તપાસ:JICમાં 4 વિદેશી બંદીએ ઝપાઝપી કરતાં 2 જવાન ઘવાયા; 2 બાંગલાદેશીએ ઝેર પીધું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવારની રજૂઆત છતાં વતન જવાની મંજુરી ન મળતા હતાશામાં ઘર્ષણ કર્યું; બે દિવસમાં બે ઘટના

સરહદી જિલ્લા મથક ભુજના સંયુક્ત પુછપરછ કેન્દ્ર (જેઆઇસી)માં બાંગલાદેશી અને પાકિસ્તાની બંદીઓએ રવિવારે બોર્ડરવીંગ હોમગાર્ડના જવાનો સાથે ઝપાઝપી કરી હતી. જેના બીજા દિવસે સોમવારે ડિપોર્ટ નહીં થવાથી હતાશ બે બાંગલાદેશી યુવકોએ જેઆઇસીમાં જ ઝેર પી લીધું હતું. એક મહિલાની તબીયત લથડી હતી. ત્રણેયને જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા બાંગલાદેશી-પાકિસ્તાની કેદીઓ લાબાં સમયથી વતને જવાની (ડિપોર્ટેશન)ની પરવાનગી નહીં આવતાં અહીં તૈનાત બોર્ડર વીંગ હોમગાર્ડ અને પોલીસ સાથે ઝપાઝપી કરી રહ્યા છે.

એકલા થયેલા આ વિદેશીઓએ રવિવારે વહેલી પરોઢે પોણા પાંચ વાગ્યે જવાનો સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. અને ઝપાઝપી કરીને બે બોર્ડરવીંગના સીપાઇઓને ઇજા પહોંચાડી હતી. આ મામલે બોર્ડરવીંગના સીપાઇ વનરાજસિંહ વેસલજી જાડેજાએ બાંગલાદેશી કેદી મુરસલીમ મોસીયાર શેખ, અને સાગર રીઝાઉલ્લ તેમજ પાકિસ્તાની કેદી મહમદ શરીફ ઉર્ફે અબ્દુલ્લો નૂરમહમદ તથા મહમદ ઇશાક ઉર્ફે મુલ્લો જમીલ હુશેન વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ચારે કેદીઓને મહિલા રૂમ તરફ જવાની ના કહેતા કેદીઓએ ઝપાઝપી કરીને ફરિયાદી અને સાથી બોર્ડરવીંગના સીપાઇ નીમસિંહ ખેતસિંહ સોઢાને ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાવાતાં જેઆઇસીમાં રહેલા સબીરહુશેન અહમદ અમીરહુશેન (ઉ.વ.21) અને નૂરહુશેન અયુબ ખાન (ઉ.વ.24) નામના બે કેદીઓએ ઝેર પી લેતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ આ ઝપાઝપી દરમિયાન એક મહિલાની ગભરામણથી તબીયત લથડતાં તેણીને પણ સારવાર માટે જી.કે.માં દાખલ કરાઇ હતી.

ડિપોર્ટેશન પ્રક્રિયા મુદ્દે સરકારમાં કાર્યવાહી જારી
સજાની મુદ્દત સંભવત પૂરી થઇ જતા છૂટકારાની રાહ જોતા આ વિદેશી બંદીવાનો વારંવાર રજૂઆત કરતા હતા. કેન્દ્ર સરકારના વિદેશી અને ગૃહ મંત્રાલયમાં તેની કાર્યવાહી ચાલી રહી છે. જોકે, આ મુદ્દે કેટલાક બાંગ્લાદેશી-પાકિસ્તાની કેદીઓને અસંતોષ હોવાથી તેઓએ રવિવારે ઉગ્રતા ધારણ કરી હતી અને જવાનો સાથે હાથાપાઇ પર ઉતરી આવ્યા હતા. આ વિશે ગુન્હો નોંધાતા આ બંદીઓ વધુ ઉગ્ર બન્યા હતા અને તેમાંથી બે જણે ઝેરી દવા પી લેતાં તેને તાત્કાલિક જી.કે. હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક મહિલા કેદીની તબીયત બગડતા તેને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવી છે. > સૌરભસિંઘ, એસપી

અન્ય સમાચારો પણ છે...