જાગૃતિ જરૂરી:ભાવનગરમાં રોજના 38 મોત, વર્ષે માત્ર 36 દેહદાન

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં રેડક્રોસને અત્યાર સુધીમાં 965 દેહદાન પ્રાપ્ત : દર વર્ષે 36 દેહદાનની એવરેજ

માનવીનું દેહદાન તેના અવસાન બાદનું શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે. તેની પાછળ અનેક કારણો છે. તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ તેમજ રોગના શોધ-સંશોધન માટે તો દેહદાન આર્શીવાદરૂપ છે જ પરંતુ પર્યાવરણને જાળવણીમાં પણ દેહદાન અત્યંત મદદરૂપ થાય છે. કારણ કે એક સશક્ત વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના અગ્નિદાહ પાછળ સેંકડો કિલો લાકડું રાખ કરી દેવામાં આવે છે.

ગણતરી કરીએ તો એક મોટા શહેરમાં મૃત્યુ પામતા દેહો દર ચાર દિવસે એક હેકટરનાં વૃક્ષોનું હર્યું-ભર્યું જંગલને સાફ કરી પૃથ્વીને દિન-પ્રતિદિન ઉકળતી ભઠ્ઠી બનવા તરફ અનાયાસે મદદરૂપ થાય છે. ભાવનગરમાં દેહદાનની વ્યવસ્થા સંભાળતી રેડક્રોસ સંસ્થાને અત્યાર સુધીમાં 1995થી શરૂ કરીને આજ સુધીમાં કુલ 965 દેહદાન મળ્યાં છે. દર વર્ષે સરેરાશ 35.74 દેહદાન મળે છે જે એકલા ભાવનગર શહેરના દૈનિક મૃત્યુઆંક કરતા પણ ઓછા છે. કારણ કે જિલ્લામાં દૈનિક મૃત્યુદર 38નો છે. તેની સામે વર્ષે 38 દેહદાન પણ નથી મળતા. આ બાબતે જન જાગૃતિ જરૂરી છે.

શિશુવિહાર સંસ્થાના સ્થાપક સ્વ.માનભાઈ ભટ્ટે દેહદાન-ચક્ષુદાનની પ્રવૃત્તિને વિકસાવવામાં અમૂલ્ય ફાળો આજીવન આપ્યો. જેથી શરૂઆતમાં, વર્ષે એકાદ-બે દેહદાન મળતા તેની આજે સરેરાશ ૨૬ દેહદાને પહોંચી છે. સ્વૈચ્છિક રીતે કરાયેલા દેહદાનને સ્વીકારીને તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસાર્થે તથા સંશોધન માટે ગુજરાતભરની એલોપેથીક, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને ફિઝીયોથેરાપીની કોલેજમાં મોકલવામાં આવે છે.

ભાવનગરમાં સૌ પ્રથમ સ્વૈચ્છિક દેહદાનનો વિચાર અમલમાં મૂકનારા ડો.ભરતભાઈ ભીમાણી હતા. અમદાવાદમાં સગાસંબંધીઓનાં પ્રબળ રોષ અને વિરોધને અવગણી, પોતે મક્કમ રહી પોતાના પિતાના દેહનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાન કર્યું અને ભાવનગર આવી પૂ.માનભાઈ ભટ્ટને દેહદાનની અગત્યતા અંગે રજૂઆત કરી, આ સમયે પૂ.માનભાઈ રક્તદાન-ચક્ષુદાનના ક્ષેત્રે તો સક્રિય હતા જ દેહદાન પણ તેમાં ભળ્યું અને આજે આ પ્રવૃત્તિ વિકસીને વટવૃક્ષ સમી બની છે. જો કે આ ક્ષેત્રે આજે પણ જાગૃતિ જરૂરી છે.

ભાવનગર શહેરમાં રેડક્રોસ સોસાયટીના રેડક્રોસ ભવન, દિવાનપરા રોડ, ફોન નં.(0278) 2430700/2424761નો સંપર્ક કરી ચોવીસેય કલાક દેહદાન સ્વીકારવાની વ્યવસ્થા છે તેમ રેડક્રોસના સુમિતભાઇ ઠક્કરે જણાવ્યું હતુ. ચેતન વગરનાં જડ દેહને બાળીને કે દાટીને અંતિમ સંસ્કાર કરવાને બદલે મરણ બાદ પણ અન્યને ઉપયોગી થવા મૃતકનાં શરીરનું દેહદાન કરવું એ એક પ્રશંસનિય અને સ્તુત્ય પ્રવૃત્તિ છે. છતાં કેટલીક ધાર્મિક માન્યતાઓને લીધે લોકો દેહદાન કરતાં થોડા ખચકાય છે. રેડક્રોસને મળતા દેહદાન ચક્ષુદાનને સૌપ્રથમ ભાવનગર મેડિકલ કોલેજને આપવામાં આવે છે.

ભાવનગરમાં સૌ પ્રથમ દેહદાન એક સંતનું મળેલુ
ઈ.સ.1975માં ભાવનગરમાં સૌપ્રથમ દેહદાન મળ્યું સિહોરનાં ઉદાસીન સંતકુટિરના મહંત અને પ્રખર વિદ્વાન પૂ.દર્શનદાસજીનું . ત્યારબાદ તો દેહદાનનો વિચાર સર્વત્ર પ્રસર્યો અને તેની અગત્યતા પણ સમજાવા લાગી તેથી ઉચ્ચ વર્ણ અને સામાજિક પછાત અને ધાર્મિ‌ક માન્યતાને હિ‌સાબે જુદીજુદી વિચારસરણી ધરાવતા મુસ્લિમ સમુદાયમાંથી પણ દેહદાન મળ્યાં છે. ઈ.સ.1995માં શિશુવિહારનાં પૂ.માનભાઈએ ચક્ષુદાન અને અન્ય પ્રવૃત્તિ સાથે દેહદાનની પ્રવૃત્તિ પણ ભાવનગર રેડક્રોસ સોસાયટીને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...