રવિવારે ચૂંટણી:જિલ્લામાં 244 ગ્રામ પંચાયત માટે 4142 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજ સાંજથી પ્રચાર કાર્ય બંધ થશે
  • સામાન્ય, પેટા, મધ્યસત્ર ચૂંટણી જીતવા હવે ઉમેદવારો ઘરે ઘરે જઇને મતદારોને રિઝવશે

ભાવનગર જિલ્લામાં આગામી તા.19 ડિસેમ્બર રવિવારે યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીને આડે હવે માત્ર બે દિવસ જ રહયાં છે આ ચૂંટણીમાં આચાર સંહિતાના પગલે આજે શુક્રવારે સાંજે જાહેરમાં ચૂંટણી પ્રચાર પણ પુરો થશે.વહીવટી તંત્ર દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાય છે.ખાસ તો અંતિમ દિવસોમાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો હતો.

ચૂંટણી જીતવા સરપંચ તેમજ વોર્ડ સભ્ય ઉમેદવારો છેલ્લા દિવસોમાં ઘરે ઘરે ફરી રહયાં છે.હવે રવિવારે ભાવનગર જિલ્લામાં સામાન્ય,પેટા,મધ્યસત્ર ચૂંટણી જીતવા સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.244 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4142 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં રહયાં છે.

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 70 ગ્રામ પંચાયત બિનહરિફ થઇ છે.જયારે 244 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં થશે.જેમાં 222 સામાન્ય ગ્રામ પંચાયત,20 ગામમાં પેટા ચૂંટણી અને 3 ગામમાં મધ્યસત્ર ચૂંટણી થશે.જિલ્લામાં આશરે 4142 ઉમેદવારો ચૂંટણી લડી રહયાં છે.જેમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4044 ઉમેદવારો મેદાનમાં છે.

સરપંચ પદના 585 અને વોર્ડ સભ્ય પદના 3459 ઉમેદવારોનો સમાવેશ થાય છે.પેટા ચૂંટણીમાં 51 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે જેમાં સરપંચ પદના 45 અને વોર્ડ સભ્ય પદના 6 ઉમેદવારનો સમાવેશ થાય છે.જયારે મધ્યસત્ર ચૂંટણીમાં 47 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ રહેશે જેમાં સરપંચ પદના 7 અને વોર્ડ સભ્ય પદના 40 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ચૂંટણીમાં ઉમેદવારને જીતાડવા રાજકીય પક્ષો સક્રિય
ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષના ચિન્હ પર લડાતી નથી છતાં પણ રાજકીય પક્ષના આગેવાનો-કાર્યકરો ચૂંટણીમાં સક્રિય જોવા મળી રહયાં છે અને જે તે ઉમેદવાર માટે પ્રચાર કરતા જોવા મળે છે.ગામડાઓમાં ખાટલા બેઠકો શરૂ છે.વાડી ખેતરોમાં ચૂંટણીની બેઠક સાથે રાત્રીના ખાણી પીણીની મોજ જામી છે.ગામડાઓમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ચૂંટણી રસાકસીવાળી બની રહેશે તે ચોકકસ છે હવે કયાં ઉમેદવારોને મતદારો ચૂંટણી જીતાડે છે તે રવિવારે મતદાન થયા બાદ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...