તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:55 મ્યુનિસિપાલ સ્કૂલોએ ફાયર NOC માટે દોડા શરૂ કર્યા, તમામ મ્યુ.પ્રા.શાળા કક્ષાએ ફાયર સેફ્ટી ઉભી કરવા પરિપત્રથી વિવાદ સર્જાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળાના કોર્પોરેશનની માલિકીના 45 બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા વર્ષોથી વાતો ચાલી રહી છે ત્યારે સરકાર પણ ફાયર સેફટી માટે ગંભીરતા દાખવતા કોર્પોરેશન દ્વારા દોઢ કરોડના ખર્ચે તમામ શાળાના બિલ્ડિંગોમાં ફાયર સેફટી માટે ટેન્ડર પ્રક્રિયા કરી રહ્યું છે છતાં શાસનાધિકારી દ્વારા તમામ શાળાના આચાર્યોને શાળા કક્ષાએથી ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા અને NOC લેવા પરિપત્ર કરતા ભારે વિવાદ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રાઉન્ડ ફ્લોર અને એક માળ ધરાવતી 33 શાળા છે જ્યારે બે માળ ધરાવતી 22 શાળા છે.

ખુદ કોર્પોરેશનની શાળાઓમાં જ ફાયર સેફટીનો અભાવ છે. જે બાબતે શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનના બજેટમાં પણ ફાયર સેફટી માટે રકમ ફાળવવામાં આવી છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આજ સુધી કોર્પોરેશનની શાળામાં ફાયરસેફ્ટી નથી. કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ વચ્ચેના અસંકલનને કારણે શાળામાં ફાયરસેફ્ટી લગાવાઇ નથી.ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા તમામ શાળા નો સર્વે કરી દોઢ કરોડના ખર્ચે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા તમામ તૈયારી કરી ચૂક્યું છે ત્યાં શાસનાધિકારી દ્વારા તમામ શાળાના આચાર્યોને પરિપત્ર પાઠવી શાળા કક્ષાએથી ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરી NOC મેળવવાની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

એક જ કામ માટે કોર્પોરેશન અને શાળા બંને દ્વારા થતી પ્રક્રિયા અને ખર્ચે વિવાદનો મધપૂડો ઉભો કર્યો છે. જો કોર્પોરેશન દ્વારા દોઢ કરોડનો ખર્ચ કરી ફાયર સેફટી ઊભી કરતું હોય તો શાળા વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટનો વેડફાટ કરવો નિરર્થક સાબિત થશે. તેમજ શાળાઓને દર વર્ષે અપાતી શાળા સંયુક્ત ગ્રાન્ટમાંથી પણ ફાયર સેફ્ટીનો મોટો ખર્ચ થઈ શકે તેમ નથી છતાં પરીપત્ર કરતા માત્ર સરકારમાં શિક્ષણ સમિતિ દ્વારા ફાયર સેફ્ટીની કાર્યવાહી શરૂ હોવાનું પ્રતિપાદિત કરવા પૂરતો જ હેતુ હોય તે સાબિત થાય છે.

શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફટી ઉભી કરવા માટે અને શિક્ષણ વિભાગમાંથી ખર્ચની વ્યવસ્થા કરવા અગાઉ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ તત્કાલીન સમયે શાસનાધિકારી દ્વારા કોર્પોરેશનના બિલ્ડીંગ હોવાથી શિક્ષણ સમિતિ ખર્ચ કરી શકશે નહીંનું લેખિતમાં ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવ્યું હતું.

ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણીની સુચના
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હાલની પરિસ્થિતિએ ફાયર સેફ્ટીની સુવિધા બાબતે ચકાસણી કરવા શાસનાધિકારીને સૂચના આપવામાં આવી હતી. શાળાઓમાં ફાયર સેફટી માટે સતત પ્રયાસ બાદ કોર્પોરેશનના સહકારથી તેના દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરાશે. જે માટે ટેન્ડર પણ તૈયાર થઈ ગયું છે. - નિલેશ રાવળ, ચેરમેન શિક્ષણ સમિતિ

ટેન્ડર તૈયાર છે, સ્ટેન્ડીંગમાં મોકલાશે
મ્યુ.શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત દોઢ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. શાળાઓમાં ફાયર સેફટી માટે ટેન્ડર તૈયાર થઈ ગયું છે. કમિશનરની મંજૂરી પણ મળી ગઈ છે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલશે. - મહેશ હિરપરા, ચિફ ફાયર ઓફિસર

અન્ય સમાચારો પણ છે...