તપાસ:3 શિપથી ઉભા થયા રાષ્ટ્રીય સુરક્ષાના પ્રશ્નો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • અલંગમાં હેરિએટ, સી-ગોલ્ડન, કોરલ જહાજના શંકાસ્પદ આગમન સાથે પ્રશ્નોના વમળ સર્જાયા
  • નકલી દસ્તાવેજો, નંબરમાં ચેડા સહિતની બાબતો અંગે ટોચની એજન્સીઓની તપાસ

સમગ્ર દેશને હચમચાવી નાંખનાર મુંબઇ પર 26મી નવેમ્બર 2008ના રોજ કરવામાં આવેલા ભિષણ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની ત્રાસવાદીઓએ જળમાર્ગનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના બાદદેશની ટોચની એજન્સીઓદ્વારા વારંવાર જળમાર્ગ પર નજીકની નજર રાખવા, ચેકિંગ વધારવાની દિશામાં ટકોર કરવામાં આવે છે. પરંતુ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં તાજેતરમાં ધસી આવેલા 3 જહાજોએ દેશની સુરક્ષા સામેના પ્રશ્નો પુન: ઉપસ્થિત કર્યા છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા અને બહારપાણીએ ઉભેલા હેરિએટ, સી-ગોલ્ડન અને કોરલ જહાજની શંકાસ્પદ બાબતો સાથે રાષ્ટ્રીય સુરક્ષાને સીધી રીતે સાંકળી શકાય છે. હેરિએટ જહાજ દસ્તાવેજ સાથે ચેડાં કરી, નંબર બદલાવીને લાવવામાં આવ્યુ છે, જ્યારે સી-ગોલ્ડન, કોરલ જહાજે પાકિસ્તાનના કરાંચી આઉટર પોર્ટ લિમિટમાં ઇંધણ-પ્રોવિઝન લીધા હતા અને ગુજરાતની જળસીમામાં પ્રવેશતાના 100 માઇલ દૂરથી સંદેશા ઉપકરણો સદંતર બંધ કરી દીધા હતા.

બાદમાં સી-ગોલ્ડન જહાજ પરથી કોરલ શિપના ડોક્યુમેન્ટ મળ્યા હતા. અને આઇએમઓ નંબર બાબતે પણ શંકાઓ ઉભી થઇ હતી.અલંગ શિપબ્રેકિંગ યાર્ડના 38 વર્ષના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા અલંગ-ભાવનગરમાં સતત છ દિવસથી ખોટા આઇએમઓ નંબર અને નકલી દસ્તાવેજોથી લાવવામાં આવતા જહાજો બાબતે કાર્યવાહી ચાલી રહી છે.

નકલી દસ્તાવેજો, નકલી નંબરો સાથે આવતા જહાજો, સંદેશા વ્યવહારના સાધનો બંધ કરીને આવતા જહાજો અલંગ સુધી ઘુસાડી આપવા સલામત રસ્તો પ્રદાન કરી આપનારા લોકો સામે પણ તપાસ થવી જરૂરી છે. આવા લોકો ક્ષુલ્લક આર્થિક લાભ માટે દેશની સુરક્ષા સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. અલંગમાં આવતા જહાજોની સરકારી પ્રક્રિયા સાથે સંકળાયેલી સરકારી કચેરીઓએ પણ આસાન આર્થિક બાબતો નહીં પણ દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપવું જરૂરી છે.

કસ્ટમ કર્મીઓની ભૂમિકા પણ શંકાસ્પદ
અલંગમાં ભંગાવવા માટે આવતા જહાજોની સરકારી પ્રક્રિયા માટે સૌપ્રથમ કસ્ટમ્સ અધિકારીઓ જાય છે. બોર્ડિંગ ઓફિસર અને રૂમેજીંગ ઓફિસરોએ જહાજની તલસ્પર્શી ચકાસણી, જહાજ પરના દસ્તાવેજો, એજન્ટ દ્વારા સુપરત કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરવાની હોય છે.

પરંતુ જહાજ પર ગયા બાદ આવા અધિકારીઓ વિદેશી સામાનના એકત્રિકરણ અને જહાજના સામાન્ય ફોલ્ટ શોધી અને કેપ્ટનને દબાવી ડોલર તફડાવવાની કામગીરીમાં જ મશગૂલ રહેતા હોય છે. આવા અધિકારીઓની પણ તપાસ થવી જરૂરી છે. તાજેતરના કેસમાં ડીઆરઆઇને તમામ માહિતી હોય તો જહાજ પર ગયેલા અધિકારીઓએ શું કર્યું તેની પણ ખાતાકીય તપાસ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...