હેપ્પી બર્થ-ડે ભાવનગર:299 પુરા કરી આજે 300માં વર્ષમાં પ્રવેશ; ઇ.સ. 1723માં અખાત્રીજે સિહોરના દરબાર સાહેબ ભાવસિંહજીએ સ્થાપના કરી હતી

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી સહિત તેમનું લોક કલ્યાણ માટેનું સૂત્ર. - Divya Bhaskar
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી સહિત તેમનું લોક કલ્યાણ માટેનું સૂત્ર.

આજે ભાવનગર શહેરને 299 વર્ષ પૂરા થયા છે ત્યારે ગોહિલવંશનાં પ્રજાવત્સલ રાજવીઓને વંદન. ભાવનગરના રાજવી 1800 પાદરના ધણી કહેવાતા હતા. આવતી કાલ તા.3 મેને મંગળવારે અખાત્રીજના પર્વે ભાવનગરની સ્થાપનાને 299 વર્ષ પૂર્ણ થઇને 300માં વર્ષમાં પ્રવેશ કરશે.

એક સમયે કહેવાતું કે ભાવનગરમાં ‘સોનાનો સૂરજ ઊગે છે’ આ દિવસો ફરી પાછા આવે તેવો હવેના આ 300માં વર્ષમાં સૌ કોઇએ સાથે મળીને પુરૂષાર્થ કરવાનો છે. આથી જ આ 300મો જન્મ દિવસ લોક અપેક્ષાઓનો બર્થ -ડે છે. સૂર્યવંશી ગોહિલોની રાજધાની સિહોરથી ખસેડીને ભાવનગર ખાતે ફેરવી હતી. કારણ કે. ભાવનગર પર બહારના આક્રમણખોરો દ્વારા હુમલાઓ વધી રહ્યાં હતા ત્યારે એક વધુ સુરક્ષિત રાજધાનીની જરૂર જણાતા વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા) વિક્રમ સંવત 1779 (7 મે, ઈ.સ.1723)ના રોજ મૂળ જુના વડવા ગામના નાકે ભાવસિંહજી પ્રથમ દ્વારા ભાવનગર શહેરનો શિલાન્યાસ થયો હતો.

ભાવેણાની સ્થાપના થતાં વિશાળ સમુદ્રની જેમ જાણે કે રાજ્યનો વિસ્તાર, વસતિ અને વિકાસના ક્ષેત્રે પણ વૃદ્ધિ થઈ.સિહોરમાં કેન્દ્રિત એક નાનું દેશી રજવાડું પોતાના રાજ્યનો વિસ્તાર કરીને સૌરાષ્ટ્રનાં કુલ 222 રજવાડાઓમાં ત્રીજા નંબરનું મહત્ત્વનું દેશી રાજ્ય બન્યું હતું.

આ વિરાસતો શાસકો સાચવી ન શક્યા
આજથી ભાવનગરના 300માં જન્મ દિવસની ઉજવણીનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યારે આઝાદી પછી રજવાડા ગયા અને ત્યારબાદથી સતત ભાવનગરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે અને વિકાસના કિરણો ઝાંખા પડ્યા છે. વસ્તી અને વિસ્તાર બંને વધવાને બદલે ઘટી રહ્યાં છે, જે જન્મદિવસ નિમિત્તે ચિંતાનો વિષય છે. પરંતુ તેની સાથે અપેક્ષાઓ સંતોષાય તેવી શુભકામનાઓ પણ પાઠવીએ. જો કે આઝાદી બાદ નવેસરથી ભાવનગરનો વિકાસ કરવામાં શાસકો નિષ્ફળ ગયા છે અને જે કાંઇ રાજવી પરિવારે ભાવેુણાવાસીઓને આપેલું તે સાચવ્યુ નથી.

ગંગાદેરી...
ભાવનગરમાં નમૂનેદાર સ્થાપત્યોમાં સૌથી ખરાબ હાલત ગંગાદેરીની છે. સફેદ આરસમાંથી આગ્રાના તાજમહેલની પ્રતિકૃતિ સમી 'ગંગાદેરી’માં હવે પુરાતન ખાતાની બેદરકારીને લીધે તિરાડો થઈ ગઈ છે. ગુંબજ ઉપર વૃક્ષ ઉગી ગયા છે.

લોકગેટ..
ભાવનગરના નવા બંદરના વિકાસને વધારવા તેમાં કાંપને લીધે પુરાણ ન થાય તે માટે એશિયામાં સર્વ પ્રથમ લોકગેટ બાંધવાનો કલ્પના કરેલી અને તે માટે આયોજન કરાયા બાદ 1961માં લોકગેટ કાર્યરત થઇ ગયો હતો. પણ બાદમાં તેની પ્રત્યે સતત દુર્લક્ષ સેવવામાં આવ્યું છે.

ટાઉનહોલ...
કૃષ્ણુકમારસિંહજીના લગ્ન જ્યાં થયેલા તે ટાઉનહોલની દુદર્શા છે. ઇટાલિયન માર્બલના બેશકિંમતી ઝુમ્મર અને અન્ય ડેકોરેશનની કલાત્મક ચીજો હતી તે હાલ ગુમ છે અને તે ક્યાં ગઇ તેની કોઇને ખબર પણ નથી. મહારાજાના ત્યાગ સામે બાદના શાસકો સરિયામ બેદરકારી દાખવી છે.

ભાવનગર-તળાજા ટ્રેન...
સમગ્ર કાઠિયાવાડ પ્રાંતમાં સૌ પ્રથમ રેલવેનો ભાવનગર રાજ્યે, 18 ડિસેમ્બર 1880નાં રોજ પ્રારંભ કર્યો હતો અને બાદમાં ભાવનગર રાજ્યમાં આંતરિક રેલવે જોડાણ કરાયુ઼ હતુતેમાં છેક 1980ના દશકા સુધી ભાવનગરથી તળાજાની રેલવે લાઇન હતી તે સુવિધા હવે ઉપલબ્ધ નથી.

સંસ્કૃત પાઠશાળા...
સંસ્કૃત પાઠશાળાઓ કાર્યરત હતી પણ આજની તારીખે હવે એકાદ બે પાઠશાળા માંડ રહી છે. ભાવનગર રાજ્યએ તો તેના મહાલ(તાલુકા) કક્ષાએ પણ સંસ્કૃત પાઠશાળાઓ ઉભી કરી સંસ્કૃતનું શિક્ષણ આપવાનો આરંભ કર્યો હતો પણ એ વિરાસત જળવાઇ નથી.

સુએઝ પ્લાન્ટ...
ભાવનગર શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાજવી કાળમાં જર્મનીમાંથી એન્જીનીયરને બોલાવીને કાર્યરત કરાયો હતો. જે ગટરના પ્રદુષિત પાણીને શુદ્ધ કરતો હતો. ભાવનગરમાં આઝાદી પહેલા આ પ્રકારનો પ્લાન્ટ સૌ પ્રથમ સ્થપાયો હતો પરંતુ બાદમાં તંત્રની આળસને કારણે અને બેદરકારીથી બંધ પડી ગયો હતો.

જુદા જુદા વિસ્તારમાં અખાડા...
બાળકો અને તરૂણોમાં સ્વાસ્થ્ય સંબંધે જાગૃતિ વધે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરી શકાય તે માટે મહારાજાએ એક સમયે ભાવનગર શહેરમાં 22થી વધુ અખાડા કાર્યરત હતા તેમાં આજની તારીખે હવે માંડ ત્રણથી ચાર અખાડા કાર્યરત છે. અખાડાની પ્રવૃત્તિ માટે ભાવનગર નમૂનેદાર ગણાતું પણ હવે અખાડા નામશેષ થઇ ગયા છે.

દરબાર બેન્ક...
રાજવી પરિવારે 1 એપ્રિલ,1902ના રોજ બેન્ક શરૂ કરી તેનું પછી નામ ભાવનગર દરબાર સેવિંગ્ઝ બેન્ક રખાયું હત જેથી ભાવનગરમાં ઉદ્યોગ, વીજળી, બંદર વિગેરેની સુવિધા વધીહતી. બાદમાં આ બેન્કનું નામ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર રખાયુ઼ પણ 2008માં આ સમગ્ર બેન્કને એસબીઆઇમાં મર્જ કરી દેવાતા ભાવનગરને નુકશાન વેઠવું પડ્યું

ભાવનગરના સર્વાંગી વિકાસમાં બદલાવ લાવશે આ છ પ્રોજેક્ટ

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ
ભાવનગર - અમદાવાદ શોર્ટ રૂટનું સંપૂર્ણ કાર્ય હવે પૂર્ણ થવામાં છે અને આ રોડ સુવિધાજનક થવાથી ભાવનગરથી અમદાવાદ સુધી અઢીથી 3 કલાકમાં પહોંચી જવાશે. ભાવનગરથી સુરત અને વડોદરા જવા માટે પણ સુવિધા વધી છે.

સીએનજી ટર્મિનલ...
1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સી.એન.જી.પોર્ટ ટમિર્નલની ભાવનગરમા થવાની છે અને આ ટર્મિનલની સી.એન.જી.ની ક્ષમતા વાર્ષિક 1.5 મિલિયન મેટ્રિક ટનની હશે. પોર્ટ બેઝિન માટેની ચેનલ, ડ્રેજીંગ વિગેરે સુવિધા હશે.

સાયન્સ મ્યુઝિયમ...
ભાવનગર શહેરમાં નારી ગામ પાસે 20 એકર વિશાળ જમીનમાં રૂપિયા 81 કરોડના ખર્ચે વિજ્ઞાન મ્યુઝિયમ સાકાર થશે. વિજ્ઞાન મ્યુઝિયમમાં 20 એકર જમીનમાં આશરે એક લાખ સ્ક્વેર ફીટનું બાંધકામ થશે.

વ્હિકલ સ્ક્રેપ યાર્ડ...
ભાવનગરના અલંગ નજીક વ્હિકલ સ્ક્રેપ યાર્ડ નિર્માણ પામશે. ફરનેસ જેવી સ્ક્રેપનો ઉપયોગ કરનાર ઇન્ડસ્ટ્રી પણ અલંગ નજીકમાં છે. આ ઉદ્યોગથી જિલ્લાના હજારો લોકોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે રોજીરોટી મળશે.

ખંભાતના અખાતનો પૂલ...
ભાવનગરથી ખંભાત સુધી અખાતમાં પૂલ બંધાતા અંતરમાં 100થી 150 કિલોમીટર જેવો ઘટાડો થશે. મીઠા પાણીની પાઇપલાઇન આ રોડની સમાંતર બનાવી શકાશે. ગેસ અને વીજ લાઇન સમાંતર રાખી શકાશે. તળ સુધરશે.

ચિત્રા મંદિર...
શહેરના ચિત્રામાં સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ સ્વામીનારાયણ મંદિર આકાર લઇ રહ્યું છે. 300 ફૂટ લંબાઇ, 250 ફૂટ પહોળાઇ અને 108 ફૂટ ઉંચા આ મંદિરમાં 6 લાખ ઘનફૂટ પથ્થર વપરાશે. 1000 વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રહી શકશે.

દેશની 5 આઇઆઇટીના મૂળમાં ભાવનગર
1932થી 1948 દરમિયાન ભાવનગર રાજ્યએ અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને યુરોપ અને અમેરિકાની જગવિખ્યાત શિક્ષણ સંસ્થાઓમાં ભણવા મોકલ્યા હતા. તે પૈકીના એક વિદ્યાર્થી ડો.અનંત પંડ્યાને અમેરિકાની એમઆઇટીમાં ભણવા માટે મદદ કરી હતી. બાદમાં આ સ્કોલર વિદ્યાર્થીએ ભારત પરત ફરીને ભારત સરકારના આયોજન વિભાગમાં રહીને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલજીને ભારતમાં આવી સંસ્થાઓ સ્થાપવાની સલાહ આપી હતી તે મુજબ ખડગપુર, મુંબઇ, કાનપુર, મદ્રાસ અને દિલ્હીમાં આઇ.આઇ.ટી.ની સ્થાપના કરી હતી. આમ આ પાંચેય સંસ્થા સ્થપાઇ તેના મૂળમાં ભાવનગરના રાજવીની દીર્ઘદ્રષ્ટિ છે તેમ ઇતિહાસવિદ ડો.લક્ષ્મણ વાઢેરે જણાવ્યું હતુ.

મહારાજાના પાંચ મુખ્ય કર્તવ્ય આજે પણ અનુકરણીય
18 એપ્રિલ,,1931ના રોજ ભાવનગરના રાજવી પદે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક થયો ત્યાર પ્રજા પ્રત્યે પોતાના પાંચ કર્તવ્યોની ઘોષણા કરેલી જે આજના લોકશાહીના શાસકો માટે પણ અનુકરણીય છે.

1) રાજ્યની સહીસલામતીનો પાયો લોકોનો સંતોષ છે. 2) લોકોની ઉન્નતિના સાધનો વધારવા, લોકોના સુખમાં વધારો કરવો. 3) લોકોની જરૂરિયાતો સંતોષવી. 4) લોકોનો સંતોષ અને લોકોનું સુખ એ જ રાજાનું ફળ છે. 5) મારીપ્રજા સુખી થાઓ એ રાજાનો સંકલ્પ છે.

ભાવનગરના નેતાઓ મહારાજા પાસેથી પ્રેરણા લઇને જતુ કરે અને અહંમ ત્યજે
મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો એક બહુ જાણીતો કિસ્સો છે. નિલમબાગ પેલેસના આંબા પર આવેલ કેરી તોડવા એક બાળકે પેલેસની બહારથી પથ્થર માર્યો અને તે પથ્થર રાજવી કૃષ્ણકુમારસિંહને વાગ્યો આથી એ બાળકને સિપાઇહીઓ પકડીને લાગ્યા ત્યારે મહારાજા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અત્યંત માર્મિક રીતે બાળકને કહ્યું કે ઝાડને પથ્થર માર્યો હોત તો તને કેરી મળત પણ મહારાજાને પથ્થર વાગ્યો તો કાંઇ નહીં ? અને એમણે એ બાળકને સોનામહોર ભેટ આપી હતી. આ કિસ્સો અત્યારે એટલે યાદ આવે કે રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ભાવનગરના વિકાસની અનેક યોજનાઓ ટલ્લે ચડી ગઇછે. ત્યારે ભાવનગરના જાહેર જીવનના નેતાઓએ મહારાજાના આ પ્રસંગ પરથી પ્રેરણા લઇને જતું કરવાની ભાવના કેળવવી જોઇએ અને પરસ્પર અહમનો ત્યાગ કરવો જોઇએ. અખાત્રીજે ભાવનગરને 300 વર્ષ પૂર્ણ થશે ત્યારે આ જન્મ દિવસની ખરા અર્થમાં ઉજવણી સાર્થક થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...