તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:કોર્પોરેશનમાં સમાવેશ થયાને 6 વર્ષે જિલ્લા પંચાયતની 12 શાળાના 4500 વિદ્યાર્થીઓ દહીં દૂધમાં

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળા સોંપવા 5 વર્ષે જિલ્લા પંચાયતએ ઠરાવ કર્યો અને 5 મહિનાથી કોર્પો. ઠરાવને ટલ્લે ચડાવે છે

ભાવનગર મહાનગરપાલિકાની હદમાં વર્ષ 2015માં નજીકના પાંચ ગામો ભળ્યા બાદ કોર્પોરેશને રસ્તા આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી સહિતનું તો સ્વીકારી લીધું પરંતુ હજુ સુધી કોર્પોરેશનની હદમાં આવતી 12 પ્રાથમિક શાળાઓ જિલ્લા પંચાયત હસ્તક જ છે. કોર્પોરેશને સંભાળી લેવા માટે જિલ્લા પંચાયતે પાંચ મહિના પૂર્વે ઠરાવ પણ કરી નાખ્યો છે છતાં હજુ સુધી કોર્પોરેશને કોઈ કાર્યવાહી કરી નથી. જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ બે તંત્ર વચ્ચે અટવાઈ રહ્યા છે. મહાનગરપાલિકાની હદ વિસ્તારવા વર્ષ 2015માં પાંચ ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ એકમાત્ર પ્રાથમિક શિક્ષણ જિલ્લા પંચાયત અને કોર્પોરેશન વચ્ચે ટલ્લે ચડયું હતું.

કોર્પોરેશનમાં પાંચ ગામનો સમાવેશ થયા બાદ જિલ્લા પંચાયતની 12 શાળાઓ પણ કોર્પોરેશનની હદમાં આવતી હતી. વર્ષ 2015 થી 2020 સુધી જિલ્લા પંચાયત પણ કોર્પોરેશનની હદમાં આવતી શાળાઓને સાચવીને બેઠી હતી. કોર્પોરેશનની હદમાં આવતી 12 શાળાઓનો વહીવટ પાંચ વર્ષ સુધી જિલ્લા પંચાયત હસ્તક જ રહ્યો.

ત્યારબાદ ગત ડિસેમ્બર 2020 માં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં આ 12 શાળાઓને કોર્પોરેશનને સોંપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. અને ઠરાવ કરીને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલી આપ્યો હતો. પરંતુ કોર્પોરેશનની શિક્ષણ સમિતિને પણ જાણે 12 શાળાઓ સંભાળવામાં રસ ન હોય તેમ ડિસેમ્બરમાં જિલ્લા પંચાયતે ઠરાવ કરી મોકલ્યા બાદ હજુ સુધી શાળાઓને સ્વીકારવાની કોઈ કાર્યવાહી કરી નથી.

શિક્ષણ સમિતિમાં ઠરાવ કરી કોર્પોરેશનમાં મોકલાશે
કોર્પોરેશનની હદમાં આવતી જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓને શિક્ષણ સમિતિને સોપવા માટેનો જિલ્લા પંચાયતમાં ઠરાવ થઈ ચૂક્યો છે. આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઠરાવ કરી કોર્પો.માં મોકલાશે.> યોગેશ ભટ્ટ, શાસનાધિકારી

​​​​​​​શાળા નહીં સ્વીકારતા કોર્પોરેશનના વેરાની નોટીસ
કોર્પોરેશનની હદમાં આવતી કોર્પોરેશને નહીં સ્વીકારેલી જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓના બિલ્ડીંગો હજુ જિલ્લા પંચાયત હસ્તક જ બોલે છે. જિલ્લા પંચાયતે તો ઠરાવ કરી નાખ્યો પરંતુ કોર્પોરેશને નહીં સંભાળતા ખુદ કોર્પોરેશનના વાકે જ પ્રાથમિક શાળાની આ12 બિલ્ડિંગોને ઘરવેરાની નોટિસો જાય છે. અને જિલ્લા પંચાયતનું શિક્ષણ વિભાગ પત્ર લખી સરકારી બિલ્ડીંગ હોવાનું જણાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...