ભાવનગર શહેરમાં રખડતા ઢોર સામે કડક કાર્યવાહી છતાં હજુ પણ ઢોરનો ત્રાસ યથાવત છે. આજે કમિશનરે રાઉન્ડ દરમિયાન મોટી સંખ્યામાં રખડતા ઢોરને પકડવાની કામગીરી કરી હતી અને આજે એક જ દિવસમાં 63 જેટલા પશુઓ પકડી ડબ્બામાં પુર્યા હતાં. ગાયને પકડતા સમયે માલિકો દ્વારા પણ છોડાવવાના પ્રયાસો થયા હતા પરંતુ કોર્પોરેશન દ્વારા ઢોરને છોડ્યા ન હતા.
પશુ ત્રાસ નિયંત્રણ વિભાગની ટીમ દ્વારા રોજના સરેરાશ 12 જેટલા પશુ પકડે છે. તેમજ ચિત્રા, મિલેટરી સોસાયટી સહિતના વિસ્તારમાંથી જ પશુ પકડતા હોય છે પરંતુ આજે સવારે કમિશનર ઉપાધ્યાય રાઉન્ડમાં હતા તે દરમિયાન પશુ ત્રાસ નિયંત્રણની ટીમને પણ સાથે રાખી બપોર સુધીમાં જ 52 જેટલા ઢોર અને તેમાં પણ વધુ ગાયોને પકડી ઢોર ડબ્બામાં પુરી હતી. અને સાંજ સુધીમાં 63 જેટલા પશુને પકડ્યા હતા.
આજે ભાવનગર રાજકોટ રોડ, મામાકોઠા રોડ, હલુરિયા ચોક, મહિલા કોલેજ સર્કલ સહિતના વિસ્તારમાંથી ઢોરને પકડ્યા હતા. ગાયોને લગાવેલા ટેગ પરથી તેના માલિકની શોધ સરળ બને છે અને તેના પરથી પોલીસ ફરિયાદ નોંધાય છે. જેથી પશુના માલિકો દ્વારા હવે ગાયના કાન પરથી ટેગ પણ દૂર કરી રહ્યા છે. જોકે, ટેગ દૂર કરે તો પણ ડેટાબેઝના આધારે માલિકની શોધ કરી ફરિયાદ નોંધવામાં આવે છે.
ભોજપરા ગામે ખૂંટિયાએ ઢીંક મારતા આધેડનું મોત
ભાવનગરના ભોજપરા ગામે ખૂંટિયાએ ઢીંક મારતા આધેડને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. ભોજપરા ગામે રહેતા શાંતીભાઇ પરસોતમભાઇ ખેરાળા (ઉ.વ.45)ને બે દિવસ પૂર્વે ગામમાં ખૂંટીયએ ઢીંક મારતા તેને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
માલધારી મહિલાનું ટોળુ કોર્પો.ગયું છતાં ઢોર ન છોડ્યા
આજે પકડેલી ગાયોને છોડવાની માંગ સાથે માલધારી સમાજની મહિલાઓનું ટોળું કોર્પોરેશન ધસી આવ્યું હતુ. પરંતુ ઢોરને નહીં છોડવાની કમિશનરની સ્પષ્ટ સૂચનાને કારણે કોઈ ઢોરને મુક્ત કરાયા ન હતા.
બન્ને ઢોર ડબ્બામાં પશુને પુરવાનું શરૂ
શહેરમાંથી રસ્તા પર રખડતા ઢોરને પકડી અત્યાર સુધી બાલાહનુમાન મંદિર પાસેના ડબ્બામાં જ પુરતા હતા પરંતુ હવે અખીલેશ સર્કલ પાસેના ડબ્બામાં પણ પુરવામાં આવે છે જેમાં ખાસ કરીને ગાયોને પુરાય છે. અખીલેશ સર્કલવાળા ડબ્બામાં 90 જેટલી ગાય જ્યારે બાલા હનુમાન મંદિર પાસેના ડબ્બામાં 900 થી વધુ ઢોરને પુર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.