શ્રદ્ધા:7 દિવસમાં 7 વાહનો બદલતા લક્ષ્મીજીનું 271 વર્ષ જૂનું મંદિર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધનતેરસે ભાવનગરના હજારો ભક્તોના શ્રદ્ધાનું કેન્દ્ર મહાલક્ષ્મી માતાજીના દર્શન

ભાવનગર શહેરના વોરા બજારમાં આવેલું અને 271 વર્ષ જૂનું મહાલક્ષ્મી માતાજીનું મંદિર શહેરના હજારો માતાજીના ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિરની વિશિષ્ટતા એ છે કે સપ્તાહના સાત દિવસ દરમિયાન રોજે રોજ માતાજી વાર પ્રમાણે અલગ અલગ સ્વરૂપમાં અલગ અલગ વાહન પર બિરાજમાન થાય છે.

આ મંદિરમાં ચારેય નવરાત્રિ તેમજ અન્ય પર્વોની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરમાં સોમવારે નંદી, મંગળવારે સિંહ, બુધવારે કૂકડા, ગુરૂવારે મોર પર માતાજી આરૂઢ થાય છે. જ્યારે શુક્રવારે ગજ(હાથી), શનિવારે ગરૂડ અને રવિવારે કમળ પર માતાજી બિરાજમાન થતા દર્શન થાય છે. આસો માસના સુખ આઠમના દિવસે હોડી પર તથા આસો સુદ નોમના દિવસે માતાજી રથ પર બિરાજમાન થાય છે. ભાદરવા સુદ આઠમના શુભ દિવસે માતાજીનો બ્રાહ્મણો દ્વારા શુદ્ધ વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા પાટોત્સવ અને ગાયના શુદ્ધ દૂધથી અભિષેક થાય છે.

આવતી કાલ તા.2 નવેમ્બરને મંગળવારે ધનતેરસના પર્વે સવારે 5.30 કલાકે માતાજીનો બ્રાહ્મણો દ્વારા શુદ્ધ વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા ગાયના શુદ્ધ દૂધતી અભિષેક કરવામાં આવશે અને ભક્તો બહોળી સંખ્યામાં આ દર્શનનો લાભ લેશે. ધન તેરસે વહેલી સવારથી જ આ મંદિરમાં ભક્તોની લાઇન લાગશે અને મહાલક્ષ્મી માતાના દર્શનનો લાભ લઇને પોતાની જાતને ધન્ય ગણશે. આમ આવતીકાલે મંગળવારે ધનતેરસના પર્વે ભાવનગર શહેરની મધ્યમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે સવારે વિશીષ્ટ અભિષેક થશે અને આખો દિવસ માતાજીના ભક્તોની દર્શન માટે ભીડ રહેશે.

અન્ય સમાચારો પણ છે...