તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયોડીઝલ ઝડપાયું:ભાવનગર શહેરના કરચલીયાપરા-અગરીયાવાડ વિસ્તારમાંથી 5200 લીટર ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિટી મામલતદાર તથા પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર સિટી મામલતદાર તથા પુરવઠા વિભાગની ટીમે શહેરના કરચલીયાપરા-અગરીયાવાડ વિસ્તારમાં બે-રોકટોક ચાલતાં બાયો ડીઝલ વેચાણના કારોબાર પર રેડ કરી 5200 લીટર બાયોડીઝલ તથા બે વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરતાં ગેરકાયદે અન અધિકૃત રીતે ઇંધણનો વેપલો કરતાં આસામીઓમાં ફફડાટ ફેલાયો છે.

રાજ્ય સરકારના આદેશને પગલે સમગ્ર રાજ્યમાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણ કર્તાઓ પર તંત્રના અધિકારીઓ સંકટ બનીને તવાઈ બોલાવી રહ્યાં છે. ત્યારે ભાવનગર શહેર-જિલ્લામાં પણ તંત્ર દ્વારા છાશવારે બાયોડીઝલનો કાળો કારોબાર ઝડપી લઈ કાયદાની રૂએ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, જેમાં આવો જ એક જથ્થો શહેરના એક વિસ્તારમાથી ઝડપાયો છે.

શહેરના કરચલીયાપરા, અગરીયાવાડ વિસ્તારમાં આજદિન સુધી દેશી, વિદેશી દારૂ, જુગાર સહિતની બદ્દીઓ માટે કુખ્યાત ગણાતો હતો. જેમાં આ બદ્દીઓ પૈકી વધુ એક બદ્દીનો ઉમેરો થયો છે. આજરોજ ભાવનગર સિટી મામલતદાર ધવલ રવૈયા તથા પુરવઠા વિભાગના ભૂમિ પ્રજાપતિને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના કરચલીયાપરા તથા અગરીયાવાડ વિસ્તારમાં લાંબા સમયથી બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું છે.

બાતમીના આધારે સિટી મામલતદાર 5 નાયબ મામલતદાર, પુરવઠા વિભાગની ટીમ અને સિટી મામલતદારના કાફલાએ ક.પરા અગરીયાવાડમાં સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી કુલ 5200 લીટર બાયોડીઝલનો જથ્થો ઉપરાંત ઇંધણ હેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલ બે ટેમ્પો- ટેન્કર, સહિત કુલ રૂ,6 લાખ 02 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બાયોડીઝલનો જથ્થો સીઝ કરી સ્થળ પરથી સંચાલક ભાવેશ બટુક ચૌહાણની અટક કરી પુછપરછ હાથ ધરી છે. આ દરોડાને પગલે બાયોડીઝલના વેચાણ કર્તા આસામીઓમાં ફફડાટ ફેલાયો હતો.

વાતાવરણ તંગ થતા પોલીસ બોલાવાઈ
કરચલીયા પરામાં પુરવઠા વિભાગની ટીમ બાતમીના આધારે દરોડો પાડવા જતાં સ્થાનિક લોકોના ટોળા જામી ગયાં, અને વાતાવરણ તંગ બની ગયું. કાયદા વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તે પહેલા પુરવઠા વિભાગ દ્વારા પોલીસને જાણ કરિ તાત્કાલિક સ્થળ પર બોલાવી લીધી. અને પોલીસ અ‍ાવ્યા બાદ બાયો ડિઝલ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

લકઝરી બસ અને ટ્રક બાયો ડિઝલ ભરાવા વતા
કરચલીયા પરા વિસ્તારમાં જુદા જુદા સ્થળે પાણીના ટેન્કર મારફત બાયો ડિઝલ સપ્લાય તો થતું હતું પરંતુ સાથો સાથ અા પોપટનગર મહાકાળી માતાના મંદિર પાસે ખાનગીમાં લકઝરી બસ અને ટ્રક ચાલકો પણ બાયો ડિઝલ ભરવા આવતા હતાં. પુરવઠા અધિકારી ભુમિકાબેન કોરિયાને એક ટ્રક બાયો ડિઝલ ભરવા આવતા તેના ઈન્ફર્મર દ્વારા માહિતી મળતા જ તેની ટીમને દોડાવી હતી. જોકે, ત્યારે ટ્રક નીકળી ગયો હતો. બાયો ડિઝલના વેચાનું સંચાલન કરતા કરચલીયા પરામાં જ રહેતા ભાવેશ ચૌહાણનું નિવેદન લઈ નમુના પરિક્ષણમાં મોકલ્યા છે.

પાણીના ટાંકામાં બાયો ડિઝલનો જથ્થો રાખી વોટર ટેન્કર દ્વારા ડિલિવરી થતી હતી
આ સમગ્ર ઘટના ક્રમમાં બાયો ડિઝલનો જથ્થો ટેન્કર દ્વારા થતો હોવાનું ખુલ્યું છે. બાયો ડિઝલના પમ્પ પર દરોડા પડતા ગેરકાયદેસર ધંધો કરનારાઓએ કોઈને શક ના પડે તે માટે વોટર ટેન્કરનો બાયો ડિઝલ માટે ઉપયોગ કર્યો હતો. કરચલીયા પરામાં સિન્ટેક્સના પાણીના ટાંકામાં બાયો ડિઝલનો જથ્થો રાખી તેમાં પમ્પિંગ માટે મોટર સહિતનું રાખી વોટર ટેન્કરમાં ઠાલવવામાં આવતું હતું અને જેને જરૂર હોય તેને પાણીના ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવતું હતું.

અન્ય સમાચારો પણ છે...