હડતાલ:સૌરાષ્ટ્રના 5500 બેન્ક કર્મચારી તા.19 નવેમ્બરે હડતાલ પાડશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લાના 1200 કર્મચારીઓ જોડાશે
  • ઔદ્યોગિક સંબંધોની કથળતી હાલત અને કાયદાના અનાદર જેવા પ્રશ્નો

વિવિધ માંગણીઓને લઈને જાહેર ક્ષેત્રની એસબીઆઇ સિવાયની નેશનલાઈઝ બેન્કોના કર્મચારીઓ તા.19 નવેમ્બરને શનિવારે હડતાળ પાડશે. જેથી કામકાજ પર અસર થશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 5500 અને સમગ્ર ગુજરાતના 15 હજાર જેટલા કર્મચારીઓ આ હડતાલમાં જોડઇને નીતિરીતિનો વિરોધ કરશે. ખાસ તો જાહેર ક્ષેત્રની બેન્કમાં દ્વિપક્ષીય સમાધાન અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યૂટ એક્ટનો ખુલ્લેઆમ તિરસ્કાર કરવામાં આવે છે. બેન્કોમાં અનફેર લેબર પ્રેક્ટિસમાં સતત વધારો અને ઔદ્યોગિક સંબંધો ક્ષુલ્લક થઇ ગયા છે.

12 બેન્કોમાં ઔદ્યોગિક સંબંધમાં વિક્ષેપ લાવી મેનેજમેન્ટ તરફથી બળતામાં ઘી હોમી કર્મચારીઓ પર ગેરકાયદેસર નીતિઓ ઠોકી બેસાડવામાં આવી છે. બેન્કોમાં સામૂહિક સોદાબાજી અને દ્વિપક્ષીય વાટાઘાટને બદલે એક પક્ષીય પ્રથા શરૂ થઇ ગઇ છે. મજૂર સંગઠનો સાથે સલાહ કે વિમર્શ કરવાને બદલે ઘર્ષણનો માર્ગ અપનાવાતા આ હડતાલનું એલાન અપાયું છે.

નેશનલાઈઝ બેન્કો સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ હડતાળ પાડવામાં આવી હતી તેમ છતાં હજી સુધી સમસ્યાનું સમાધાન થયું નથી જેને લઈને ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન દ્વારા 19મી નવેમ્બરના રોજ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના 1200 જેટલા કર્મચારીઓ જોડાશે. 19મી નવેમ્બરને શનિવારના રોજ હડતાળ પાડવામાં આવી છે અને ત્યાર બાદ રવિવાર હોવાથી બે દિવસ સુધી કર્મચારીઓના કામકાજ પર અસર થશે.

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન સાથે જોડાયેલા જયેશ ઓઝાએ જણાવ્યું હતુ કે ‘કર્મચારીઓની વિવિધ માંગણી છે આ બાબતે સરકારને અનેક રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી. જેને કારણે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન દ્વારા 19મી નવેમ્બરના રોજ હડતાળ પાડવામાં આવશે.’ સેન્ટ્રલ બેન્કમાં 4325 કર્મચારીઓને એકથી બીજા શહેરમાં દ્વિપક્ષીય કરાર અને સમાધાનનું ઉલ્લંઘન કરીને બદલીઓ કરી છે. બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્કમાં સફાઇનું કામ કરાર મારફત કરાવવાનું બેન્કે નક્કી કર્યું છે. આમ પટ્ટાવાળાની કક્ષા જ નાબૂદ કરવા ઇચ્છે છે. આથી 18 નવેમ્બરે યુનાઇટેડ ફોરમ દ્વારા હડતાલના સમર્થનમાં દેખાવો યોજાશે. જો કે ચૂંટણી હોય બેન્ક પાસે શાંતિપૂર્વક હાથમાં પ્લે કાર્ડ રાખીને વિરોધ દર્શાવશે. 19મીએ હડતાલ રાખશે.

અન્ય સમાચારો પણ છે...