સિદ્ધિ:નેશનલ સ્કોલરશિપ પરીક્ષામાં 218 છાત્રોને મેરિટમાં સ્થાન

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેરિટમાં સ્થાન મેળવનારા તેજસ્વી તારલાઓને દર વર્ષે મળશે રૂા.12 હજારની શિષ્યવૃતિ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ- 8માં અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં ઇ.સ.2020માં ભાવનગર જિલ્લાનાં 7,531 નોંધાયેલ વિદ્યાર્થીઓ પૈકી 7,291 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમાં 4,898 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયેલ છે અને 218 વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી આગવી સિધ્ધિ નોંધાવતાં મેદાન માર્યું છે.

ચાલુ વર્ષે રાજ્યના કુલ 5, 097ના ક્વોટામાં 5,090 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવેલ છે. જેમાં માત્ર ભાવનગર જિલ્લાના જ 65 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવી છે અને 218 વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન મેળવવામાં સફળ થયાં છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે સંપન્ન ન હોય તેવા અને મેરિટમાં સ્થાન પામેલા તેજસ્વી બાળકોને આ પરીક્ષા પાસ કર્યેથી દર વર્ષે રૂ. 12,000ની રકમ શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને તેમના પોતાના અભ્યાસ સાથે 4 વર્ષમાં એક વિદ્યાર્થીને રૂા. 48 હજારની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે.

આ અંગે ભાવનગરના નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન દૂધરેજીયાએ જણાવ્યું કે, જિ.પં. હેઠળની 931 શાળાઓમાં શિક્ષકો દ્વારા ઓનલાઇન ક્લાસ બાદ રૂબરૂ જઇને પણ રવિવાર તથા જાહેર રજાઓના દિવસોમાં વિશેષ ક્લાસ લઇને વિદ્યાર્થીઓને આ પરીક્ષા માટેની તૈયારીઓ કરાવવામાં આવી હતી.આ વર્ષે આ પરીક્ષામાં નોંધાયેલ 1,41,103 વિદ્યાર્થીઓ પૈકી 1,33,308 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને તે પૈકી 77,368 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયાં છે. મર્યાદિત ક્વોટાનાં કારણે પરીક્ષામાં ક્વોલિફાય થયેલ 77,368 વિદ્યાર્થીઓ પૈકી 5,090 વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું છે.

જિલ્લા પંચાયતની આગવી પહેલ
ભાવનગર જિલ્લા પંચાયતેએક આગવી પહેલ શરૂ કરી શિક્ષણ ક્ષેત્રે ‘અટલ બિહારી વાજપાઇ શિષ્યવૃત્તિ યોજના’ હેઠળ જોગવાઇ કરી નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-2019માં જિલ્લાનાં 211માં મેરિટ પછીનાં ક્રમે ક્વોલિફાય થયેલ 217 વિદ્યાર્થીને વાર્ષિક રૂ.2,400 અને ત્યાર પછીનાં 756 વિદ્યાર્થીઓને વન ટાઇમ લેખે રૂ.100ની આર્થિક મદદ જિલ્લા પંચાયતના સ્વ- ભંડોળમાંથી આપવાનું નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...