શિક્ષણ:જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની 502 જગ્યાઓ ખાલી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર
  • ભાવનગરમાં ધો.1થી ધો.5ની શાળાઓમાં 183 અને ધો.6થી ધો.8ની શાળાઓમાં 319 જગ્યાઓ ભરવામાં આવી નથી

શિક્ષકોના અભાવના કારણે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા કથળી રહી છે ત્યારે રાજ્યમાં એક તરફ શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાતા હોય છે ત્યારે બીજી બાજુ પૂરતા શિક્ષકો નથી. રાજ્યની 700 પ્રાથમિક શાળાઓ ફક્ત એક જ શિક્ષકના ભરોસે છે. રાજ્યની વિધાનસભામાં ચાલી રહેલા ગત માર્ચમાં બજેટ સત્રમાં પૂછાયેલા સવાલના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 700 પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક છે. ભાવનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 502 જેટલા શિક્ષકોની ઘટ છે.

ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં હાલ લોઅર પ્રાયમરી એટલે કે ધો.1થી ધો.5ની સરકારી શાળાઓમાં 183 શિક્ષકોની ઘટ છે જ્યારે હાયર પ્રાયમરી એટલે કે ધો.6થી ધો.8માં 319 શિક્ષકોની જગ્યા ખાલી છે.

આમ, ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની 940 જેટલી પ્રાથમિક શાળાઓમાં સરકારની ભરતીના અભાવે એકાદ વર્ષથી 502 જગ્યાઓ ખાલી પડેલી છે. જેનાથી શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર જોવા મળી રહી છે. ખાઇ તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયમાં શિક્ષકોની ઘટને લીધે વિદ્યાર્થીઓ આગળ જતા આ વિષયોમાં નબળા રહી જાય છે. જેની અસર ધો.10 અને ધો.12ના પરિણામ પર પડે છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં ગત ઓક્ટોબર માસમાં અંતે પ્રાથમિકના શિક્ષક નિવૃત્ત થયા હોવાને કારણે તેમની જગ્યા પણ ખાલી પડી છે. એકબાજુ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની અછત પ્રવર્તી રહી છે ત્યારે બીજી બાજુ શિક્ષક નિવૃત્ત થતા અનેક શાળાઓમાં પણ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે.

ત્યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત હોવાની સીધી અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે લાયક ઉમેદવારની નિમણૂક કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. ખાલી જગ્યાઓ ભરવામાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ તત્કાલ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...