શ્રાવણમાં ભરપૂર:મહુવામાં દોઢ કલાકમાં 3 ઇંચ વરસાદ

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવામાં સિઝનનો કુલ વરસાદ 94 ટકા થયો
  • સિહોરમાં એક ઇંચ, ઉમરાળા અને વલ્લભીપુરમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો

શ્રાવણ માસમાં ત્રણ દિવસથી ભાવનગર જિલ્લામાં અષાઢી માહોલમાં મેઘમહેર વરસી રહી છે. આજે મહુવામાં માત્ર દોઢ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે સિહોરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઉમરાળ અને વલ્લભીપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં આજે શ્રાવણી સરવડા સ્વરૂપે 8 મી.મી. વરસાદ વરસી ગયો હતો જ્યારે ગારિયાધારમાં 5 મી.મી. વરસાદ નોંધાયો હતો.

મહુવા શહેર અને આસપાસના વિસ્તારમાં દોઢ કલાકમાં 3ઇંચ વરસાદ ખાબક્તા ઠેર-ઠેર પાણી ભરાયા. ગઇ કાલના વિરામ બાદ આજે બપોરના માત્ર દોઢ કલાકમાં 75 મી.મી. વરસાદ ખાબકતા મહુવાનો કુલ વરસાદ 609 મી.મી (24 ઇંચ) થવા પામેલ છે. મહુવામાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા હોસ્પિટલ રોડ, ગોકુળ નગર ચોકડી, બાલ મંદિર, સેક્રેટરીયટ બિલ્ડીંગ પાછળ વગેરે રસ્તા ઉપર ભારે પાણી ભરાયા હતા. મહુવાનો છેલ્લા 30 વર્ષનો સરાસરી વરસાદ 647 મી.મી. હોય આજે મહુવાનો કુલ વરસાદ 609 મી.મી.થતા મહુવામાં 94.12 ટકા વરસાદ પડી ગયો છે.

સિહોરમાં આજે પણ મેઘમહેર વરસી હતી અને આજે 24 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જેથી સિહોરમાં આ ચોમાસામાં કુલ વરસાદ 313 મી.મી. થઇ ગયો છે. સિહોર આસપાસના ગામડાઓમાં પણ સારી વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે ધીમી ધારે 8 મી.મી. વરસાદ વરસી ગયો હતો. શહેરમાં મેઘાડંબર તો જામે છે પણ ધોધમાર વરસાદ વરસતો નથી. ભાવનગર શહેરમાં આ સિઝનમાં કુલ વરસાદ 395 મી.મી. એટલે કે 16 ઇંચ થવા આવ્યો છે. આમ ભાવનગર જિલ્લામાં શ્રાવણના પ્રારંભથી જ વરસાદનો નવો તબક્કો શરૂ થયો છે.

શેત્રુંજી ડેમની સપાટી વધીને 27.4 ફૂટ થઇ
આજે પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. ડેમમાં પાણીની સતત 2030 ક્યૂસેકની આવક શરૂ રહેતા આ ડેમની સપાટી 2 ઇંચ વધીને 27.4 ફૂટને આંબી ગઇ હતી. આ ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. આ ડેમમાં ઉપરવાસના ગુજરડામાંથી 2 ફૂટની આવક શરૂ હતી. ડેમમાં 214 મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થઇ ગયો છે.

શેત્રુંજી ડેમ ઉપરાંત જે જળાશયોમાં પાણીની આવક શરૂ હતી તેમાં માલણ ડેમમાં 93 ક્યૂસેક, બગડ ડેમ જે 100 ટકા ભરાયેલો હોય ઓવરફ્લો છે તેમાં 53 ક્યૂસેક પાણીની આવક અને જાવક શરૂ હતી. આ ઉપરાંત રોજકી ડેમમાં 46 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી. આજે જે જશળાયોમાં વરસાદ વરસ્યો તેમાં બગડમાં 9 મી.મી., રોજકીમાં 13 મી.મી. અને જસપરામાં 20 મી.મી. વરસાદ વરસી ગયો હતો.

જિલ્લામાં કુલ વરસાદ 52 ટકા થયો
ભાવનગર જિલ્લામાં આજે સાંજ સુધીમાં આ ચોમાસામાં કુલ વરસાદ 320 મી.મી. થઇ ગયો છે જે જિલ્લાના કુલ વરસાદ 617 મી.મી.ના 51.98 ટકા થાય છે. જેમાં સૌથી વધુ વરસાદ મહુવામાં 605 મી.મી. અને સૌથી ઓછો વરસાદ ઘોઘામાં 195 મી.મી. વરસ્યો છે.

અન્ય સમાચારો પણ છે...