ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજેરોજ સ્ટેન્ડીંગ કમિટી મીટીંગ રૂમ ખાતે કમિટીના ચેરમેન ધિરૂ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કુલ 51 જેટલા ઠરાવો રજુ કરવામાં આવ્યાં હતા અને 2 અગત્યના ઠરાવો અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યાં હતા. તેમાંથી તમામ ઠારવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં હતા.
શહેરના જુદા-જુદા વોર્ડ 26 કામો મંજૂર
શહેરના જુદા જુદા વોર્ડ ખાતે રોડના કામોને બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ક.પરા, ઘોઘા રોડ, ઉ.સરદારનગર, ઘોઘા સર્કલ, પાણીની ટાંકી, કળિયાબીડ, વડવા અ વોર્ડ, દ.સરદારનગર, પીરછલ્લા વોર્ડ, વડવા બ વોર્ડ, કુંભારવાડા વોર્ડમાં આર.સી.સી રોડ, પેવીંગ બ્લોક, રિકાર્પેટિંગનું કામ સહિતના કુલ 19.72 કરોડના 26 કામોને મંજૂર કરવામાં આવ્યાં હતા.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી 2 મહત્વનાં નિર્ણયો
સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી 2 મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યાં હતા, જેમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં મહેકમમાં હાલ 76 જગ્યા મંજૂર થયેલ છે. તેની બદલે હવે 242 જગ્યા મંજૂર કરેલ છે. જયારે પશુ ત્રાસ વિભાગમાં હાલ 1 જગ્યા હતી તેની સામે 61 જગ્યા મંજૂર કરવામાં આવી છે.
પશુત્રાસ માંથી મુક્તિ મળે તે માટે મહત્વનો નિર્ણય
પશુ ત્રાસ વિભાગનું નવું સેટઅપ મંજૂર કરેલ છે. જેમાં માત્ર એક જ જગ્યા હતી, તેની સામે 61 નવી જગ્યા ભરતી કરવામાં આવશે, જેથી 60 ગણું વધુ સેટઅપ કરેલ છે. જેથી આવનારા દિવસોમાં તે જગ્યાઓએ ભરતી કરીને પશુ ત્રાસ નિયંત્રિત કરવાની દિશામાં આ મહત્વનો નિર્ણય કરેલ છે. જેથી કરીને આવનારા દિવસોમાં ભાવનગર વાસીઓને પશુઓના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે મહત્વનો નિર્ણય અધ્યક્ષ સ્થાને થી કરવામાં આવ્યો છે.
ભરતી બઢતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર
ઓડીટ વિભાગના ટેકનીકલ સ્ટાફ જે-તે કામોની વિઝીટ કરવા જાય ત્યારે તેની સાથે સેક્રેટરી વિભાગે સી.ક્લાર્કમાં ભરતી થયેલા 3 કર્મચારી જે એન્જીનીયરો છે તેમને પણ વિઝીટ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ મોટા પ્રોજેક્ટોમાં પણ વિઝીટ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. એડીશનલ સીટી એન્જીનીયર તથા સીટી એન્જીનીયરના પરિશિષ્ટમાં સુધારો કરી પગારમાં વધારો કરવામાં આવ્યો, તેમજ બોર્ડ એન્ડ કમિટી વિભાગ અને ઓડીટ વિભાગમાં ભરતી બઢતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.