ડબલ સિઝનનો પ્રભાવ:ફેફસાં ફુલાવી દેતી સૂકી ખાંસીના કેસમાં 50 ટકાનો થયેલો વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સવારે ઠંડક અને બપોરે ગરમીની ડબલ સિઝન અને દિવાળીમાં થતી સાફ સફાઇને કારણે છેલ્લાં 15 દિવસમાં શહેરમાં ફેફસાં ફુલાવી દેતી સૂકી ખાંસીના રોગમાં 40થી 50 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં સૌથી વધુ સૂકી ખાંસીની તકલીફ જોવા મળી રહી છે.

સિનિયર ચેસ્ટ ફિઝિશિયન ડો. નરેન્દ્ર રાવલ જણાવે છે કે, ડબલ સિઝનના કારણે વ્યક્તિના ફેફસાં પર સીધી અસર થતી હોય છે. તેમાંય હાલમાં દરેક ઘરમાં થતી દિવાળીની સાફ સફાઇને કારણે ઉડતી ધૂળના રજકણોને લીધે ફેફસા ફુલાવી દેતી સૂકી ખાંસીની તકલીફમાં અંદાજે 50 ટકા વધારો થયો છે. બાળકો અને મહિલા ઉપરાંત જે લોકો એલર્જી હોય તેવા લોકોમાં ખાંસીની તકલીફ વધુ જોવા મળી રહી છે.

સિનિયર પિડિયાટ્રિશિયન ડો. નિશ્ચલ ભટ્ટ જણાવે છે કે, વાયરલ ઇન્ફેક્શન અને જૂની એલર્જીને લીધે બાળકોમાં સૂકી ખાંસીની તકલીફ વધી છે. હોસ્પિટલમાં શરદી-ખાંસીની તપાસ માટે આવતાં 10માંથી 6 બાળકો ખાંસીની ફરિયાદ સાથે સારવાર માટે આવે છે. વાઈરલ ઇન્ફેક્શનથી થતી ખાંસીમાં બાળકને શરૂઆત શરદી અને તાવથી થાય તેમજ શરદી અને તાવ મટી ગયા બાદ બાળકને અતિશય સૂકી ખાંસી આવે છે. દવા આપવા છતાં પણ ખાંસી મટતી ન હોવાથી માતા-પિતા પણ પરેશાન જોવા મળે છે. આ ખાંસી બંધ કરવાની ચોક્કસ કોઇ દવા ન હોવાથી ઘરગથ્થુ ઇલાજ કરવાની સલાહ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...