ગમખ્વાર અકસ્માત:હરિયાણાથી આરોપીને પકડીને ભાવનગર આવી રહેલા પોલીસકર્મીઓને અકસ્માત નડ્યો, ચાર જવાનો શહીદ થયા

ભાવનગર6 મહિનો પહેલા
ઝાડ સાથે કાર અથડાઈ હતી
  • જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર અકસ્માત થયો
  • 4 પોલીસકર્મીના મૃતદેહ હવાઇ માર્ગે ભાવનગર લવાશે
  • ગુજરાત પોલીસમાં શોકનો માહોલ

જયુપર જિલ્લાના શાહપુરામાં ભાબરુ નજીક રાત્રે 2 વાગ્યાની આસપાસ ઝાડ સાથે કાર અથડાતાં ભાવનગરના ચાર પોલીસ જવાન શહીદ થયા છે જ્યારે એક આરોપીનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગર પોલીસના 4 જવાન હરિયાણાથી આરોપીને લઇને પરત ફરી રહ્યા હતા એ સમયે જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 4 પોલીસ જવાન શહીદ થયાની જાણ થતાં ગુજરાત પોલીસમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.
અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

આરોપીને પકડીને ભાવનગર આવી રહ્યા હતા
પ્રાથમિક વિગતો અનુસાર, ભાવનગર પોલીસના ચાર કર્મચારી શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાન આગવાન અને મનુભાઈ આરોપીને પકડવા માટે હરિયાણા ગયા હતા. હરિયાણાથી આરોપીને પકડીને ચારેય પોલીસકર્મી ભાવનગર પરત ફરી રહ્યા હતા. પોલીસકર્મી જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચ્યા ત્યારે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને ચાર પોલીસ જવાન શહીદ થયા છે.

ઇરફાનભાઇ આગવાન અને શક્તિસિંહ યુવરાજ સિંહ ગોહિલ ભીકડાની ફાઇલ તસવીર
ઇરફાનભાઇ આગવાન અને શક્તિસિંહ યુવરાજ સિંહ ગોહિલ ભીકડાની ફાઇલ તસવીર

ઝાડ સાથે કાર અથડતાં અકસ્માત થયો
અકસ્માતની જાણ થતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો બચાવકાર્ય કરવા માટે ઊભા રહ્યા હતા અને સ્થાનિક પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલૂમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા અને મનુસુખભાઈ બાલધિયાની ફાઈલ તસવીર
ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા અને મનુસુખભાઈ બાલધિયાની ફાઈલ તસવીર

ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
જયપુર પાસે અકસ્માતમાં ભાવનગરના પોલીસકર્મીઓનાં મૃત્યુ અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છેકે, દિલ્હીથી પરત આવી રહેલા, જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસકર્મી તેમજ 1 આરોપી સહિતના લોકોની માર્ગ અકસ્માતની જાણકારી મળી છે એ અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી ઈશ્વરને પ્રાર્થના. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે દિલ્હીથી પરત ફરતી વખતે જયપુર ભાબરુ નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસકર્મી સહિત 5 લોકોનાં મોતની જાણકારી મળી છે. શોકાતુર પરિવારને મારી સંવેદના, ઇશ્વર મૃતકોની આત્માને શાંતિ પ્રદાન કરે.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારના એર બેગ પણ ફાટી ગયા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારના એર બેગ પણ ફાટી ગયા હતા.

ચાર પોલીસ જવાનનાં મોત
1. શક્તિસિંહ યુવરાજ સિંહ ગોહિલ ભીકડા
2. ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા
3. ઇરફાનભાઇ આગવાન
4.મનુસુખભાઈ બાલધિયા

2012 જેવી જ ઘટનાનું 2022માં પુનરાવર્તન
ભાવનગર શહેરના ભરત નગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને ત્રણ કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ જવાનોના જયપુર હાઇવે પર અકસ્માતમાં મૃત્યુ થયા છે. ભાવનગર પોલીસ બેડા સાથે એક દાયકા બાદ ફરી અકસ્માતની દુર્ઘટનાનું પુનરાવર્તન થયું છે. અગાઉ 2012માં એક લૂંટના કેસમાં ભાવનગર એલસીબી વિભાગના 4 જવાનો જેમાં અનિરુદ્ધસિહ નવલસિંહ ચુડાસમા, જેન્તીભાઈ ઉર્ફે જોન્ટી, હિતેન્દ્રસિંહ વાઘેલા અને સમીરભાઈ કોઠારીયા આરોપી ભુપતભાઈ નારણભાઇ આહિરના પુત્રને લઈ તપાસ માટે ખાનગી વાહનમાં ગયેલ તેને વટામણ અને વડોદરા વચ્ચે અકસ્માત થયેલ જેમાં ચારેય પોલીસ જવાનો અને આરોપીના પુત્ર સહિત પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. તેની યાદ ફરી પોલીસ બેડામાં તાજી થવા પામી છે. આમ એક દાયકા બાદ ભાવનગર પોલીસ બેડા સાથે ગોઝારી દુર્ધટનાનુ પુનરાવર્તન થતા પોલીસ બેડામાં, તેમજ મૃત્યુ પામનાર જવાનોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ભાવનગરથી બે પોલીસ ટીમો ઘટના સ્થળે જવા રવાના
જયપુર દિલ્હી હાઇવે પર ભાવનગર શહેરના ભરતનગર પોલીસ ટીમના તપાસમાં ગયેલા જવાનોના વાહનને અકસ્માત થતા ચાર પોલીસ જવાનો સહિત પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયાની ભાવનગર પોલીસને મોડી રાત્રે જાણ થતાં સુરત ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી પીઆઈ જાડેજા સહિત બે ટીમ ઘટના સ્થળે જવા વહેલી સવારે જ રવાના થઈ છે. જેમાં એક ટીમ પોલીસ જવાનોના મૃતદેહ લઈ ભાવનગર આવશે જ્યારે બીજી ટીમ મૃતક આરોપીને લઈ દિલ્હી જશે તેમ જાણવા મળેલ છે.

મુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિક્ષણમંત્રી સહિતનાએ શોક વ્યક્ત કર્યો
ભાવનગર પોલીસ જવાનોની ટીમને જયપુર નજીક નડેલા અકસ્માતમાં ચાર પોલીસ જવાન સહિત પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયાની જાણ થતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી શિક્ષણમંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને મૃત્યુ પામનાર જવાનોના પરિવાર જનોને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી ભાવનગરના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ તમામ જવાનોના મૃતદેહોને હવાઈમાર્ગે ભાવનગર લાવવાની વ્યવસ્થા કરવાની પણ કવાયત હાથ ધરી છે

રાજ્યસભા સાંસદ શક્તિસિંહે પાઠવી શ્રધ્ધાંજલિ
રાજસ્થાનમાં બનેલી આ ઘટનાની જાણ થતાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્‌વીટર ઉપર મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી ગેહલોતને આ અંગે જાણ કરી તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે પણ ટ્‌વીટર પર આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...