મહુવા તાલુકાના કાટીકડા ગામે પ્રાથમિક શાળામાંથી પરત ફરી રહેલ ત્રણ માસુમ બાળકોને ખેતરમાં રહેલ ફેન્સીંગમાં ગેરકાયદેસર વિજ જોડાણ આપી કરંટ મૂકતા શોક લાગતા બે સગા ભાઇ - બહેનો સહિત શાળાના ત્રણ માસુમ ભુલકાઓના કરૂણ મોત નિપજતા શાળાએથી પરત ફરતા નવમાંથી છ બાળકો બચી ગયા હતા. આ બનાવ બનતા નાનકડા એવા ગામમાં ભારે ગમગીની સાથે ઘેરા શોકની લાગણી છવાઇ હતી જ્યારે આજે સાંજે એક સાથે ત્રણ - ત્રણ નાના બાળકોની અર્થીઓ ઉપડતા તેની અંતિમ વિધીમાં મોટા પ્રમાણમાં ગ્રામજનો જોડાયા હતા અને જાણે હિબકે ચડ્યું હતું.
મહુવા તાલુકાના કાટીકડા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો દૈનિક સમય મુજબ સવારની પાળીના ધો. 1 થી 5 ના બાળકો 12-30 કલાકે છુટ્યા હતા. જેમાં એક સાથે નવ બાળકો મોજ મસ્તી કરતા પોતાના ઘરે જતા હતા તે દરમિયાન રસ્તામાં આવતા સોમતભાઇની વાડી પાસે તેણે પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે એલડી 230 વોલ્ટ ડીસીમાં એડેપ્ટર દ્વારા કન્વર્ટ કરી પાવર ડાયરેક્ટ ફેન્સીંગ સાથે જોડી કરંટ આપેલ તે ફેન્સીંગને એક બાળક અકસ્માતે અડી જતા તેને સોંટ લાગેલ જેને બચવવા જતા બીજા બાળકને અને ત્રીજા બાળકને કરંટ લાગતા ત્રણેયના સ્થળ પર જ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ ત્રણ બાળકો એક સાથે પડી જતા અન્ય છ એ બાળકો ત્યાંથી દોડી જઇ ગ્રામજનોને વાત કરતા લોકો દોડી આવ્યા હતા.
અને ત્રણેય બાળકો નૈતિક કનુભાઇ જાબુંચા (ઉ.વ. 12, ધો. 4), પ્રિયંકા કનુભાઇ જાબુંચા (ઉ.વ.10, ધો. 3) અને કોમલ મગનભાઇ ચૌહાણ (ઉ.વ. 11, ધો. 4)ને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ત્રણેયને મૃત જાહેર કરાયા હતા. મૃતક નૈતિક અને પ્રિયંકા એક જ પરિવારના સગા ભાઇ-બહેન હતા.
જવાબદારો સામે પગલા લેવાશે
આ બનાવમાં પીજીવીસીએલના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેમનો રિપોર્ટ આવ્યા બાદ જો ગુન્હો થયાનું માલુમ પડશે તો ઈપીકો કલમ 304 મુજબ જવાબદારો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. - જયદીપસિંહ સરવૈયા, ડીવાયએસપી, મહુવા
કોમલ પણ ખેડૂતની દિકરી
મૃતક દીકરી કોમલબેન પણ સામાન્ય ખેડૂતની દિકરી હતા. આ ગરિબ પરિવારમાં કોમલબેનના પિતાને સંતાનમાં ચાર દિકરી છે જ્યારે ચાર દિકરીઓ વચ્ચે એક ભાઇ છે. જેના પરિવારમાં કોમલબેનનું અવસાન થતાં પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઇ હતી.
સીધો જ ફેન્સીંગ સાથે વાયર જોડી કરંટ આપેલો
મહુવાના કાટીકડા ગામે ત્રણ માસુમ બાળકોના મોત માટે જવાબદાર વાડીના માલિક સોમતભાઇએ પીજીવીસીએલ એલડી 230 વોલ્ટનો પાવર બિન અધિકૃત રીતે લઇ તેને 12 વોલ્ટ ડીસીમાં એડેપ્ટર દ્વારા કન્વર્ટ કરી પાવર ડાયરેક્ટ ફેન્સીંગ સાથે જોડી કરંટ આપ્યો હતો. આ રીતે કરંટ આપવાથી વ્યક્તિને તુર્તંજ કરંટ લાગે છે.
પરંતુ વ્યક્તિ દુર ફેંકાઇ જાય તો કદાચ બચી શકે છે. જ્યારે આ કિસ્સામાં આ બાળકોને ઝટકા લાગ્યા બાદ વાયર પર જ લાંબો સમય પડ્યા રહ્યા હોવા જોઇએ જેથી તેને વારંવાર વીજ પ્રવાહનો કરંટ લાગ્યો હોય તેવું બને. અહીં ઝટકા મશીન હતું જ નહીં. પીજીવીસીએલ કે અન્ય કોઇ પણ સરકારી વિભાગ કોઇને પણ ઝટકા મશીની મંજુરી આપતી નથી. પરંતુ બજારમાં વેચાતા ઝટકા મશીન કે ડાયરેક્ટ છેડો લઇ ખેડૂતો ફેન્સીંગ સાથે કરંટ આપી દેતા હોય છે.- ડી.એન.પટેલ, સહાયક વિદ્યુત નીરીક્ષક, ભાવનગર
બે સગા ભાઇ-બહેનને હૈયાફાટ રૂદન સાથે વિદાય આપી
ખુબ જ ગરીબ પરિવારમાંથી આવતા તથા કાટીકડા ગામે ઝૂંપડાના મકાનમાં વસવાટ કરતા મૃતક બંન્ને સગા-ભાઇ બહેન ત્રણ ભાઇ બહેનમાં નૈતિક કનુભાઇ જાબુંચા બીજા નંબરના તથા સૌથી નાની તેની બહેન પ્રિયંકા કનુભાઇ જાબુંચા હતા. જ્યારે સૌથી મોટો દિકરો પારસ કનુભાઇ જાબુંચા (ઉ.વ.14) છે. એક જ પરિવારના બંન્ને સંતાનોના અકાળે અવસાનથી પરિવારજનો ઉપર આભી ફાટી પડ્યું હતું અને હૈયાફાટ રૂદન સાથે બંન્ને દિકરા દિકરીને વિદાય આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.