કર વધારો:સ્કૂલ, કલાસીસ, શો-રૂમ, યાર્ડ, હોટલો પર મિલ્કતવેરામાં 300 થી 400 ટકાનો વધારો

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર વધારો નહી આવે તેવી જાહેરાત કર્યા બાદ પાછલા બારણે વધારો ઝીંકી બીલો પણ મોકલાવી દીધા
  • ભાવનગરને ભાંગી નાખવાનો ભાજપનો કારસો

એક તરફ સરકાર કોરોનાની કઠણાઈમાં ઉદ્યોગ ધંધા અને વ્યવસાયને ટકી રાખવા પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બીજી તરફ ભાવનગર કોર્પોરેશન આવી ગંભીર પરિસ્થિતિમાં મદદરૂપ થવાને બદલે હોટલ રેસ્ટોરન્ટ, શાળા-કોલેજો ટ્યુશન ક્લાસીસ સહિતનાને પડ્યા પર પાટુ મારતા હોય તેમ ત્રણથી સાડા ચાર ગણો ટેક્સમાં વધારો ઝીકી દીધો છે. આવા અસહ્ય ટેક્સ વધારાને કારણે કદાચિત આગામી દિવસોમાં અનેક સંસ્થાઓ અને એકમોને તાળા લાગી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

કોર્પોરેશનની આગામી ચૂંટણીને ધ્યાને લઇ પ્રજાને રીઝવવા માટે શાસકોએ આ વર્ષે કોઈપણ જાતનો ટેકસમાં વધારો નહીં કરવાની ખાતરી આપી હતી. પરંતુ પાછલા બારણે નોન ગ્રાન્ટેડ શાળા કોલેજો, હોટલ રેસ્ટોરન્ટ, બ્યુટી પાર્લર, જીમ, માર્કેટયાર્ડની દૂકાન સહિતનાને મસમોટો હાઉસ ટેક્સમાં વધારો ઝીકી દીધો છે. કોર્પોરેશનને મિલકતવેરા સિવાય આવકના અન્ય કોઈ સ્ત્રોત નથી એ વાસ્તવિકતા છે પરંતુ નવા આવકના સ્ત્રોત ઉભા નથી કર્યા તે તંત્ર અને શાસકોની નબળાઈ છે. તેનો ભોગ પ્રજા કે વ્યવસાયકારો બનવા નો જોઈએ. ભાવનગર શહેરમાં 150 જેટલા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોલેજ તેમજ 100 જેટલા ક્લાસીસ છે. આ તમામને આ વર્ષથી ત્રણથી સાડા ચાર ગણો હાઉસ ટેકસમાં વધારો ઝીંકી દીધો છે.

કોરોનાવાયરસ અન્વયે લોકડાઉનને કારણે હાલમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોલેજ અને ક્લાસીસની સ્થિતિ ખુબ જ ખરાબ છે. આ વર્ષે વિદ્યાર્થીઓની ફીમાં તો વધારો કરવાનો નથી પરંતુ બાળકોની ફી પણ આવતી નથી અને આગામી સમયમાં શાળાઓ નિયમિતપણે ક્યારે શરૂ થશે તે પણ અંદાજ માંડવો મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં કોર્પોરેશને શાળા-કોલેજ અને ક્લાસીસ પર હાઉસટેક્સમાં વધારો ઝીકી વધુ માર માર્યો છે. ચોક્કસપણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોલેજ અને ક્લાસીસ આર્થિક ઉપાર્જન માટે જ છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને એક સામટો આટલો વધારો ગેરવ્યાજબી છે.

26800 આવતો ટેક્સ સીધો જ 1.15 લાખ!

કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતનો વિચાર કે સર્વે કર્યા વગર ટેક્સ વધારો ઝીંકી દીધો છે. શહેરના સરિતા સોસાયટી ગઢેચી વડલા પાસે એક મિલકતનો ટેક્સ જે અત્યાર સુધી રૂ. 26,804 આવતો હતો તે આ વર્ષે રૂ.1,15,938 ફટકારવામાં આવ્યો છે. જે સાડા ચાર ગણો વધારો ઝીકાયો છે.

સામાન્ય પ્રજાના ટેક્સમાં વધારો નથી

 મિલ્કત વેરાના નિયમોમાં ફેરફાર અને સુધારા કર્યા છે.સામાન્ય પ્રજા કે કરદાતાઓના કોઈપણ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો નથી. હાલનો વધારો સામાન્ય કરદાતાઓને અસરકર્તા નથી -  મનહરભાઈ મોરી, મેયર

અન્ય સમાચારો પણ છે...