામાં પોલીસ કર્મચારીઓ મદદ કરી રહયાં છે. - Divya Bhaskar
સિહોર તાલુકાના ધ્રુપકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક વયોવૃધ્ધ મતદાતાને મતદાન મથક સુધી મતદાન કરવા લઇ જવામાં પોલીસ કર્મચારીઓ મદદ કરી રહયાં છે.
  • કડકડતી ઠંડીમાં પણ ગ્રામ્યજનોનું ફર્સ્ટક્લાસ મતદાન
  • કુલ 510307 પૈકી 349844 મતદારો જાગૃત પુરવાર થયા
  • જિલ્લામાં વલભીપુર તાલુકામાં સર્વાધિક 79.38 ટકા અને ઘોઘા તાલુકામાં સૌથી ઓછુ 55.14 ટકા મતદાન : પુરૂષોમાં મતદાનની ટકાવારી 71.69 ટકા જ્યારે મહિલાઓમાં મતદાનની ટકાવારી 65.16 ટકા રહી : કાલે ઉમેદવારોનું ભાવી બેલેટ બોક્સમાંથી ખૂલશે

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય,પેટા અને મધ્યસત્ર મળી કુલ 244 ગ્રામ પંચાયતની ચૂંટણી આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ હતી. આ ચૂંટણીમાં 4142 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા. હવે મતદાન પુરૂ થયા બાદ આવતીકાલ એટલે કે મંગળવારે મતપેટીમાંથી ઉમેદવારોનું ભાવી ખુલશે. જિલ્લામાં એકંદરે 68.56 ટકા મતદાન થયું હતું.

ભાવનગર જિલ્લામાં 244 ગ્રામ પંચાયત માટે આજે જિલ્લાભરમા ચુસ્ત બંદાબસ્ત વચ્ચે શાંતીપુર્ણ રીતે મતદાન યાજાયુ હતુ. જિલ્લાભરમા 68.56 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતાે. સાંજના 6 વાગ્યા સુધીમા જ 68.56 ટકા મતદાન નોંધાયું હતુ. જનતાએ શું ફેંસલો આપ્યો છે તે આવતીકાલે સ્પષ્ટ થઇ જશે.છેલ્લા એક પખવાડીયાથી ગ્રામિણ વિસ્તારમા રાજકીય ગરમાવા વચ્ચે ગ્રામ પંચાયતની ચુંટણીનો માહોલ જામ્યો હતો આખરે આજે સાંજે 6 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું.

જિલ્લામાં 244 ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાઇ હતી જેમાં 222 સામાન્ય ગ્રામ પંચાયત, 19 ગામોમાં પેટા ચૂંટણી અને 3 ગામમાં મધ્યસત્ર ચૂંટણી થઇ હતી. જિલ્લામાં 4142 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચૂ઼ટણીમાં 4044 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. જેમાં સરપંચ પદના 585 અને વોર્ડ સભ્ય પદના 3459 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આજે યોજાયેલી 244 ગ્રામપંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ 79.38 ટકા મતદાન વલભીપુર તાલુકામાં જ્યારે ઘોઘા તાલુકામાં સૌથી ઓછુ 55.14 ટકા મતદાન થયું હતું.

વલભીપુર તાલુકામાં સૌથી વધુ મતદાન
વલભીપુર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ વોર્ડ સભ્યો માટે કાનપર અને કંથારીયા ગામે આઠ વોર્ડની માટે મતદાન થયુ અને નવાગામ(ગા) ગામે માત્ર બે વોર્ડ સભ્યો મતદાન થયુ. કંથારીયા,કાનપર અને નવાગામ(ગાયકવાડી) ગ્રામ પંચાયતોના સરપંચ માટેની ચુંટણી માટે મતદાન થયું હતું. જેમાં કંથારીયા ગામે બે બુથ ઉપર સ્ત્રી-પુરુષો મળી કુલ 1333 મતદારો, પૈકી કુલ 1129 નુ મતદાન થયુ એટલે કે 84.69 ટકા મતદાન થયુ. કાનપર ગામે પણ બે બુથો ઉપર સ્ત્રી-પુરુષો મળી કુલ 1842 મતદારો પૈકી કુલ 1451 નુ મતદાન થયુ એટલે કે 78.77 ટકા મતદાન થયુ અને નવાગામ(ગા) ગામે બે બુથો ઉપર સ્ત્રી-પુરુષો મળી કુલ-1698 મતદારો પૈકી 1288 નુ મતદાન થયુ એટલે કે 75.85 ટકા મતદાન થયુ હતું. જિલ્લામાં વલભીપુર તાલુકામાં સૌથી વધુ 79.38 ટકા મતદાન થયું હતું.

ગારીયાધાર તાલુકામાં સુરતથી 13 બસો આવી
ગારિયાધાર તાલુકાની 37 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 9 ગ્રામ પંચાયત સમરસ થતાં 29 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઇ હતી.મતદાન મથકો પર સવારે ભીડ જોવા મળી હતી.પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતુ.પરવડી ગ્રામ પંચાયતની ચુટણીમાં મતદાન કરવા સુરતથી 13 ટ્રાવેલ્સ આવી હતી.તમામ બુથ પર શાંતિપૂર્વક મતદાન થયુ હતુ. એકંદરે ગારીયાધાર તાલુકામાં 64.24 ટકા મતદાન થયું હતું.

તળાજા ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ
તળાજા તાલુકાની ગ્રામપંચાયતોની ચુંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયેલ છે. આ અગાઉ 24 ગ્રામપંચાયતોની ચુંટણીમાં સર્વ સહમતી સભાતા બિનહરીફ સમરસ જાહેર થયેલ છે. જયારે બાકીની 55 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં એકંદર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.સાંજ સુધીમાં કોઈ અનીચ્છનીય બનાવ બન્યો નથી. તંત્ર દ્વારા પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે તે માટે પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તળાજા તાલુકાની કુલ 92 ગ્રામ પંચાયતોની જાહેર થયેલ ચુંટણીમાં 74 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 17 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી તેમજ એક ઝાંઝમેર ગ્રામ પંચાયતમાં મધ્યસત્ર ચુંટણી જાહેર થયેલ. આ ચુંટણી પ્રક્રિયા દરમિયાન અગાઉ કુલ 22 ગ્રામ પંચાયતો બિનહરીફ સમરસ જાહેર થયેલ છે.

સિહોર તાલુકામાં 68.29 ટકા જેટલું મતદાન
સિહોર તાલુકાના સણોસરા, ચોરવડલા, પીપરલા, કાટોડિયા, સોનગઢ, ઢુંઢસર, નેસડા, અમરગઢ, ખાંભા, ખારી, રબારિકા, સખવદર, ધ્રુપકા અને થોરાળી ગામે પંચાયતની ચૂંટણી માટે રસાકસીભર્યો જંગ બન્યો હતો. 56 પૈકીના 15 બૂથ સંવેદનશીલ હતા. સિહોર તાલુકાના 14 ગામોમાં કુલ 68.29 ટકા શાંતિપૂર્ણ મતદાન થયું હતું. મતદાન દરમ્યાન કોઇ અઇચ્છનીય બનાવ ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બુઝુર્ગોને મતદાન કરવા માટે પોલીસ, હોમગાર્ડઝ અને જીઆરડીના જવાનોએ મદદ કરી, સરાહનીય કામગીરી કરી હતી.ચૂંટણીમાં મતદાન માટે બૂથ ઉપર મતદારોની કતારો જોવા મળી હતી. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ગ્રામ પંચાયત સૌથી અગત્યનો ભાગ હોય છે.

મહુવા તાલુકામાં 70.19 ટકા મતદાન થયું
મહુવા તાલુકામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચુંટણી કામગીરીમાં 17 આર.ઓ. નીચે 1200 કર્મચારી 176 મતદાન મથક ઉપર ફરજ ઉપર હાજર રહ્યાં હતા. તમામ બુથ ઉપર 500 પોલિસ જવાનોએ ખડેપગે ફરજ બજાવી હતી. ગ્રામ પંચાયતની 56 બેઠક છે જેમા 390 વોર્ડ છે. 56 ગામની સંરપચની ચુટણીમા 165 ઉમેદવાર મેદાનમા ઉતરેલ ત્યારે ગામના વોર્ડ 390 છે જેમાં 966 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. એકંદરે આજે 70.19 ટકા જેટલુ મતદાન થવા પામેલ છે.

પાલીતાણાના 37 ગામોમાં મતદાન
પાલીતાણા તાલુકામા 44 જેટલી સામાન્ય અને 13 જેટલા ગામોમાં સભ્યો માટેની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.12 સરપંચો બિનહરીફ થયા હતા તો કેટલાક ગામોમાં સરપંચ બિનહરીફ પણ સભ્યોની ચૂંટણીઓ યોજાતા તેવા ગામો ને સમરસ ગામની સરકારની લાભકારી યોજનાઓ મળી શકશે નહીં. સાડત્રીસ ગામોમાં પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું હતું. પાટીદાર સમાજની વસ્તીવાળા ઘેટી,આંકોલાળી જેવા ગામોમાં સુરતથી બસ લઈને પણ લોકો મતદાન કરવા આવ્યા હતા.મોટી રાજસ્થળી, વાળુકડ, રતનપર જેવા ગામોમાં સરપંચપદ અનામત હોય સામાન્ય મતદારોનો ઉત્સાહ ઓછો પણ દેખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...