સાંપ્રત સમસ્યા:15થી 18 વર્ષે 66% આદિવાસી કિશોરીના લગ્ન થઈ જાય છે, પ્રા.કલાવતી ચૌધરીના સંશોધનમાં મળેલા તારણો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 69% સ્ત્રીઓને કૌટુંબિક મિલકતો કે આર્થિક બાબતોના નિર્ણયમાં સહભાગીતા નથી

રાજ્ય અને રાષ્ટ્રમાં દરેક કક્ષાએ મહિલાઓને સમાન તક અને સહભાગીદારીની વાત થાય છે પણ આદિવાસી સુમદાયની મહિલાઓના સંશોધનમાં આંખ ઉઘાડે તેવું તારણ આવ્યું છે કે 32% સ્ત્રીઓને આદિવાસી સમુદાયને શિક્ષણમાં અનામતનો લાભ મળે છે તે અંગે જાણકારી નથી. સરકાર લગ્નની વયમાં વધારો કરવા ઈચ્છે છે પરંતુ આ સમુદાયમાં તો 66% સ્ત્રીઓના લગ્ન 15 વર્ષથી 18 વર્ષની ઉંમરે માતા-પિતા અને કુટુંબીજનોની ઈચ્છાથી જ થઈ ગયેલા છે.

આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સામાજિક બાબતોની ભાગીદારી નથી. 69% સ્ત્રીઓ કૌટુંબિક મિલકતો કે આર્થિક બાબતોના નિર્ણયમાં સહભાગીતા ધરાવતી નથી. સશક્તિકરણ માટે આર્થિક સ્વાવલંબન મહત્વનું છે પરંતુ આ સમુદાયમાં સ્ત્રીઓની કોઈ ભાગીદારી હોય તેમ જણાતું નથી. માત્ર 26% સ્ત્રીઓ જ સ્વ ઉપાર્જિત આવકનો ખર્ચ ક્યાં કરવો તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે.

દેશના રાષ્ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુ આરૂઢ થવાની સાથે જ સામાજિક ક્રાંતિની પહેલ થઈ છે અને વંચિત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા અને તેમાં પણ એક મહિલા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થાય તે ઘટના વંચિતોના વિકાસની દિશામાં એક ક્રાંતિકારી કદમ ગણી શકાય પરંતુ શું ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં આદિવાસીઓની પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો છે ?

સરકાર દ્વારા આદિવાસી સમુદાયના વિકાસ માટે અનેક યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી આ સમુદાય વિકાસની પ્રક્રિયાથી વંચિત છે અને તેમાં પણ મહિલાઓ તો વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર જ બનતી નથી. ત્યારે આ દિશામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સમાજકાર્ય વિષયના પીએચ,ડી, માર્ગદર્શક ડો. નેહલ ત્રિવેદીના માર્ગદર્શનમાં નંદકુંવરબા મહિલા કોલેજના પૂર્વ અધ્યાપક કલાવતી ચૌધરીએ 'આદિવાસી સમુદાયની સ્ત્રીઓ વિકાસની પ્રક્રિયાથી વંચિત રહેવાના કારણોનો એક અભ્યાસ' વિષય પર પીએચ,ડી,ની ડીગ્રી મેળવી છે.

આ સંશોધનમાં તેમણે ગુજરાતના કુલ 14.8 ટકા આદિવાસી વસતિ પૈકી સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓનો સમાવેશ કર્યો છે. આ અભ્યાસમાં તેમના જણાવ્યા મુજબ વિકાસની પ્રક્રિયામાં રાજકીય આર્થિક શૈક્ષણિક અને સામાજિક ભાગીદારી મહત્વની બાબત છે જેમાં આદિવાસી સમુદાયની સ્ત્રીઓને ભાગીદાર બનાવવામાં આવતી નથી.

આ બાબતોને આધારે કહી શકાય કે માત્ર આદિવાસીઓ જ નહીં પરંતુ કોઈ પણ સમુદાયની સ્ત્રીઓને વિકાસની પ્રક્રિયામાં સામેલ કરવી હોય તો તેમને સારું આરોગ્ય, ફરજિયાત શિક્ષણ અને દરેક સ્તરે સહભાગીદારી અને આર્થિક સ્વાવલંબન આપવું જ રહ્યું તે આ સંશોધનનું મુખ્ય કારણ રહ્યું હતું.

ગ્રામસભા કે મહિલા અનામત અંગે તદ્દન અજાણ
સરકાર દ્વારા શિષ્યવૃત્તિ મફત અને ફરજિયાત શિક્ષણ જેવી યોજના હોવા છતાં આ સંશોધનમાં સમાવાયેલા 100 ટકા ઉત્તરદાતા વધુમાં વધુ ધો.10 સુધી જ શાળામાં શિક્ષણ મેળવી શક્યા છે. રાજકીય રીતે જોઈએ તો 79% સ્ત્રીઓને ગ્રામસભામાં હાજર રહેવા અંગે કોઈ માહિતી નથી. 88% સ્ત્રીઓને રાજકીય ક્ષેત્રે આપવામાં આવેલ મહિલા અનામત અંગે કોઈ માહિતી નથી.

અન્ય સમાચારો પણ છે...