તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર્જ વધ્યો:શિપબ્રેકિંગના મામલે કેન્દ્ર-રાજ્ય સામસામે શિપ યાર્ડના ચાર્જમાં 3 ગણો કમરતોડ વધારો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને બમણો કરવા કેન્દ્ર સરકાર પગલાઓ લઇ રહી છે, તો બીજી તરફ પ્રોત્સાહન આપવું તો દૂર રહ્યું કોરોનાકાળમાં આર્થિક બાબતોએ જજુમી રહેલા ઉદ્યોગને પાડી દેવાની વૃત્તિ હોય તે રીતે રાજ્ય સરકારે શિપબ્રેકરો પરના ચાર્જ 2.5 થી 3 ગણા વધારી દીધા છે. શિપબ્રેકર પ્લોટમાં જહાજ ભાંગે કે ન ભાંગે પ્રતિ વર્ષ 40થી 55 લાખ રૂપિયા સરકારમાં જમા કરાવવા જ પડે તેવી નોબત આવી ગઇ છે.

કેન્દ્ર અને રાજ્યમાં એક જ રાજકીય પક્ષની સરકાર હોવા છતા શિપબ્રેકિંગ ઉદ્યોગ પ્રત્યેના વલણમાં જમીન આસમાનનો ફર્ક જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય બજેટ 2021-22માં નાણામંત્રીએ અલંગમાં શિપબ્રેકિંગની ક્ષમતા વર્ષ 2024 સુધીમાં બમણી કરવાની ઘોષણા કરી છે અને તે પ્રમાણે કેન્દ્ર સરકારે કામગીરી પણ આરંભી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ફિક્સ ચાર્જમાં રી-મેજરમેન્ટ થોપવામાં આવ્યુ છે અને તે મુજબ શિપબ્રેકરોએ અગાઉની સરખામણીએ હવે 2.5થી 3 ગણા વધારે ચાર્જ ચુકવવાના રહેશે.

વર્ષ 2006માં શિપબ્રેકિંગ ઉદ્યોગ આર્થિક કટોકટીમાં હતો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્લોટ ભાડા 270/-માંથી 200/- પ્રતિ સ્કે.મીટર કરી આપી અને રાહત આપી હતી. હવે તેઓ 2014થી દેશના વડાપ્રધાન છે અને અલંગના વિકાસ પ્રત્યે તેઓની ચિંતા સતત હોય છે. પરંતુ રાજ્ય સરકાર આ ઉદ્યોગને પાડી દેવાની ઇચ્છા ધરાવતી હોય તેમ વારંવાર અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગના વિકાસમાં રોડા નાંખી રહી છે.

રાજકીય રીતે ભાવનગર અને રાજકોટ હંમેશા હરિફ રહ્યું છે, અને ભાવનગરના ભાગના અનેક પ્રોજેક્ટ, વિકાસના કામો રાજકોટની રાજકીય સબળતાને કારણે જતા રહ્યા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી તરીકે ભાવનગરના મનસુખભાઇ માંડવીયા કાર્યભાર ધરાવે છે અને અલંગ માટે સતત તેઓ નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. તો મુળ રાજકોટના વતની અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર શિપબ્રેકિંગમાં સતત અડચણો ઉભી કરવામાં પ્રવૃત્ત છે. આમ ભાવનગર જિલ્લાના નાગરિકોમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે, કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપે છે તે અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગ, જે ભાવનગર જિલ્લાની કરોડરજ્જુ સમાન છે તેેને ભાંગી નાંખવાની મેલી મુરાદ ધરાવે છે. અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગમાં પાણી અને ઇલેકટ્રિક ચાર્જ પણ પ્રતિ સ્કવેર મીટર પ્રમાણે વસુલવામાં આવે છે, જે અન્યાયી છે.

આ ચાર્જીસ તો ફિક્સ હોવા જોઇએ, તેને લંબાઇ-પહોળાઇ સાથે શું લેવા-દેવા હોઇ શકે?. શિપબ્રેકરો પરના ચાર્જ 2.5થી 3 ગણા વધારવામાં આવ્યા બાદ હાલ પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે, શિપબ્રેકરો કોઇ જહાજ પ્લોટમાં ભાંગે કે ન ભાંગે પણ વર્ષે 40થી 55 લાખ રૂપિયા તો ભરવા જ પડે.

અન્ય સમાચારો પણ છે...