મહામારી બાદ મુશ્કેલી:કોરોનાની સહાય માટે ધસારો કોર્પોરેશનમાં 7 દિવસમાં 420 અરજી

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલમાંથી સર્ટિફિકેટ માટે લોકોને હાડમારી
 • શહેરમાં કોરોનાના અનેક દર્દીઓ ઘરે જ મૃત્યુ પામ્યા હતા
 • કોરોનાના મૃતકોને સહાયની અરજી માટેની સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચી નથી

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પચાસ હજારની આર્થિક સહાય આપવાનો સરકારે નિર્ણય કરી હાલમાં તે અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે.

ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાના પરિવારજનો આર્થિક સહાય મેળવવા ધસારો થયો છે. અને અરજી લેવાનું શરૂ થયું ત્યાંથી આજ સુધીમાં સાત દિવસમાં જ 420 અરજીઓ આવી છે.\n કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને 50 હજારની આર્થિક સહાય તો સરકારે જાહેર કરી પરંતુ હજુ લોકો સુધી સંપૂર્ણ માહિતી પહોંચતી નથી જેથી લોકોને હાડમારી પણ ભોગવવી પડે છે. સાથોસાથ સહાય મેળવવાના ફોર્મ સાથે જોડવાના પુરાવામાં પણ હોસ્પિટલનું સર્ટિફિકેટ મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. અધુરા પુરાવાએ સહાય માટેની અરજી પણ નામંજૂર થવાની પુરી શક્યતા છે. અનેક લોકો તો કોરોનામાં સપડાયા બાદ ઘરે જ મૃત્યુ પામ્યા હતાં. જેથી હોસ્પિટલના સર્ટિફિકેટ માટે મુશ્કેલી પડે છે આવી પરિસ્થિતિમાં મૃતકના પરિવારને વહેલી સહાય મળી રહે તે માટે સરળતા કરવી પણ આવશ્યક છે. કોરોનાની સહાય માટેની અરજી સ્વીકારવાનું ગત તા. 17 થી શરૂ થયું હતું. અને જાહેર રજાના દિવસો બાદ કરતાં સાત દિવસમાં અાજ સુધી 420 અરજી કોર્પોરેશનના જન્મ મરણ નોંધણી રજીસ્ટાર પાસે આવી છે.

ગુજરાતના સુરત, અમદાવાદ કે અન્ય શહેરો કે છેક મુંબઇથી ભાવનગર સારવાર માટે આવ્યા હતા આવા દર્દીઓનું જ્યાં મૃત્યુ થયું હોય, જ્યાંનો મરણ દાખલો હોય ત્યાંથી જ ફોર્મ ભરી શકાશે. ગ્રામ્ય વિસ્તારમાં મરણ પામનાર માટે જન્મ મરણ અધિકારી એટલે તલાટી પાસેથી તથા પીએચસી પરથી ફોર્મ મેળવી શકશે, જ્યારે શહેરી વિસ્તારમાં કોરોનામાં મૃત્યુ પામનાર માટેના ફોર્મ અર્બન હેલ્થ સેન્ટર અને ઝોન ઓફિસમાંથી ફોર્મ મળી શકશે. તેમજ નગર પાલિકા વિસ્તારમાં મૃત્યુ પામનાર માટે જન સેવા કેન્દ્રમાંથી ફોર્મ મેળવી શકશે.

ફોર્મ સાથે શુ જરૂરી છે

 • પરિશિષ્ટ - 1 નું ફોર્મ
 • મરણનું પ્રમાણપત્ર
 • હોસ્પિટલનું સર્ટિફિકેટ (કોવિડ-19)
 • મૃતકના આધારકાર્ડની પ્રમાણિત નકલ
 • વારસદારના આધારકાર્ડની પ્રમાણિત નકલ
 • રેશનકાર્ડની પ્રમાણિત નકલ
 • વારસદારના બેન્ક પાસબુકની પ્રમાણિત નકલ
અન્ય સમાચારો પણ છે...