સમસ્યા:શહેરમાં 40000 સ્ટ્રીટ ડોગ, 10000નું ખસીકરણ, છેલ્લા 8 મહિનામાં ડોગ બાઈટના 5000થી વધુ બનેલા બનાવો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈ મહિનામાં કોન્ટ્રાક્ટ પુરો થયા બાદ નવો કોન્ટ્રાક્ટ અપાયો જ નથી !!
  • રાત્રે ચોકમાં અને મહોલ્લામાં એકત્ર થતા કુતરાઓના ભયથી વૃદ્ધો અને બાળકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી

ભાવનગરમાં છેલ્લા આઠ મહિનામાં કુતરા કરડવાના 2500થી વધુ બનાવો સરકારી ચોપડે નોંધાયેલ છે. આ ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં પણ આટલા જ બનાવો નોંધાયેલ છે. આમ 5000થી વધુ બોલો ‘ડોગબાઈટ’નો ભોગ બન્યા છે. ભાવનગર શહેરમાં અંદાજે 30થી40 હજાર સ્ટ્રીટ ડોગ છે. જેમાંથી 10,000નું ખસીકરણ કર્યું હોવાનો તંત્ર દાવો કરે છે. આ માટેનું ટેન્ડર જુલાઈ મહિનામાં પૂર્ણ થયેલ છે. નવું ટેન્ડર હજી બે મહિનાથી પ્રક્રિયામાં જ છે. સ્ટીટ ડોગને કારણે વૃદ્ધો અને બાળકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ફફડે છે.

ભાવનગરમાં કુતરાઓનો ત્રાસ યથાવત છે. જેને કારણે લોકોને બહાર શેરીમાં નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. ભાવનગરમાં અંદાજે રોજના 10 જેટલા કુતરા કરડવાના કેસો નોંધાય છે. જેમાં છેલ્લા 8 મહિનામાં 2500 થી વધુ સરકારે ચોપડે નોંધાયેલ છે અને ખાનગી હોસ્પિટલ તથા ઇમર્જન્સીમાં પણ એટલા જ દર્દીઓને ઈંજેકશન લેવું પડે છે. તંત્ર કુતરાઓનું ખસીકરણ અને રસીકરણ કરી સંતોષ માની લે છે ઉપરાંત જે વિસ્તારમાંથી કૂતરાને લેવાયેલ હોય તેને તે જ વિસ્તારમાં પરત મૂકવામાં આવે છે. જેને કારણે લોકોમાં ભય યથાવત રહે છે.

ભાવનગરમાં અંદાજે 30,000 થી 40,000 જેટલા કુતરાઓ આવેલા છે. જેમાંથી છેલ્લા બે વર્ષમાં 10,000 જેટલા શ્વાનનો ખસીકરણ અને રસીકરણ કરવામાં આવેલ. હવે પછી બહાર પડે ટેન્ડર દ્વારા નર અને માદા બંને શ્વાનનુ ખસીકરણ કરાશે. ભાવનગરમાં કુતરા પકડવા તથા કરડવાના કેસો ઇસ્કોન, કુંભારવાડા, રૂવા રોડ, સ્મશાન પાસે, બંદર રોડ જેવી વગેરે જગ્યાઓથી વધારે પ્રમાણમાં લોકો કુતરાઓથી હેરાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ જે શ્વાનને જ્યાંથી લીધો હોય તે જ વિસ્તારમાં ફરી પરત મૂકવો. અને શહેર બહાર મૂકવા જતા નથી. માત્ર ખસીકરણના આધારે વસ્તી નિયંત્રણ કરવાનું તંત્ર કામ કરે છે.

આ નંબર પર ફોન કરવાથી કુતરા પકડવાનું કામ થશે
કોઈપણ વિસ્તારમાં કુતરા કરડવાના કે હેરાન કરવાના બનાવ હોય તો 9726192119 નંબર પર સંપર્ક કરવાથી તે વિસ્તારમાં કુતરા પકડવાની ટીમ પહોંચે છે. જેમાં ફરિયાદ કરનારે વ્હોટએપ પર પોતાનું નામ, સરનામું,મોબાઈલ નંબર અને ફરિયાદ મેસેજ કરવાની રહેશે. જે પરથી સવારે 8.30 કલાકે કુતરા પકડવાની ગાડી જે તે વિસ્તારમાં પહોંચી જશે.

કુતરાનું વસ્તી નિયંત્રણ કરવા માટે ઝુંબેશ ચાલે છે
કુતરા કરડવાના બનાવો બને છે. જે રોકવા કુતરાનું વસ્તિ નિયંત્રણ કરવા માટેની ઝુંબેશ ચાલે છે. એટલે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુતરાના ખસીકરણનો કોન્ટ્રાક્ટ અપાયો છે. - આર.કે. સિંહા, આરોગ્ય અધિકારી ભાવનગર

ફોન કરે એટલે તરત કુતરા પકડવા મોકલાય છે
મહાનગરપાલિકા દ્વારા અમને કોન્ટ્રાક્ટ મળેલ છે અને જ્યારે કોઈ ફોન આવે ત્યારે તરત અમારી ટીમ તે વિસ્તારમાં જઈ કુતરાને પકડે છે. - વિશ્વજીતસિંહ ગોહિલ, કોન્ટ્રાકટ મેનેજર

અન્ય સમાચારો પણ છે...