નિર્ણય:ધોરણ 1થી 9ના 3.86 લાખ છાત્રોને આજથી ઓનલાઇન શિક્ષણ અપાશે

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 3.01 લાખ વિદ્યાર્થીઓ અને શહેરમાં 50000 છાત્રોને શાળા બંધ

ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે અને ભાવનગરમાં તો આજે શહેર-જિલ્લામાં કુલ 65 પોઝિટિવ કેસ મળ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં હવે નવેસરથી કોરોનાના નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. જે મુજબ હવે ભાવનગર સહિત રાજ્યની ધો.1થી 9ની તમામ કેટેગરીની શાળાઓમાં ઓફલાઇન એટલે કે શાળામાં થતું પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે અને માત્ર ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રહેશે.

આથી ભાવનગર શહેર અને જિલ્લાની ધો.1થી 9ની તમામ શાળાના કુલ 3,86 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે ફરીથી ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ લેવાનો વખત આવી ગયો છે. ભાવનગરના ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું હતુ કે સરકારે લીધેલા નિર્ણય મુજબ ધો.1થી 9ની તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ હવે પુન: ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. આથી વિદ્યાર્થીઓને નવી કોઇ સૂચના ન મળે ત્યાં સુધી શાળામાં આવવાનું નથી.

શિક્ષકોને શાળાએ આવવાનું રહેશે. ભાવનગર જિલ્લામાં ધો.1થી 8માં 931 જેટલી પ્રાથમિક શાળા અને 135 જેટલી અન્ય મળીને કુલ 1065 જેટલી પ્રાથમિક અને ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક અને ખાનગી શાળાના ધો.1થી 8ના 50 હજાર તેમજ ધો.9ના સમગ્ર શહેર અને જિલ્લાના મળીને 35 હજાર જેટલા વિદ્યાર્થીઓ મળીને કુલ 3,86,000 જેટલા વિદ્યાર્થીઓને હવે ઘરે રહીને ઓનલાઇન ભણવાનું ફરી એક વખત શરૂ કરવું પડશે. શહેર અને જિલ્લામાં ખાસ કરીને નાના ગામોમાં રહેતા ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ મેળવવુ઼ અઘરૂ પડે છે. નેટવર્કના પ્રશ્નો કાયમી રહેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...