સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનનો ભંગ:650 પૈકી 500 સ્પીડ બ્રેકરો ગેરકાયદે, ભાવનગર શહેરના ગત વર્ષે 118 બમ્પ પર બુલડોઝર ફેરવ્યા બાદ પુનઃ ઠેર ઠેર બમ્પ ખડકાયા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવનગર બન્યુ બમ્પ નગર - Divya Bhaskar
ભાવનગર બન્યુ બમ્પ નગર
  • સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ઠેર ઠેર અકસ્માતો સર્જતા બમ્પને તંત્ર હટાવતુ નથી
  • કોર્પોરેશને પણ સાત બમ્પ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનુ ઉલ્લંઘન કરી બનાવ્યા : કારણ રાજકિય દબાણ

રાજકીય ભલામણો અને રહીશોની રજૂઆતથી શહેરમાં રસ્તા પર મન ફાવે ત્યાં બમ્પ મુકવામાં આવતા હતા. જેને કારણે અકસ્માત રોકવાને બદલે અકસ્માતમાં વધારો થતો હતો. અકસ્માત અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે ગાઈડ લાઈન નક્કી કરી અને તે સિવાયના તમામ બૉમ્બ કાઢવા આદેશ આપ્યો. જેથી કોર્પોરેશન દ્વારા શહેરમાંથી 118 બમ્પને બુલડોઝર થી ખોદી કાઢ્યા. તંત્રના દાવા મુજબ હાલમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ દોઢસો બમ્પ છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, આજે પણ સુપ્રીમની ગાઇડ લાઇનની ઐસી તેસી કરી શેરીએ શેરીએ, રસ્તાઓ પર 500થી વધુ બમ્પ ખડકાયેલા છે. કુલ 650 પૈકી 77 ટકા બમ્પ ગેરકાયદેસર છે.

રોડ પર આડેધડ બમ્પ મૂકવાને કારણે વારંવાર વાહન અકસ્માતો સર્જાતા હોય છે જેથી અકસ્માત નિવારવા માટે સુપ્રીમ કોર્ટ રોડ સેફટી કમિટી દ્વારા ગાઈડ લાઈન અમલમાં મુકવામાં આવી છે. ગત 31મી માર્ચ 2021ની સુપ્રીમ ની ગાઈડલાઈન વિરુદ્ધના બમ્પ હટાવવા માટે અંતિમ તારીખ આપવામાં આવી હતી. જેથી ભાવનગર કોર્પોરેશનના રોડ વિભાગ દ્વારા શહેરમાં આડેધડ કરેલા 118 જેટલા બમ્પ એક વર્ષ પહેલા જ કાઢી નાખવામાં આવ્યા હતા. જોકે, સુપ્રીમની ગાઈડલાઈન વિરુદ્ધ આજે પણ અનેક સ્થળો પર બમ્પ હયાત છે. કોર્પોરેશન દ્વારા સર્વે કરાવી ખુદ કોર્પોરેશન દ્વારા જ બનાવેલા ગેરકાયદેસર બમ્પ દૂર કરવામાં આવ્યા હતા.

પરંતુ ઘણા સ્થળો પર બમ્પ હટાવવા માટે તંત્રના હાથ પણ ટૂંકા પડતા હોય છે. જેથી રાજકીય ભલામણોને વશ ગેરકાયદેસર બમ્પ સામે તંત્ર નજરઅંદાજ કરતા હોય છે. સુપ્રીમની ગાઈડલાઈન અનુસાર હાલમાં અંદાજિત 150થી વધુ બમ્પ છે. તેમાં પણ બનાવતા સમયે લગાવેલા સફેદ પટ્ટા ભુસાઈ ગયા છે. સફેદ પટ્ટા નહીં દેખાવાને કારણે વાહન અકસ્માત થાય છે.નગર સેવકો દ્વારા મન ફાવે ત્યાં બંપ મુકવા ભલામણ કરવામાં આવતી હતી જેને કારણે તંત્રને પણ મુશ્કેલી પડતી હતી. જેથી વર્ષ 2013માં બમ્પ મૂકવા માટે જનરલ બોર્ડ દ્વારા ગાઈડ લાઈન મંજૂર કરવામાં આવી હતી તે પ્રમાણે બંપ મુકવામાં આવતા હતા.

પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન નક્કી થઈ જેથી જનરલ બોર્ડે નક્કી કરેલી ગાઈડલાઈન અનુસારના તમામ બમ્પ કાઢી નાખવામાં આવ્યા હતા.કોર્પોરેશન દ્વારા નિયમ અનુસાર રોડમાં બમ્પ બનાવી ના આપે તો અનેક સ્થળો પર ખાંચા ગલીમાં સોસાયટીઓ અને રહીશો દ્વારા જાતે જ બનાવેલા છે. અને તે બમ્પ સ્ટાન્ડર્ડ સાઈઝના નહીં હોવાથી અકસ્માતને આમંત્રણ આપે છે. તો ઘણાં સ્થળે બમ્પમાં પણ રાજકારણ રમાય છે. મતદારોને રિઝવવા માટે પ્રજાના પ્રતિનિધિઓ ગેરકાયદેસર બમ્પ માટે મુખ્ય ભૂમિકા ભજવે છે.

સુપ્રીમની ના છતાં મુખ્ય રોડ પર મુકાયેલા બમ્પ
સુપ્રીમ કોર્ટ રોડ સેફ્ટી કમિટીની ગાઈડલાઈન અમલમાં આવ્યેથી શહેરમાં મુખ્ય રોડ ઉપર મૂકવામાં આવેલા બમ્પ પણ કાઢી નાખવામાં આવ્યા હતા. પરંતુ જનરલ બોર્ડ મંજૂર કરાયેલી ગાઇડ લાઇનની છટકબારી સંદર્ભે આજે પણ શહેરના મુખ્ય રોડ ફોર ટ્રેક પર 4 સ્થળો પર 7 બમ્પ યથાવત રાખ્યા છે. વાઘાવાડી રોડ અક્ષર વાડી પાસે, હિમાલયા મોલ ઇસ્કોન મેગા સિટી પાસે, રસાલા ગુરૂદ્વારા સામે અને યુનિવર્સિટી ગેટ સામે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને અવગણીને બમ્પ રાખવામાં આવ્યા છે.

શું છે સુપ્રીમની ગાઈડ લાઈન?
બમ્પને કારણે થતા અકસ્માત રોકવા માટે સુપ્રીમ કોર્ટ રોડ સેફટી કમિટી ની ગાઈડલાઈન મુજબ જે સ્થળે મુખ્ય રોડ સાથે નાના રોડનું જોડાણ થતું હોય તેવા સ્થળે નાના રોડ પર મુખ્ય રોડથી 10 થી 15 મીટર ના અંતરે બમ્પ મૂકી શકાય છે. પરંતુ મુખ્ય રોડ પર બમ્પ મૂકી શકાય નહીં.

કોઈ જગ્યાએ મોટા ટેકરા તો કોઈ છીછરા
રોડ પર બનાવવામાં આવતા બમ્પ તમે ગમે તે સાઇઝના નથી બનાવવાના હોતા. આઈ.આર.સી. સ્ટાન્ડર્ડ સાઈઝ નક્કી કરવામાં આવી છે અને તે મુજબ જ વિભાગો દ્વારા બમ્પ બનાવવાના હોય છે. બમ્પની સ્ટાન્ડર્ડ સાઇઝ 3 મીટર પહોળા અને 10 સેન્ટીમીટર ઊંચાઈના હોવા જરૂરી છે. પરંતુ શહેરમાં અનેક જગ્યાએ સ્થાનિક રહીશો અને રાજકીય આગેવાનોની મનમાની મુજબ ઊંચાઈ અને પહોળાઈ પ્રમાણે બમ્પ બનાવવામાં આવે છે.

બમ્પ ક્યાં ક્યાં મુકવા તે માટે પોલીસનું સુચન લેવામાં આવે છે
અકસ્માતોનુ પ્રમાણ દિન પ્રતિદિન વધતુ જાય છે ત્યારે શહેરમાં બમ્પ મુકવામાં આવે છે અને આ માટે તંત્રો વચ્ચે બેઠક યોજાય છે. માર્ગ મકાન વિભાગ અને રોડ સેફ્ટીની મીટિંગમાં માર્ગો પર બમ્પ મુકવા માટે તથા રેડિયમ લાઈટ અને ટ્રાફિક સાઈન ક્યાં-ક્યાં મુકી શકાય તે માટે પોલીસ વિભાગનું સુચન લેવામાં આવે છે. અંતિમ નિર્ણય જે-તે ઓથોરિટી કરે છે. - ડી.ડી.ચૌધરી, DySP-હેડક્વાટર

અરજી બાદ સુપ્રીમની ગાઈડ લાઈન પ્રમાણે બમ્પ બનાવાઈ
ભાવનગર શહેરમાં પહેલા કોર્પોરેશનના સાધારણ સભાએ મંજુર કરેલા નિયમો પ્રમાણે બમ્પ બનાવાતા હતાં પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયત કરેલ ગાઈડ લાઈન મુજબ જ બમ્પ બનાવાય છે. બમ્પ માટે અરજીઓ આવ્યા બાદ સ્થળ તપાસ કરી ગાઈડ લાઈન અનુસાર બનાવી અપાય છે. - રવીરાજભાઈ લિંબોલા, ઈ.કા.પા.ઇ.રોડ વિભાગ

અન્ય સમાચારો પણ છે...